Get The App

અંત ભલા સો સબ ભલા...

Updated: Jun 26th, 2019

GS TEAM

Google News
Google News
અંત ભલા સો સબ ભલા... 1 - image



ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય અંતકાળે મારું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે તે મારા સ્વરૂપને જ પામે છે. એમાં સહેજ પણ સંશય નથી.

અહીં'અંતકાળ' શબ્દ ખૂબ મહત્ત્વનો છે. મનુષ્યને એના અંતકાળની ખબર નથી. અને હા, એવું કંઈ નક્કી નથી કે આટલાં વર્ષો, આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે. અનુભવ તો એવો છે કે ગર્ભમાં જ કેટલાંક બાળકો મરી જાય છે. આ રીતે મૃત્યુની ગતિ હરઘડી બસ ચાલતી રહે છે. કહો કે મનુષ્યના જીવનની પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે. આથી મનુષ્યે પ્રત્યેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઇએ.

જીવનમાં જન્મ જેટલી મોટી ઘટના છે તેનાથી પણ વધારે મોટી ઘટના છે મૃત્યુ. કબીરદાસજી કહી ગયા છે ઃ'કબીરા હમ પૈદા હુએ, જગ હંસે હમ રોયે. એસી કરની કર ચલો, હમ હંસે જગ રોયે.' મૃત્યુ એક અસામાન્ય ઘટના છે. તે સુખદ હોવું જોઈએ. જેથી અંતિમ ગતિ પણ સારી થાય. સામાન્ય સમયમાં તમે કોઈ એવું કામ કરી જાઓ, જે અસામાન્ય કહેવા લાયક હોય. લોકો આપણને તેના માધ્યમથી યાદ કરે તો એ મોટી વાત ગણાશે. પરંતુ મૃત્યુ એટલી મોટી ઘટના છે કે તે આપણા સમગ્ર જીવનના કર્મ અને સંસ્કારોનું મૂલ્યાંકન કરી જાય છે.

આમ તો માનવજીવનની દરેક ક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે મૃત્યુની ક્ષણ. આપણા જીવનની આ અંતિમ ફાઈલ ભગવાન પાસે જાય અને તેઓ ઓ..કે કરી દે તો બધું બરાબર. અંતિમ હસ્તાક્ષર ભગવાનના થવાના છે. તેઓ જીવનભરના કર્મોનું મૂલ્યાંકન કરે છે. આ શરીર છોડીને બીજું શરીર પ્રાપ્ત થવું કે અંતગતિ પ્રાપ્ત થવી પરમગતિ પ્રાપ્ત થવી એ ભગવાને નક્કી કરવાનું છે. બે પળની મૃત્યુની ઘટના ઘણી માર્મિક હોય છે.

આથી દરેક ધર્મસંપ્રદાયે મૃત્યુને સારું બનાવવા પર ભાર મૂક્યો છે. મૃત્યુ દુઃખદ નહિ. સુખદ બને. અંત ભલા સો સબ ભલા.

જીવન એક ગીત છે મૃત્યુ એનું ધ્રુવપદ છે. પરોઢિયે જેમ રાતનું અંધારું અને દિવસનો પ્રકાશ એકમેકમાં ભળી જાય ત્યારે દિવ્ય સૂર્યોદય થાય છે, એવું જીવનમાં પણ જીવન અને મૃત્યુ એકમેકમાં ભળી જઈ દિવ્યતા પ્રાપ્ત થવી જોઈએ એ જ સાચું મૃત્યુ છે. દરેક દિવસ નવો જન્મ છે અને દરેક રાત્રિ નવું મોત છે. જો આ ભાવથી આપણે ભગવાનને યાદ કરીએ તો રોજિંદા જીવનમાં દુઃખો આપણને તકલીફ નહિ આપે.

સવારે ઊઠીશું ત્યારે તાજગી સાથે નવા દિવસનું આયોજન કરીશું. રાત્રે સૂતી વખતે આખા દિવસનું સરવૈયું મેળવીને મૃત્યુ પામવાનો ભાવ રાખીશું. દરેક રાત્રિએ આપણે જો ભગવાનને યાદ કરીશું તો અંતિમ સમયે આપણે ભગવાનને ભૂલી શકીશું નહિ. સુજ્ઞોષુ કિં બહુના ?

- કનૈયાલાલ રાવલ  

Tags :