Get The App

શ્રી રામચરિત માનસનાં મુખ્ય પ્રવકતા "કાકભુશુણ્ડિ"

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
શ્રી રામચરિત માનસનાં મુખ્ય પ્રવકતા "કાકભુશુણ્ડિ" 1 - image


- જ્ઞાન કહેવામાંય - સમજાવવામાં અઘરૂ, સમજવું પણ અઘરૂ તેની સાધના પણ કઠિન છે. જ્ઞાનનો 'માર્ગ' બેધારી તલવાર જેવો છે. તેમાં ફસાઈ જતા વાર લાગતી નથી. જ્યારે ભક્તિ સરળ- સુલભ અને નિર્મળ છે 

"બ ડે ભાગ્ય મનુષ્ય તન પાવા" - સામાન્ય રીતે વિભિન્ન વિવિધ યોનિઓમાં - પશુ- પક્ષી- જીવાત વગેરે યોનીમાં મનુષ્ય જન્મ દુર્લભ છે અને અન્ય પશુ-પક્ષીની યોનિ આ તિર્યક યોનિ મનાતી હોવાનું સુવીદિત છે. મનુષ્ય અને મન્યુષ્યેત્તર વચ્ચેના આ યોનિભેદનું નિરૂપણ વિભિન્ન પુરાણો અને શાસ્ત્રગ્રંથોમાં થયું છે.

અલબત્ત શાસ્ત્રોમાં તિર્યક યોનિ શબ્દ નિકૃષ્ટ હોવાનો અર્થ સૂચવતો નથી. તિર્યક્ = તિરશ્ચ: તીરની જેમ આડા-વાંકા ચાલનારા અર્થાત જ્યાં મનુષ્ય સીધા ઉભા ચાલે છે. તેની વિરૂદ્ધ આડા ચાલનારા પ્રાણી= પશુ-પક્ષી આદિ યોનિ સ્વરૂપે તિર્યક યોનિની જીવનરત યાતનાઓ જોતા તેવા પ્રાણીઓની કરતા મનુષ્ય જીવન કેવું પ્રશંસનીય છે. તેનો ખ્યાલ આવતા તુલનાત્મક દ્રષ્ટિએ તિર્યક યોનિ નિકૃષ્ટ સ્વરૂપે દેખાય એ સ્વાભાવિક છે.

તિર્યકયોનિની પ્રશંસા : આ તિર્યક યોનિનો પણ બુદ્ધિ  બુદ્ધિ પૂર્વકના અભ્યાસ અને તેના ઉદાહરણો સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશમાં આ પ્રાણી સૃષ્ટિના જે અવલોકનો તે ઉત્તમ સાહિત્ય સ્વરૂપે આપણી પાસે છે. તેમાં સિંહનું પરાક્રમ અને લાચારી, શિયાળની બુદ્ધિમત્તા અને લુચ્ચાઈ, સસલાની ચતુરાઈ અને નબળાઈ આદિ દર્શનીય છે.

તિર્યક યોનિમાં વાયસ - (કાગડા)નું સ્થાન નોંધપાત્ર છે અને બીજી બાજુ તેની સ્વભાવગત દુર્જનતાની પણ છણાવટ થઈ છે. કાગડાની વાણીમાં કોઈક મહેમાન આવવાનો સંકેત કે સારા સમાચાર પ્રાપ્ત થવાનો સંકેત છે.

કાગડાનો નિંદાત્મક અભિપ્રાય આપવા પ્રસંગે સ્વયં તુલસીદાસજીએ અનેક સ્થળે તેનો ઉપયોગ કર્યો છે. રામાયણમાં બાલકાણ્ડ પ્રારંભે દુષ્ટોના સ્વભાવનું વર્ણન કરતા કહ્યું છે કે કાગડાને ખૂબ પ્રેમથી પાળો તોય ક્યારેય માંસ ખાવાનો ત્યાગ કરનારો થઈ શકે ખરો ? એજ રીતે અરણ્યકાણ્ડમાં દેવરાજ ઈન્દ્રનો મુર્ખ પુત્ર જયન્ત કાગડાનાં રૂપે શ્રી રાઘુનાથજીનાં બળનો ખ્યાલ મેળવવા આવ્યો અને અંતે એ એક આંખે કાણો થઈને, પસ્તાઈ ગયો એ વર્ણન છે.

રામ-ભક્તિમય કાગડાનું અદ્ભુત જીવન

મહાન આત્મા સ્વરૂપનું રામાયણમાં વર્ણન

સંત ગોસ્વામી તુલસીદાસજીએ તેના રચેલા 'રામચરિતમાનસ' ગ્રંથમાં આજ વાયસ-કાગડાને આશ્ચર્યકારક રામભક્તનાં પરમ સ્વરૂપે નિર્દેશ કર્યો છે. સંત તુલસીદાસજીએ રામચરિતમાનસ કથાના મુખ્ય પ્રવક્તા ઋષિઓમાં કાકભુશુણ્ડિની ગણના કરેલ છે.

આ માનસ કથાના પ્રથમ શ્રોતા ભગવતી પાર્વતીજી બીજા અવતારે શિવજી પાસેથી આ કથાનું શ્રવણ કર્યું ત્યારે કાકભુશુણ્ડિએ ગરૂડજીને સંભળાવી હતી.

શિવજી પાર્વતીજીને રામકથા સંભળાવી તેનો ઉપસંહાર કરતા કહ્યું, હે ઉમા-પાર્વતીજી, કાકભુશુણ્ડિજીએ જે કથા ગરૂડજીને સંભળાવી હતી તે સંપૂર્ણ કથા મેં તને સંભળાવી... 

પાર્વતીજીનો પ્રશ્ન : પાર્વતીજી શંકર પાસેથી રામકથા સાંભળીને પૂછયું કે આ સુંદર કથા કાકભુશુણ્ડિ એ ગરૂડજીને કહી હતી. તો કાગડાનો દેહ મળ્યો હોવા છતાં કાકભુશુણ્ડિજી વૈરાગ્ય, જ્ઞાન, વિજ્ઞાનમાં દૃઢ છે તેમને  રામચરણોમાં અત્યંત પ્રેમ છે. તેમને રઘુનાથજીની ભક્તિ પ્રાપ્ત છે. આ બાબતે મને ખૂબ જ સંદેહ-સંશય થાય છે. હે ત્રિપુરારિ, હજારો મનુષ્યોમાં ભાગ્યે જ કોઈ એક ધર્મ-વ્રતને ધારણ કરે છે. તો આ વૈરાગ્યવાન, જ્ઞાની, બ્રહ્મનિમગ્ન આ બધાયમાં પ્રાણીનો અત્યંત દુર્લભ છે. આવી દુર્લભ ભક્તિ એક કાગડો કેમ કરીને પામી ગયો એ આપ મને સમજાવો. અને તેને આ કાગડાનો દેહ શાથી મળ્યા અને તેનો અને ગરૂડજીના સંવાદ કઈ રીતે થયો ? તે કહો. આમ પાર્વતીજીએ છ પ્રશ્નો પૂછયા.

પાર્વતીજીની આવી નિખાલસ વાણી સાંભળી શિવજીએ પ્રસન્નપૂર્વક કહ્યું કે તમે જેવા મને પ્રશ્ન પૂછયા છે એવા જ પ્રશ્નો પક્ષીરાજ ગરૂડજીએ કાકભુશુણ્ડિને પૂછયા હતા. શિવજીએ કહ્યું આનો પવિત્ર ઈતિહાસ સાંભળો.

એક સુંદર સુમેરુ ગિરિમાળામાં એક સુંદર નીલપર્વત છે તેના ચાર શિખરો છે. ત્યાં એ સુન્દર પર્વત પર આ પક્ષી- 'કાકભુશુણ્ડિ' રહે છે. કેદારનાથના રસ્તે જતા વચ્ચે દૂર સુંદર એક હિમાચ્છાદિત પર્વત આજે પણ છે જે 'કાકભુશુણ્ડિ'ના નામે ઓળખાય છે.

કાકભુશુણ્ડિ ત્યાં એક પીપળાની નીચે ધ્યાનમાં બેસે છે અને જપ યજ્ઞા કરી માનસપૂજા કરે છે. તે રામચરિતનું અનેક પ્રકારે ગાન કરે છે.

ગરૂડજી શ્રીરામચંદ્રને રામ-રાવણ યુદ્ધમાં રાવણપુત્ર મેઘનાદે પોતાના નાગયાશ બાણનાં પ્રયોગથી શ્રી રામને નાગપાશથી બાંધી દીધા હતા. શ્રી રામજીને નાગપાશમાંથી ગરૂડજીએ નારદજીની પ્રેરણાથી ગરૂડે તે નાગપાશ કાપીને શ્રીરામને મુક્ત કર્યાં.

જેમના નામના સ્મરણથી સાધારણ મનુષ્ય આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ છૂટી જાય એજ રામ આ એક રાક્ષસી નાગપાશથી કેમ બંધાણા ? આવે પ્રશ્ન ગરૂજીના મનમાં થતા તેઓ દેવર્ષિ નારદ પાસે ગયા અને નારદજીએ એના સમાધાન માટે ભગવાન શંકર પાસે મોકલ્યા. શિવજીએ પરમ સુશીલ કાકભુશુણ્ડિની પાસે મોકલ્યા.

કાકભુશુણ્ડિ - ગરૂડનો સંવાદ : નિત્ય હરિકથા જ્યાં થાય છે કાકભુશુણ્ડિ ત્યાં રહે છે. ત્યાં ગરૂડજી પહોંચ્યા અને સત્સંગ કર્યો. ગરૂડજીનું અભિમાન ગાળવા જ શિવજીએ તેને કાકભુશુણ્ડિ પાસે મોકલ્યા હતા. ગરૂડજીએ શિવજીએ મોકલ્યા તે બધી હકિકતો કાકભુશુણ્ડિને કહી. પ્રથમ તો એમણે ખૂબ જ ભાવવિભોર થઈને પ્રેમથી શ્રીરામચરિતમાનસનું રૂપક સમજાવી શ્રીરામનો જન્મ, વનગમન, કેવટ પ્રેમ વગેરે સંપૂર્ણ રામકથા કહી- દર્શાવી ભુશુણ્ડિજીએ ગીધરાજ જટાયુ સાથેની મિત્રતાનું વર્ણન કર્યું. શ્રીરામચંદ્રજી રાજારામ સ્વરૂપે સઘળી ઉજ્જવળ કથા કાકભુશુણ્ડિએ વિસ્તારપૂર્વક ગરૂડજીને સંભળાવી.

કાકભુશુણ્ડિનો પૂર્વજન્મ : ગરૂડજી પૂછે છે આપ આ કાગ શરીર કયા કારણે પામ્યા ? તેમને કહો "કારન કવન દેહ યહ પાઈ ??"

'કાગ' (કાકભુશુણ્ડિ)એ કહ્યું મેં આ શરીરથી શ્રી રામજીની ભક્તિ પ્રાપ્ત કરી છે. જીવના માટે સાચો સ્વાર્થ એ જ છે કે મન, વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ રાખવો. મેં બધી યોનિમાં જન્મ લઈને અંતે આ કાગ-કાગડાનું શરીર ધારણ કર્યું. મારું મરણ પણ મારી ઈચ્છા પ્રમાણે થાય તેવું મને વરદાન હોવા છતાં મેં આ શરીર પ્રાપ્ત કરી હું સુખી છું.

દીન, મલિન, દરિદ્ર અને દુ:ખી એવો હું અયોધ્યાથી ઉજ્જૈન ગયો. ત્યાં જઈ ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો ત્યાં એક બ્રાહ્મણ વૈદિક-વિધિથી શિવજીના ઉપાસક હતા. એણે મને પુત્ર સમજી પ્રેમથી શુભ ઉપદેશ આપ્યો હતો. પરંતુ દંભ અને અહંકાર મારામાં હતા. તેથી તેવી હલકટ બુદ્ધિથી હું શ્રી વિષ્ણુ ભગવાનનો દ્રોહ કરતો. ગુરૂજી કહેતા કે શિવજીને હરિના સેવક કહ્યા તેથી પક્ષીરાજ, મારૃં હૃદય બળી ગયું. 

- ડો. ઉમાકાંત જે. જોષી


Google NewsGoogle News