'અદ્ભુત અનુભવ અદભુત અનુભૂતિ' થી હૈયુ હિલોળે ચડે એવી યાત્રા એટલે કૈલાસ માનસરોવર યાત્રા.
દેવાધિ દેવ મહાદેવ કૈલાસ પર્વત પર રહે છે. દુનિયામાં એક જ પર્વત એવો છે જ્યાં પક્ષી પણ નથી ઉડતા અને કોઈ વ્યક્તિ પણ પહોંચી શક્તો નથી.
શિવપુરાણ અનુસાર કૈલાશના દર્શન અને માનસરોવરમાં સ્નાન કરવાથી સાત પેઢી તરી જાય એટલું પુણ્ય મળે છે કૈલાસના દર્શન માત્ર આનંદવિભોર અને રોમાન્સથી અભિભૂત કરનારું છે.
કૈલાશ માન સરોવર યાત્રા પરમાત્મા અને પ્રકૃતિ બંને સાથે તમને સંવાદ કરાવે છે. સાક્ષાત્કાર કરાવે છે કૈલાશ પર્વત સાક્ષાત શિવનું નિવાસસ્થાન છે અહીંયા અત્યંત શ્રદ્ધાપૂર્વક કૈલાસની પૂજા કરવામાં આવે છે.
નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ કૈલાશ દર્શન કર્યા પછી નતમસ્તક થયા વિના રહી શક્તો નથી. એટલો પ્રભાવ એટલી એની દિવ્યતા છે, એટલી એની ઓરા છે, દિવ્ય શક્તિ અને આધ્યાત્મિક વલયો એની આજુબાજુ વ્યાપ્ત છે.
વેદોમાં તેમજ ઉપનિષદમાં પુરાણમાં પણ કૈલાશનું વર્ણન કરવામાં આવેલું છે. શિવુપુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ વગેરે ગ્રંથોમાં પણ કૈલાસનું મહાત્મ્ય બતાવેલું છે. જૈન શાસ્ત્રો અનુસાર પહેલા તીર્થકર શ્રી ઋષભદેવે કૈલાસ પર્વત પર મુક્તિ મેળવી હતી.
દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માએ મહાદેવ માટે કૈલાસની રચના કરી હતી તેમજ દ્વારકા લંકા બ્રહ્મપુરી જેવી નગરીની રચના પણ ભગવાન વિશ્વકર્માએ કરી હતી. મારા ઇષ્ટદેવ ભગવાન વિશ્વકર્માને મારા કોટી કોટી વંદન. કૈલાસ માન સરોવર યાત્રા એ પરમેશ્વર અને પ્રકૃતિનો અદ્ભુત સમન્વય છે સત્યમ, શિવમ, સુન્દરમ નો ખજાનો એટલે કૈલાશ માન સરોવર. સૃષ્ટિનો પ્રથમ અવાજ એ ઓમ છે જે કૈલાસે સંભળાય છે ઓમ પ્રણવ છે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમાં ત્રણે દેવોનો સમાવેશ થાય છે. બ્રહ્માંડમાં વ્યાપેલી ઉર્જા અને ચેતના શક્તિનો ગાગરમાં સાગર જેવી માણવાનો અહેસાસ કૈલાસ માન સરોવરમાં થાય છે. આ યાત્રા દરેક વ્યક્તિના ભાગ્યમાં નથી હોતી જેના માથે મહાદેવનો હાથ હોય તેને જ આ યાત્રાનો લહાવો મળે છે. શરીરમાં રહેલી ઊંડી જડતાને બહાર કાઢવા માન સરોવરમાં સ્નાન અને કૈલાશ પરિક્રમા જરૂરી છે. આ યાત્રા દરમિયાન અષ્ટાપદ યાત્રાના દર્શન કરી શકાય છે જ્યાં ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા હતા. રાક્ષસતાલ જે રાવણે પોતાની માનસિક શક્તિથી બનાવેલું હતું રાવણ એ પરમ શિવભક્ત હતા પરંતુ રાક્ષસ તાલના પાણીમાં કોઈ પક્ષી કે પશુ પાણી પીતું નથી એ પાણી મનુષ્યએ પણ પીવામાં આવતું નથી અને ઘર લઈ જવામાં પણ આવતું નથી.
પવિત્ર માન સરોવર એ બ્રહ્માજીએ પોતાની માનસિક શક્તિથી બનાવ્યું હતું. જે ૧૪૫૦૦ ફૂટની હાઈટ છે. આશરે ૩૦૦ ફૂટ ઊંડુ છે. આટલી હાઈટ પર વિશ્વનું એક જ મીઠા પાણીનું સરોવર છે. જેમાં બ્રહ્મ મુહૂર્તમાં દરેક દેવી-દેવતાઓ પ્રકાશ સ્વરૂપે સ્નાન કરે છે. કૈલાસ પર્વત જેની તો વાત જ અલૌકિક છે કૈલાસના દર્શન થતાં જ વ્યક્તિ ભાવવિભોર થઈ જાય છે અને આંખમાંથી આંસુ પણ સરી પડે છે. બ્રહ્માંડિય ઉર્જાથી ભરપૂર એવા કૈલાસ પર્વત પર આજ સુધી કોઈ ચડી શક્યું નથી અને એના સરાઉન્ડીંગ એરિયામાં કોઈપણ હેલિકોપ્ટર કે ફલાઈટ પણ જઈ શકતું નથી. હિમાલયનું બીજું નામ શિવાલય આ શિવાલયમાં દેવાધિદેવ મહાદેવ કૈલાશ પર્વત પર પરિવાર સાથે બિરાજે છે. કૈલાશ પર્વત જ્ઞાાન જ્યોતિ જેવો સ્ફટિક અને શુધ્ધ છે કૈલાશ પર્વતનો દક્ષિણ ભાગ નીલમણી છે, પૂર્વ ભાગ પારદર્શક ખનીજ તરીકે પશ્ચિમનો ભાગ માણેક તરીકે અને ઉત્તરનો ભાગ સુવર્ણ તરીકે ઓળખાય છે. કુબેરનું નગર અહીં સ્થાપિત છે. કૈલાશ માનસરોવર યાત્રા જવા માટેનું દરેક હિન્દુ વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે. 'શિવહરી યાત્રા' અમદાવાદ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
'મત પૂછો મુજસે મેરી પહેચાન કે મેં કૌન હું ?
ભસ્મ સે હોતા હૈ જીનકા શૃંગાર, મેં ઉસ મહાદેવ કી પુજારન હું.'
- ડો. સ્મિતા સુથાર


