Get The App

જોગમાયા આઈશ્રી ખોડિયાર જયંતિ

- મહાસુદ આઠમ .

Updated: Feb 17th, 2021

GS TEAM


Google News
Google News
જોગમાયા આઈશ્રી ખોડિયાર જયંતિ 1 - image


''જય જય જોગમાયા ખોડિયાર, આદ્યશક્તિનો તું અવતાર

ભક્તજનો સૌ કરે પૂકાર, કૃપા કરજો મા ખોડિયાર''

ભા વનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાકટય સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવે તેને આઠ સંતાનો આપી તનું વાઝિયાપણું દૂર કર્યું હતું. સાતબેનો અને એક ભાઈએ એ અહિંયા પારણામાં જન્મ લીધોહતો. સૌથી નાની બેન એજ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ ગામમાં ખોડિયાર જયંતિ ઉજવાય છે.

વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શીલાદિત્ય રાજા સાહિત્ય, સંગિત અને કળાકારીગરીના ઉપાસક હતા. તેના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી ચાલનાર નેક ઇમાનદાર હતો. તે મહાદેવનો પરમ ઉપાશક હતો. આવા સદગુણોના સંબંધે રાજા શીલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માનસન્માન મળતું હતું. તેઓ રાજાના પરમમિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઇકે રાજાને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે.

મામડિયો ચારણ વાંઝિયો છે. આ જાણીને ધીમે ધીમે મામડિયાએ પૂછયું રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો. રાજાએ કહ્યું કે તું વાંઝિયો છે. વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે. મામડિયો ચારણ વાંઝિયો છે. આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો. એક દિવસ મામડિયાએ 

પૂછયું. રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો. રાજાએ કહ્યું કે તું વાંઝિયો છે. વાંઝિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપસુકન ગણાય છે. એમ શાસ્ત્રો કહે છે. મામડિયો નિરાસ થઇ ઘરે આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુઃખ થયું. તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહિ આપો તો કમળપૂજા કરીશ.

મામડિયાએ અન્નજળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરૂં તપ કર્યું છે તો હું તને આઠ સંતાનો આપું છું. સાત દીકરી અને એક દીકરો સાત દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે. તે દુનિયાના દુઃખો મટાડશે. હે મામડિયા તું ઘરે જા અને આઠ પારણા બંધાવજે.

મહાદેવની કૃપાથી જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર). દીકરાનું નામ મેરખિયો. ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયાં. નાનપણથી જ તેમણે અનેક દુખિયાનાં દુઃખો મટાડયા. અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઇમેરખિયાને સાપે ડંસ દીધો હતો. મા ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય. ભાઇ સાજો થઇ જાય.

મા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી. અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતાં કોઇક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યાં. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી ખોડિયાર નામ પડયું છે. આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેકના દુખો દૂર કર્યા હતા. અનેક પરચા પૂર્યા હતા.

ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઇ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહથી વશ થઇ માતાજીએ આવવા હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જગ્યાએ મારુ સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઇ કે માતાજી મારી પાછળ આવતાં નથી એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં જ ઉભા થઇ ગયાં અને રાજાને કહ્યું કે રાજા તેં શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. આ જ મારું સ્થાનક છે.

આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે. આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઇભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ મા જોગમાયા ખોડિયાર મા સાક્ષાત દર્શન દેતાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણીયા ધરાવાળી, માતેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા મા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી મા છે. સૌની મનોકામના પૂરી કરનાર ખોડિયાર મા છે.

દુનિયાના દુઃખો મટાડી, રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતાં મા જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લાના લોઢિકા તાલુકાના સાંગણવા ગામના પાદરે મા ખોડિયારનું સમાધિસ્થાન છે. ગામમાં આવેલ પ્રાચિન દરવાજા પાસે મા ખોડિયારની પાળિયો છે. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે મા ખોડિયારનું વિશાળ મંદિર છે. આદ્યશક્તિ જોગમાયા પરચાધારી મા ખોડિયાર સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે. અસંખ્ય માઈભક્ત દરરોજ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મા દરેકની આશા પૂરી કરે છે.

દર વર્ષે મા ખોડિયારની જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોએ ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૨૦-૦૨-૨૧ને શનિવારે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ મનાવીને માની કૃપા અને આશીર્વાદ મેળવીશું.

- ભગુભાઈ ભીમડા

Tags :