ભગવાનને જળમાં વિહાર કરાવવાનો ઉત્સવ એટલે જળઝીલણી એકાદશી
- આ જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો
(જળઝીલણી-પાર્શ્વવર્તીની એકાદશીનું મહત્વ)
વરિષ્ઠ કવિરાજ કાલીદાસજી કહે છે કે, માણસોને ઉત્સવ ગમે છે. માણસ માત્ર એકસરખા જીવનથી કંટાળી જાય છે. જીવનથી થાકી જાય છે. જીવનમાં હતાશા અને ટેન્શન છવાઈ જાય છે. તેથી માણસ માત્રે ઉત્સવો આવે ત્યારે તેમાં જોડાવવું જોઈએ અને ઉત્સવોની ઉજવણી કરવી જોઈએ. ઉત્સવો ઉજવાથી જ જીવનમાં વ્યાપેલી હતાશા દૂર થાય છે. જીવન રસમય-સુખમય લાગે છે. બારમાસમાં સૌથી વધુ તહેવારો અને ઉત્સવો ચાતુર્માસમાં આવે છે. ચાતુર્માસ દરમ્યાન મંદિરો ભક્તિના નાંદથી ગુંજી ઉઠે છે. શ્રધ્ધાળુ ભક્તો મંદિરમાં જઈને ધૂન-ભજન કરીને દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે.
દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર માસને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ભાદરવા સુદ- એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે. તેથી તેને દેવઉઠી એકાદશી કહેવાય છે.
આવતી કાલે ભાદરવા સુદ એકાદશી એટલે કે, જળઝીલણી-પાર્શ્વવર્તીની એકાદશી છે તો આ એકાદશીનું શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ શું મહત્વ છે તે આપણે જાણીએ અને એકાદશીના આ ઉત્સવને માણીએ.
પંચરાત્રની અનંતસહિતાના દસમાં અધ્યાયમાં લખ્યું છે કે,' ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને ૧૦૦૧ કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ.'
પંચરાત્રની નારાયણ સંહિતાના એકવીસમાં અધ્યાયમાં પ્લવોત્સવનો ઉલ્લેખ કર્યો છે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે, 'તળાવને કાંઠે એક મંડપ બાંધવો. પછી તે મંડપમાં ભગવાનને પધરાવી પૂજા કરવી. ત્યારબાદ સહસ્રધારાથી તેઓની પૂજા કરવી. ભગવાનને વિવિધ પ્રકારના જળ વડે સ્નાન કરાવી નવાં વસ્ત્રો-અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસારવા, તથા સંતો-વિદ્વાનોને પણ નાવમાં બેસારવા અને સ્તુતિ- કીર્તન- ભજન ગાવવાં.'
આ જળઝીલણી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવીને ઉત્સવ કરવાની રીતિ ચાલી આવી છે તેમ માનવામાં આવે છે.
આ જળઝીલણી-પાર્શ્વતીની એકાદશી કરાવાથી ગમે તેવા દુ:ખો નાશ પામે છે તેમ પણ માનવામાં આવે છે. પૂર્વે સૂર્યવંશ રાજા માંધાતાના રાજ્યમાં અતિ દુષ્કાળ પડયો હતો. ત્યારે પ્રજા ત્રાહીમામ્ પોકારી ઉઠી હતી. રાજાએ અનેક ઉપાયો કર્યા પણ સર્વે નિષ્ફળ નીવડયા હતા. તેથી તેમણે અંગિરાઋષિ પાસે જઈને પોતાની દુ:ખ પરિસ્થિતિ જણાવી. ઋષિમુનિએ કૃપાદ્રષ્ટિ કરી અને કહ્યું કે, તમારા રાજ્યમાં પાપ બહુ થાય છે તેથી આ દુષ્કાળ પડયો છે. તેથી ભાદરવા માસમાં આવતી પાર્શ્વર્વતીની એકાદશી તમો સહુ વિધી વત્ કરીને કરશો તો વૃષ્ટી થશે. પછી એમ કહેવાય છે કે, વૃષ્ટિ થઈ હતી અને પ્રજા સુખને પામી હતી. આમ આ એકાદશી કરવાથી પાપ, તાપ અને સંતાપ ટળે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરુપે દર્શન આપતા હતા ત્યારે તેમણે પણ ગઢપુર, કારીયાણી, અમદાવાદ આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળ ક્રિડા કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જળક્રિડાની લીલાનું માત્ર શ્રવણ કરવામાં આવે તો પણ જન્મ અને મરણના દુ:ખને ટાળી નાંખી છે. તેથી શાસ્ત્રોમાં જ્યાં-જયાં આવી ભગવાનની લીલાનું શ્રવણ કરવા મળે તો આપણે અવશ્ય તેનો લાભ લેવો.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ