Get The App

ધારી લો એમાં વાંધો નથી, એને જ સાચું માની લો એમાં વાંધો છે...

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ધારી લો એમાં વાંધો નથી, એને જ સાચું માની લો એમાં વાંધો છે... 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

રાજાએ વિશાળ પરિસરમાં શાનદાર મહાલય તૈયાર કરાવ્યો. આકાશ સાથે વાતો કરતો હોય એવો એ આલીશાન પ્રાસાદ હતો. એના પ્રવેશદ્વાર-વાતાયન વગેરે પણ રાજાએ પ્રાસાદ જેવા જ ઉત્તુંગ કરાવ્યા. પ્રવેશદ્વાર પર દ્વારને શોભે તેવું વિશાળ તાળું લગાવ્યું અને પરિસરમાં કોઈ આજ્ઞા વિના પ્રવેશી ન જાય તે માટે કડક ચોકી-પહેરો ગોઠવ્યો. એ પછી રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે નૂતન ભવ્ય મહાલયના બંધ પ્રવેશદ્વારને આવતીકાલે સૂર્યોદય પછી જે વ્યક્તિ પ્રથમ ખોલશે અને અંદર પ્રવેશ કરશે તેને રાજા દ્વારા મહામંત્રીપદ અપાશે.

નગરના અનેક યુવાનો આ ઘોષણા સાંભળીને મહામંત્રી બનવાનું સ્વપ્ન જોવા લાગ્યા. સેંકડો લોકો સ્પર્ધામાં જોડાવા આતુર બન્યા. પ્રાસાદ પર લગાવાયેલું વિશાળ તાળું કઈ રીતે ખોલવું ? તેના ઉપાયો સૌ વિચારવા લાગ્યા. કેટલાક તો નૂતનપ્રાસાદના પરિસર સુધી પણ જઈ આવ્યા. દૂરથી જ ભવ્ય પ્રવેશદ્વાર અને તેના પર શોભી રહેલું વિશાળ તાળું દેખાતું હતું. વિરાટ પ્રવેશદ્વાર જોઈને જ ઘણાના મોતિયા મરી ગયા, તો વિશાળ કદનું યુનિક તાળું જોઈને કેટલાકને જાણે લકવો લાગી ગયો. કેટલાક લોકો ઉપાયો શોધી શોધીને થાકી ગયા. પણ કોઈ સંતોષકારક માર્ગ ન મળ્યો. એથી સ્પર્ધામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો ધીરે ધીરે ઘટતા ગયા.

બીજા દિવસે રાજા ખુદ સ્પર્ધાના સ્થળે ઉપસ્થિત હતા. સૂર્યોદય થવાને લગભગ અડધો કલાકનો સમય બાકી હતો ત્યારે માત્ર બે યુવાનો સ્પર્ધા માટે રાજા સામે ઉપસ્થિત થયા. બંને ઘણા ચિંતાતુર હતા. રાજા સાથે વાત કરવાની પણ બંનેને ફુરસદ નહોતી. એમાંથી એક યુવાન તાળું ખોલવાના પોતે વિચારેલા ઉપાયો યાદ કરવામાં વ્યસ્ત હતો. તો બીજો યુવાન તાળું ખોલવાના વિવિધ કિમિયા દર્શાવતું પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતો. કદાચ છેલ્લી ઘડીએ એમાંથી મળેલી કોઈ માસ્ટર કી કામ લાગી જાય એવી તેની ગણતરી હતી. આખરે સૂર્યોદય થયો. હજી આ બે યુવાનો કાંઈ કરે તે પૂર્વે જ એક હસમુખો યુવાન અચાનક ક્યાંકથી આવ્યો. આ બંને યુવાનો પાસેથી સડસડાટ પસાર થઈને મહાલયના પ્રવેશદ્વાર સમીપે પહોંચી ગયો. દ્વાર પરનું તાળુ એણે જરા હલાવ્યું અને તાળું આશ્ચર્ય સાથે ખૂલી ગયું. કારણ કે તાળું માત્ર દેખાવ ખાતર જ લગાવાયું હતું. વાસ્તવમાં દ્વાર ખુલ્લા જ હતા. યુવાન તુરંત અંદર પ્રવેશી ગયો. ખૂબ મહેનત કરનાર બંને યુવાનો ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા.

કથાનો ઉપદેશ બહુ સરળ અને રસપ્રદ છે. સમસ્યા તો દરેકનાં જીવનમાં આવતી જ હોય છે. પરંતુ, પ્રત્યેક વ્યક્તિને એ સમસ્યાનું સહજ નિરાકરણ મળતું નથી.

સહજ સમાધાન તેમને જ મળે છે જેઓ સમસ્યા આવે ત્યારે (૧) અત્યંત ચિંતાતુર બની જતા નથી (૨) સ્વસ્થ ચિત્તે વિચાર કરે છે (૩) આત્મવિશ્વાસથી છલોછલ રહે છે (૪) સકારાત્મક ચિંતન કરે છે અને (૫) દુનિયાથી અલગ રીતે વિચારવાનો પ્રયત્ન કરે છે... કરીશું આપણે આ મસ્ત ઉપદેશને આત્મસાત્ ? જેથી સમસ્યાનાં કારણે જીવનમાં ક્યારેય દુ:ખી થવાનો વારો ન આવે. છેલ્લે પૂર્વોક્ત કથાના અનુસંધાનમાં યાદ રાખવા જેવી સરસ વાતે કે : 'તમે ધારી લો છો એમાં વાધો જ નથી, પણ એને જ સાચું માની લો છો ત્યાં વાંધો છે...'