- શ્રીમદ્ દેવી ભાગવતના શ્રોતા જન્મેજ્ય છે અને દેવી ભાગવતના વક્તા સ્વયં ભગવાન વેદવ્યાસજી છે. દ્વિતિય સ્કંધમાં મહાભારતના પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે
શ્રીમદ્ દેવી ભાગવત એ ભૌતિક જગતનું સુખ અને મોક્ષ આપવાવાળું પુરાણ છે. જેવી રીતે શ્રીમદ્ ભાગવતમાં ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે એવી રીતે શ્રીમદ્ દેવી ભાગવતમાં ભગવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. શ્રીમદ્ દેવી ભાગવતનો દશમ સ્કંધ જેના ૧૩ અધ્યાય છે. દશમ સ્કંધ એ મનવંતરલીલા કહી શકાય. જે જે મનુઓ થયાં એ મનુઓએ માતા જગદંબાની ઉપાસના કરી. શ્રીમદ્ ભાગવતજીના અષ્ટમ સ્કંધમાં મનવંતરલીલા છે તો શ્રીમદ્ દેવી ભાગવતના દશમ સ્કંધમાં મનવંતરલીલા છે.
સ્વયંભુ મનુ તેઓએ માતા જગદંબાની ઉપાસના કરી. માતાજીએ તેમને આશિર્વાદ આપ્યાં કે તમારા વંશની વૃદ્ધિ થશે. આપણે બધાં મનુના સંતાનો છીએ એટલે આપણે માનવ છીએ. દશમ સ્કંધમાં વિંધ્યાચલ પર્વતની કથા વર્ણવવામાં આવી છે. વિંધ્યાચલ પર્વતે સુર્યનારાયણ ભગવાનની ગતીને રોકી લીધી હતી. સુર્યનો ઉદય થતો નહોતો. હવે જો સુર્યનો ઉદય ન થાય તો આઠજ સેકન્ડમાં પૃથ્વીનો નાશ થાય. દેવો, ઋષિમૂનિઓ બધા અગત્સ્ય ઋષિને શરણે ગયાં કારણ કે, અગત્સ્ય ઋષિ એ વિંધ્યાચલ પર્વતના ગુરુ છે. અગત્સ્ય ઋષિ વિંધ્યાચલની સન્મુખ આવ્યાં, વિંધ્યાચલ અગત્સ્ય ઋષિના ચરણોમાં ઝૂક્યો અને સૂર્યનો ઉદય થયો, જગતને પ્રકાશ મળ્યો.
દશમ સ્કંધમાં સાવરણી નામના મનુ એમના પૂર્વજન્મની કથા વર્ણવી છે. સાવરણી મનુ એ પૂર્વજન્મમાં સુરથ નામના રાજા હતાં. આ સુરથ રાજા એમનું રાજ્ય નષ્ટ થયું માટે એ સુમેધા ઋષિના આશ્રમમાં આવ્યાં. તે સમયે સમાધિ નામના વૈષ્યનું પણ આગમન થયું. સુરથ રાજા અને સમાધિ વૈષ્ય આ બન્નેને સુમેધા ઋષિએ માતા જગદંબાનું ચરિત્ર્ય સંભળાવ્યું. જેમાં માતાજીએ વિષ્ણુ ભગવાન દ્વારા મધુ-કૈટભનો વધ કરાવ્યો, માતા જગદંબાએ શુંભ-નિશુંભનો વધ કર્યો, મહિસાસુરનો વધ કર્યો. આ બધાં જ ચરિત્ર્યો સુરથ રાજા અને સમાધિ વૈષ્યને સંભળાવ્યાં.
માતા જગંદબાના નવારણ મંત્રની દિક્ષા સુમેધા ઋષિએ સુરથ રાજા અને સમાધિ વૈષ્યને આપી. સુરથ રાજા અને સમાધિ વૈષ્યે માતાજીનું આરાધન કર્યું. માતાજીની કૃપાથી સુરથ રાજાને રાજ્ય પાછું મળ્યું અને સમાધિ વૈષ્યને જ્ઞાાન મળ્યું. સુરથ રાજા બીજા જન્મમાં સાવરણી નામના મનુ થયાં. એ જ માતા જગદંબા એમનું પ્રાગટય યશોદા માતાજીને ત્યાં થયું જે યોગમાયા હતાં અને એ જ યોગમાયા કંસના કારાગારમાંથી વિંધ્યાચલ પર્વત ઉપર પધાર્યાં અને તેઓ માતા વિંધ્યવાસિની કહેવાણાં. આ પ્રસંગને ભક્ત કવિ વલ્લભે પણ આનંદના ગરબામાં વર્ણવ્યો છે કે, 'મધ્ય મથુરાની માય, ગોકુળ તો પહોંચ્યું મા, એનાથી મોહજાળ બીજું કોઈ નહોતું મા.'
દશમ સ્કંધના ૧૩માં અધ્યાયમાં ભ્રામરીદેવીનું ચરિત્ર છે. અરુણ નામનો દૈત્ય હતો. આ દૈત્યને એવું વરદાન હતું કે ૬ પગવાળો જ એને મારી શકે. એનો વધ કરવા માટે માતા જગદંબા ભ્રામરી સ્વરૂપે પ્રગટ થયાં. આમ, શ્રીમદ્ દેવી ભાગવતનો દશમ સ્કંધ અને દ્વિતિય સ્કંધ આ બન્ને સૌથી નાના સ્કંધો છે. બન્નેની અધ્યાય સંખ્યા પણ નાની છે. દ્વિતિય સ્કંધના ૧૨ અધ્યાય છે તો દશમ સ્કંધના ૧૩ અધ્યાય છે. દ્વિતિય સ્કંધના ૧૨ અધ્યાયમાં મહાભારતના પ્રસંગો વર્ણવ્યાં છે અને દશમ સ્કંધમાં જે જે મનવંતરમાં માતા જગદંબાની ઉપાસના થઈ એનું વર્ણન કર્યું છે. આ શ્રીમદ્ દેવી ભાગવતના શ્રોતા જન્મેજ્ય છે અને દેવી ભાગવતના વક્તા સ્વયં ભગવાન વેદવ્યાસજી છે. એટલે વક્તા-શ્રોતાના પરિચય માટે દ્વિતિય સ્કંધમાં મહાભારતના પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે કારણ કે ભગવાન વેદવ્યાસજીને સમજી શકીએ તો જ પાંડવો સમજાય, પાંડવોને જાણીએ તો જ પરિક્ષિત મહારાજને સમજી શકીએ અને પરિક્ષિત મહારાજને સમજીએ તો જ જન્મેજય સુધીની યાત્રા આપણે કરી શકીએ.
જેનાં ઘરમાં શ્રીમદ્ દેવી ભાગવતનો ગ્રંથ હોય એનું ઘર તિર્થરૂપ છે અને એમાં વસવા વાળા દરેક વ્યક્તિઓ પાપમુક્ત થાય છે. તો દશમ સ્કંધ એ મનવંતરલીલા છે પણ એનું મહત્ત્વ એટલા માટે છે કે જે જે પ્રસંગો પૂર્વ સ્કંધોમાં વર્ણવ્યાં એનો સાર અહીં નિરૂપણ કરવામાં
આવ્યો છે.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


