શ્રીમદ્ દેવી ભાગવત જેમાં ભગવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. દ્વિતીય સ્કંધના પ્રથમ અધ્યાયમાં મત્સ્યગંધાની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિતીય સ્કંધના દ્વિતીય અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીના પ્રાગટયની કથા છે. જે મત્સ્યગંધા હતી એનું નામ પડયું યોજનગંધા. એના શરીરમાંથી કમળ જેવી સુવાસ પ્રસરતી હતી. ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય એમનાથી થયું એટલે એમનું નામ પડયું સત્યવતી. શ્રમદ્ દેવી ભાગવતના ત્રીજા અને ચોથા અધ્યાયમાં માતા ગંગાજીના ચરિત્રનું વર્ણન છે. મહાભીષ નામના રાજા એ શંતનુ બનીને આવ્યાં અને શંતનુ રાજાના પ્રથમ વિવાહ ગંગાજી સાથે થયાં. ગંગામૈયાએ શંતનુ રાજા સાથે એટલા માટે વિવાહ કર્યાં ગુરુદેવ વશિષ્ઠજીએ જે અષ્ટવસુઓને શ્રાપ આપ્યો હતો એનું નિરાકરણ કરવા માટે એ શ્રાપનો ઉદ્ધાર કરવા માટે ગંગાજીએ શંતનુ રાજા સાથે વિવાહ કર્યાં. આઠ વસુઓમાં જે સૌથી નાના વસુ હતાં એમને લાંબા સમય સુધી ધરતી ઉપર રહેવાનું હતું. એ દ્યૌ નામના વસુ એ જ ભિષ્મ પિતામહ બનીને આવ્યાં. પહેલાં એમનું નામ દેવવ્રત હતું પણ પિતાના સુખ માટે થઈ જેમને આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાા લીધી એટલે એમનું નામ ભિષ્મ પડયું. દ્વિતીય સ્કંધનો ત્રીજો, ચોથો અને પાંચમો અધ્યાય જેમાં શંતનુ રાજાના ગંગાજી સાથે વિવાહ, દેવ વ્રતનો જન્મ અને ભિષ્મ પ્રતિજ્ઞાાનું વર્ણન છે. શ્રીમદ્ દેવી ભાગવતના દ્વિતીય સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં કુંતાજી દ્વારા કર્ણનું પ્રાગટય, પાંડવોનો જન્મ, પાંડુનું મૃત્યુ અને કુંતાજીનું પાંડવોને લઈ હસ્તિનાપુરમાં આવવું. શ્રીમદ્ દેવી ભાગવતના દ્વિતીય સ્કંધના સાતમાં અધ્યાયમાં પાંડવોના દ્રૌપદી સાથે વિવાહ, પાંડવ કૌરવોના યુદ્ધમાં પાંડવોનો વિજય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતાજી એમનું હરિદ્વારમાં આગમન, પાંડવોને હરિદ્વારમાં થયેલાં પોતાના વડિલોના દર્શન. દ્વિતીય સ્કંધના સાતમાં અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીએ કરેલી માતા જગદંબાની સ્તુતિ અતિ મહત્ત્વની છે. જેમાં કથા પ્રસંગ એવી રીતનો છે કે, કુંતાજીએ ભગવાન વેદવ્યાસજીને કહ્યું કે, મારે મારા કર્ણના દર્શન કરવા છે. ગાંધારીએ કહ્યું કે, મારે મારા દૂર્યોધનને જોવો છે. એ સમયે ભગવાન વેદવ્યાસજીએ ગંગા નદીના તટ ઉપર માતા જગદંબાનું સ્મરણ કર્યું. સ્તુતિ કરતાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે, હે ભગવતી ! બ્રહ્માંડમાં જ્યારે સૂર્ય - ચંદ્ર નહોતાં ત્યારે તમારી હાજરી હતી. જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકરા કાંઈ જ નહોતું ત્યારે તમે હતાં. માતા જગદંબા પ્રસન્ન થયાં. કુરુક્ષેત્રમાં જે જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતાં એ મૃતાત્માઓના દર્શન ભગવાન વેદવ્યાસજીએ સ્વજનોને કરાવ્યાં.
દ્વિતીય સ્કંધના સાતમાં અધ્યાયમાં વિદૂરજીની સદ્ગતિનું વર્ણન છે. તેમજ દ્વિતીય સ્કંધના આઠમાં અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સદ્ગતિનું વર્ણન, ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનનું વર્ણન, પરિક્ષિત મહારાજનું શાસન, પરિક્ષિત મહારાજને થયેલો ઋષિનો શ્રાપ. પણ દેવી ભાગવતમાં એવું વર્ણન છે કે શમિક ઋષિના પુત્ર ગવીજાતે જ્યારે પરિક્ષિત મહારાજને શ્રાપ આપ્યો કે તમને સાતમે દિવસે સર્પદંશ થશે. ત્યારે પરિક્ષિત મહારાજ ભયભીત બની ગયાં. જ્યારે શ્રીમદ્ ભાગવતજીમાં એવું છે કે ઋષિ બાળકનો શ્રાપ પરિક્ષિત મહારાજને થયો ત્યારે પરિક્ષિત મહારાજ ગંગાનદીના તટે આવ્યાં. એમણે ભાગવતજી શ્રવણ કર્યાં. તો દરેકના મનમાં પ્રશ્ન થાય કે આમાં સાચી કથા કઈ !? તો બન્ને કથાઓ સત્ય જ છે. આપણે ત્યાં કલ્પભેદના કારણે થઈ કથામાં પણ ભેદ કરવામાં આવ્યો છે. દરેક કલ્પમાં પરિક્ષિત મહારાજ થયાં અને અલગ-અલગ ઘટનાને નિમિત્ત બનાવ્યું. જ્યારે સારસ્વત કલ્પ હતો ત્યારે શ્રીમદ્ ભાગવતજીની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી અને એ સમયે પરિક્ષિત મહારાજે શ્રીમદ્ ભાગવતજીની કથા શ્રવણ કરી અને પોતાનો ઉદ્ધાર કર્યો. પણ અહીં જ્યારે પરિક્ષિત મહારાજને ખબર પડી કે મને શ્રાપ થયો છે ત્યારે મહેલના સાતમે માળ જઈને બેઠાં અને રુરુ અને પ્રમદવરાનું વૃત્તાંત મંત્રીઓને સંભળાવ્યું.
દ્વિતીય સ્કંધના નવમાં અધ્યાયમાં એના શેષ ભાગનું વર્ણન કર્યું. દ્વિતીય સ્કંધના દસમાં અધ્યાયમાં પરિક્ષિતને થયેલો તક્ષકનો દંશ. અગિયારમાં અધ્યાયમાં ઉત્તંક ઋષિના કહેવાથી જન્મેજયે કરેલો સર્પસત્ર આસ્તિક મૂનિ દ્વારા સર્પોનું રક્ષણ, જન્મેજયે લીધેલી સર્પસત્રથી નિવૃત્તિ અને ભગવાન વેદવ્યાસજી દ્વારા શ્રીમદ્ દેવી ભાગવતના જ્ઞાાન યજ્ઞાનો હસ્તિનાપુરમાં પ્રારંભ.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


