ભગવાન વેદવ્યાસજીનો પરિચય
આ પણી સનાતની સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં મહત્ત્વનું યોગદાન જો કોઈનું હોય તો તે ભગવાન વેદવ્યાસજીનું છે. આપણો વારસો વ્યાસજીએ ટકાવ્યો છે; માટે જ કહેવામાં આવ્યું કે, 'વ્યાસોચ્છીષ્ટમ જગત્ સર્વમ્.' વિદ્વાનો જે કઈં બોલે છે એ વ્યાસજીનું ઉચ્છીષ્ટ છે. શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયમાં વ્યાસજીનો પરિચય છે. સુતજીએ ઋષિ-મૂનિઓને કહ્યું કે, દરેક દ્વાપરયુગમાં અલગ-અલગ વ્યાસ થયાં અને તેઓએ વેદોનું વિભાજન કર્યું અને પુરાણોને અઢાર ભાગમાં વિભાજીત કર્યાં.
ઋષિ-મૂનિઓએ સુતજીને પ્રશ્ન પુછયો કે, 'હે સુતજી ! અમને વ્યાસની નામાવલી કહેવાની કૃપા કરો.' ત્યારે સુતજીએ કહ્યું કે, 'પ્રથમ દ્વાપરયુગમાં બ્રહ્માજી પોતે વ્યાસ બન્યા. એમણે વેદોના વિભાગ કર્યાં. દ્વિતિય દ્વાપરયુગમાં પ્રજાપતિએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. ત્રીજા દ્વાપરયુગમાં ઉષ્ના નામના વ્યાસે વેદોનું કાર્ય સંભાળ્યું અર્થાત્ શુક્રાચાર્યજી પોતે વ્યાસ બનીને આવ્યાં. આપણે તેમને દૈત્ય ગુરુ માનીએ છીએ પણ દૈત્યોના સમાજમાં પણ એમણે ધર્મોપદેશ કર્યો છે. શુક્રાચાર્યજીના નામ ઉપરથી શુક્ર નિતિ પ્રસિદ્ધ છે.'
ચોથા દ્વાપર યુગમાં દેવોના ગુરુ બૃહસ્પતિજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. પાંચમાં દ્વાપર યુગમાં સૂર્યનારાયણ ભગવાને વ્યાસનું કાર્ય સંભાળ્યું. છઠ્ઠા દ્વાપરયુગમાં મૃત્યુદેવ કહેતાં યમદેવે વ્યાસનું કાર્ય સંભાળ્યું. સાતમાં દ્વાપર યુગમાં ઈન્દ્ર નામના વ્યાસ થયાં. આઠમાં દ્વાપર યુગમાં વશિષ્ઠજીએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. નવમાં દ્વાપરયુગમાં સારસ્વત નામના વ્યાસ થયાં. દસમાં દ્વાપરયુગમાં ત્રિધામા નામના વ્યાસ થયાં. અગિયારમાં દ્વાપરયુગમાં ત્રિવૃશ નામના વ્યાસ થયાં. બારમાં દ્વાપર યુગમાં ભારદ્વાજ ઋષિએ વ્યાસનું કાર્ય સંભાળ્યું. તેરમાં દ્વાપરયુગમાં અંતરિક્ષ નામના વ્યાસ થયાં. ચૌદમામાં ધર્મ નામના વ્યાસ થયાં. પંદરમામાં રિયારૂણી નામના વ્યાસ થયાં. સોળમાં દ્વાપરયુગમાં ધનંજ્ય નામના વ્યાસ થયાં. સત્તરમાં દ્વાપરયુગમાં મેધાતિથિ નામના વ્યાસ થયાં. અઢારમાં દ્વાપરયુગમાં વ્રતિ નામના વ્યાસ થયાં. ઓગણીસમાં દ્વાપરયુગમાં અત્રિ નામના વ્યાસ થયાં. વીસમાં દ્વાપરયુગમાં ગૌતમ નામના વ્યાસ થયાં. તે પછી એકવીસમાં દ્વાપરયુગમાં હરિઆત્મા નામના વ્યાસ થયાં. બાવીસમાં દ્વાપરયુગમાં વેન નામના વ્યાસ થયાં. ત્રેવીસમાં દ્વાપરયુગમાં અમ્યુષ્યાયણ સોમ નામના વ્યાસ થયાં. ચોવીસમાં દ્વાપરયુગમાં તૃણ બિંદુ નામના વ્યાસ થયાં. તે પછી પચ્ચીસમાં દ્વાપરયુગમાં ભાર્ગવ નામના વ્યાસ થયાં. છવ્વીસમાં દ્વાપરયુગમાં શ ક્ત નામના વ્યાસ થયાં. સત્યાવીસમાં જાતુકરણ્ય નામના વ્યાસ થયાં; અને છેલ્લે અઠયાવીસમાં દ્વાપરયુગમાં કૃષ્ણ દ્વૈપાયન નામના વ્યાસ થયાં.
ભગવાન વિષ્ણુ અઠયાવીસમાં દ્વાપરયુગમાં પોતેજ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ બનીને આવ્યાં. એમણે ચાર વેદ ચાર શિષ્યોને ભણાવ્યાં. અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ પૈલ નામના ઋષિને ભણાવ્યો, સામવેદ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ વૈશમ્પાયન નામના શિષ્યને ભણાવ્યો. એજ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ મહાભારતની રચના કરી. જેમાં સવાલાખ શ્લોકો અને પાંચ હજાર પાત્રો સાથેનો આવો વિશાળ ઈતિહાસ ગ્રંથ કોઈ કરી ન શકે. માટે જ કહેવામાં આવ્યું છે કે, 'જે મહાભારતમાં છે એ બધે જ છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી.'
ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય યમુનાજીના દ્વિપમાં થયું એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન કહેવાયું. વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ કહેવાયા. પરાશર ઋષિના પુત્ર હતાં એટલે પારાશર્ય કહેવાયા. બદ્રિવનમાં બેસી એમણે પુરાણોની રચના કરી એટલે બાદરાયણ કહેવાયા. બ્રહ્માજીને ચાર મુખ છે પણ વ્યાસજીને એકજ મુખ છે અને તે છતાં પણ એ બ્રહ્મા છે. ભગવાન વિષ્ણુ ચતુર્ભૂજ છે અને વ્યાસજી દ્વિભૂજ છે તે છતાં પણ એ વિષ્ણુ કહેવાણા. મહાદેવજીના લલાટમાં ચંદ્ર છે, વ્યાસજીના લલાટમાં ચંદ્ર નથી પણ સાક્ષાત્ શિવ બિરાજીત છે.
આપણા પુરાણો અને વેદો જન-જન સુધી પહોંચાડયા હોય તો એ ભગવાન વેદવ્યાસજીએ પહોંચાડયા છે. આજે યુગો બદલાયા પણ વક્તા જે પીઠ ઉપર કથા કરવા બેસે છે એ પીઠનું નામ તો 'વ્યાસ પીઠ' જ રહ્યું છે. માટે જ વ્યાસજીની વંદના કરતાં એકજ પં ક્ત સ્મરણ થાય કે, 'તસ્મૈ શ્રી ગુરવે નમઃ' વ્યાસજીના અનંત ઉપકારો હંમેશાં આપણને યાદ રહેશે.. અસ્તુ.. !
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી