પ્રમુખવરણી અમૃત મહોત્સવ નિમિત્તેપૂજ્ય પ્રમુખસ્વામીના પ્રેરણાવચનો
તા.૩૦/૦૫/૨૦૨૫ ને શુક્રવાર, જેઠ સુદ ચોથ એટલે તિથિ મુજબ ''પ્રમુખવરણી દિન''. આજથી ૭૫ વર્ષ પૂર્વે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદ ખાતે આમલીવાળી પોળમાં ૨૮ વર્ષના પ્રમુખ સ્વામી મહારાજને બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરી એક મહાપુરૂષની સમાજને ભેટ આપી હતી. પ્રમુખવરણી દિનના અમૃત મહોત્સવે પ્રમુખસ્વામી મહારાજની નિર્મળ, નિખાલસ અને નિર્દંભ અમૃતવાણી અત્રે પ્રસ્તુત છે. પૂ.બાપાના એ અમૃતને હૈયાવગું કરી ધન્ય થઈએ.
- બાળકો આપણા ધર્મ અને સંસ્કારો જાળવે એનું ધ્યાન પ્રત્યેક માતા-પિતાએ રાખવાનું છે. જો તમે બાળકોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ બન્ને ગુમાવવાનો વખત આવશે.
- ગેસનાં બાટલામાં સહેજ ગાફલાઈ રાખીએ તો નુકસાન થાય, ભડાકો થાય, માણસો મરે. એમ જીવનનું પણ એવું છે. ભગવાનના આદેશ મુજબ એને પુરૂં કરીએ તો શ્રેય થાય અને જો વ્યસન, દૂષણ, પાપાચાર, વ્યભિચારમાં વાપરવાની ગાફલાઈ રાખીએ તો અધોગતિ અને નુકસાન...!!
- અનીતિનું ખૂબ મળે તેના કરતા નીતિનો સૂકો રોટલો મળે તો પણ તેમાં શાંતિ છે.
- દે એ દેવ અને બીજાનું પડાવી લેવાની દુષ્ટ ભાવના રાખે તે દાનવ. સૌનું સારૂ કરો, તો આપણું સારૂ જ થાય.
- કુસંગથી કોઈનું સારૂં થયું નથી. ગામ હોય કે ઘર, સમાજ હોય કે દેશ, કુસંગથી કોઈનો વિકાસ ન થાય. કુસંગ કરો તો પૈસાને ય પગ આવે ને ચારેય બાજુથી ચાલતા થાય. પ્રતિષ્ઠા અને પૈસા બેય ઘટી જાય. માટે કુસંગ-વ્યસનનો ત્યાગ કરવો અને સારાનો સંગ કરવો.
- જીવનમાં પૈસા, સત્તા, વૈભવથી જે આનંદ નહીં આવે તે આનંદ દરેકનું સારૂ જોવા-સાંભળવા-કરવામાંથી આવશે.
- સત્સંગ મનને શુદ્ધ કરવાનો સાબુ છે.
- બીજાને દુ:ખી કરીને ક્યારેય પણ સુખી થવાતું જ નથી. બીજાના સુખમાં જ આપણું સુખ છે. બીજાના ભલામાં જ આપણું ભલું છે. બીજાના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ છે.
- પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ.
- સુખ-દુ:ખમાં ભગવાનને કર્તાહર્તા સમજો, પ્રાર્થના કરો, તેનાથી શાંતિ રહેશે.
- ઘરમાં કોઈની ભૂલ થાય તો ઉદાર મન રાખો. બીજાની ભુલને ભુલતા શીખો.
- પરસ્પર ખમવું, અનુકૂળ થવું, ઘસાવું, મનગમતું મૂકવું, તો ઘરમાં સંપ રહેશે.
- ઘરસભા-સત્સંગ-ભક્તિ કરો, તેનાથી ઘરમાં એકતા રહેશે, સુખશાંતિ રહેશે.
- કિશોર ગજ્જર