ભારતીય વૈદિક સાહિત્ય સમાધિ ભાષામાં લખાયું છે
વે દો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવદગીતા જેવાં શાસ્ત્રોના રચયિતાઓ, આર્શદ્રષ્ટા હતા. તેમણે લખેલું સાહિત્ય સમાધિ ભાષામાં રચાયું છે. તેથી તેનો તત્વાર્થ સમજવાનો પ્રયત્ન કરવો એ પણ સાધના છે.
કશ્યપ ઋષિની કથા એનું સુંદર ઉદાહરણ છે.
કશ્યપ ઋષિ જપ, તપ અને ધ્યાનમાં મસ્ત રહેતા હતા. તેમને દિતી અને અદિતી નામની બે પત્નીઓ હતી. દિતી એ ભેદવૃત્તિનું, પ્રેતભાવનું પ્રતિક છે જ્યારે અદિતી અદ્વંત બુધ્ધિનું પ્રતીક છે.
આ સૃષ્ટિમાં વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, વાતાવરણ કે પરિસ્થિતિમાં પરમ કૃપાળુ પરમાત્માથી અન્ય-પૃથક જોવાની ભેદ બુધિ તે દ્વૈત બુધ્ધિ છે. આવી વૃત્તિ વાળા માણસો પોતાને જ શ્રેષ્ઠ કેતો હતો અને ભોગવટાના સામર્થ્યવાળા સમજે છે. જ્યારે અદ્વૈત વૃત્તિ વાળા વ્યક્તિઓને આ સકળ સૃષ્ટિ પરમપિતા પરમાત્માનું સ્કુરણ જ લાગે છે. પરમાત્મા શિવાય અહિં અન્ય કશું જ નથી. આવી અદ્વૈત બુધ્ધિવાળા વ્યક્તિઓ સંસાર ભોગવે છે પરંતુ માલિકી હક્ક કે ભોગવટાના હક્કને ગૌણ સમજે છે. તેઓ અન્યની સુખાકારીનો વિચાર કરે છે. પ્રકૃતિના જતનની ચિંતા કરે છે.
કશ્યપ ઋષિ પાસે સંધ્યાના સમયે સંસાર સુખની માંગણી કરવા આવેલી દિતીને કશ્યપ ઋષિ સમજાવે છે. હે દેવી ! આવા કસમયે સંસાર સુખ ભોગવવા માટે અયોગ્ય ગણાય છે આ સમયે જો ગર્ભાધાન થાય તો બાળકો રાક્ષસી વૃત્તિ વાળા પાકે છે. માટે બે પ્રહર રોકાઈ જાઓ. રાત્રીના સમયે તમારા કામ સુખને હું ચોક્કસ તૃપ્ત કરીશ.
'કામાતુરમ ન ભયમ્ ન લજ્જા' એ ન્યાયે કામાતુર બનેલી દિતી કશ્યપ ઋષિનું ઉપવસ્ત્ર ખેંચી લે છે. કામસુખ ભોગવ્યા પછી લજ્જિત થઇને ઊભેલી પત્નીને ઋષિ શ્રાપ આપે છે. તમારી કૂખે રાક્ષસો જન્મશે. કાળક્રમે હિરણ્યક્ષી અને હિરણ્યકશિપુ નામના બે બાળકોને દિતી જન્મ આપે છે. આ બંને બાળકો જન્મતાં વેંત હાથમાં ગદા લઇને સમગ્ર સૃષ્ટિમાં ઘુમી વળે છે. પોતાના કબજામાં લેવાની વૃત્તિને લોભ કરે છે. લાભ બે પ્રકારના છે (૧) ભેગું કરવાનો લોભ તે હિરણ્યાકશ્યપ છે અને (૨) ભોગવવાનો લોભ હું એકલો જ આ સૃષ્ટિની સંપત્તિનો ભોગવટો કરું તે હિરણ્યાક્ષી છે.
આ બન્ને વૃત્તિઓથી બચીને શાસ્વત સુખની અનુભૂતિ કરી શકાશે. તેવો બોધ આ ઉપાખ્યાનમાંથી લેવાનો પ્રયત્ન કરીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય