કળિયુગના જીવોને 'કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા, શુકદેવજીએ ભાગવતની કથા કહી છે. સાતદિન પછી મૃત્યુ આવવાનું નક્કી જાણી, પરીક્ષિત રાજાને થયું કે, 'શુધ્ધભાવથી પરમાત્મમય બની જવું ને મુક્તિ મેળવવી. તેથી શુકદેવજીએ તેમને ભાગવતની કથા કહી.
સાત દિવસમાં જ જ્ઞાન અને વૈરાગ્ય રાજા પરીક્ષિતજીમાં પ્રગટ થયાં ને મુક્તિ મળી. વક્તા શુકદેવજી જેવા અવધૂત હોય, અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી હોય તો, ભાગવત કથાથી સાત દિવસમાં મુક્તિ મળે છે.
પરીક્ષિતની પરીક્ષા કરવા દેવો 'સ્વર્ગનું અમૃત' લઈને આવ્યા. પરીક્ષિતને પૂછયું, 'ભાગવતકથામૃત પીવું છે કે 'સ્વર્ગનું અમૃત પીવું છે! પરીક્ષિતે કહ્યું, 'સ્વર્ગનું સુખ તો દુ:ખમિશ્રિત છે. મારે તો મારાં પાપોનો નાશ કરી ઇશ્વર સાથે ભળી જવું છે.
આવા પરીક્ષિતને, કથા સાંભળી, સદ્ગતિ મળી ને વિમાનમાં પરમાત્માના ધામમાં ગયા. કરેલાં પાપોનો પશ્ચાત્તાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો કથા સાચા હૃદયથી સાંભળી કહેવાય. ભાગવત કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. તેનાથી યોગી તરે, સત્સંગી તરે અને એમના સંગમાં આવેલાં સર્વને તારે સાચા મહાત્મા, યોગી, જ્ઞાની, ભક્તોએ કહ્યું છે કે, 'આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. જે પ્રેમ થી શ્રવણ કરશે તેના કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે. નેત્ર અને કાનને જે પવિત્ર રાખે છે તેના હૃદયમાં પરમાત્મા આવે છે.
શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. એમ કહેવાય છે કે શુકદેવજીએ માના પેટમાં સોળ વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન ધર્યું હતું. ને દ્વારકાનાથના કહેવાથી, શુકદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા હતા. નિર્વિકાર બ્રહ્મરુપે તે ંસંસારમાં વિચરતા હતા.
શુકદેવજી શુકદેવ કેમ કહેવાયા અને પ્રેમલક્ષણા ભક્તિ કેવી રીતે પ્રગટ થયેલી તેની કથા સાંભળવા જેવી છે.
ભાગવતનો દસમ સ્કંધ એ શ્રીકૃષ્ણ પરમાત્માનું હૃદય છે. અને શરદપૂનમની રાસ લીલા એ પ્રાણ છે. આ રાસલીલાની કથા કહેતા, શુકદેવજીને સંકોચ થયો કે આ કથા કહું કે નહિં? આ સંકોચ વધારે વખત ટક્યો નહિં. તેમને જાણે જ્ઞાન થયું કે, પૂર્વ જન્મમાં મારાં ગુરુ તો રાધાજી હતાં. એમની પૂર્ણ કૃપા મારા ઉપર છે. મને 'બ્રહ્મસંબંધ' કરાવ્યો છે તે કથા આ પ્રમાણે છે.
શુકદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા. તે સતત હે રાધે! હે રાધે! નિત્ય બોલતા. રાધાજીના નામનું અખંડ કીર્તન કરતા શ્રીરાધાજીને શુક (પોપટ) ઉપર દયા આવી. એક દિવસ શ્રી રાધાજીએ, પોપટને (શુકને) બોલાવ્યો ને હાથમાં પ્રેમથી પકડી કહ્યું હે વત્સ કૃષ્ણં વદ.. કૃષ્ણ વંદ રાધેતિ મા વદ 'બેટા! કૃષ્ણ કૃષ્ણ કહે. આમ કહી રાધાજીએ પોપટને (શુકને) શ્રીકૃષ્ણમંત્રની મંત્ર દીક્ષા આપી, શ્રી રાધાજી તો આદ્યશક્તિ છે. તેથી તો મહાત્માઓ રાધે...રાધે કહે છે. તે વખતે શ્રીકૃષ્ણ પરમાત્મા હાજર થયા. શ્રીકૃષ્ણ સાથે મિલન કરાવ્યું. આમ રાધાજી શુકદેવજીના પૂર્વ જન્મમાં તેમના ગુરુ હતા. પરમાત્મા સાથે તેમણે સંબંધ બાંધી આપ્યો. તેથી જ્ઞાન-વૈરાગ્ય-અનાશક્તિ તપતેજવાળા, શ્રી શુકદેવજીમાં ગોપીઓને શુધ્ધ જીવ ગણી 'રાસલીલાનો' પ્રસંગ વર્ણવ્યો છે. તેમને મન ગોપી એટલે હૃદયનાં શુદ્ધ ભાવથી પ્રેમલક્ષણા ભક્તિથી દેહભાન ભૂલનાર વિશુધ્ધ જીવ. શાસ્ત્રોમાં ગોપીઓના બે ભેદ બતાવ્યા છે. (૧) શ્રુતિરૂપા (વેદના મંત્રો થઈને આવનાર) (૨) ઋષિરૂપા (રૂષિ મહાત્મારૂપે).
ભાગવતકથા પૂરી થતાં પરીક્ષિતેવંદન કરતાં કહ્યું, તમે કથા કહી મને શ્રીકૃષ્ણનાં દર્શન કરાવ્યાં છે. આખું જગત બ્રહ્મરૂપે દેખાડયું છે. મને મૃત્યુનો ભય નથી'.
ચિંતન: વેદરૂપી કલ્પતરુનું ભાગવત રૂપી ફળ, 'શુક'ના મુખમાંથી પડેલું, અમૃતરસથી ભરેલું છે. હે શ્રદ્ધાળુ રસિકજનો, તેનું તમે વારંવાર સેવન કરો.


