યજ્ઞોપવીત (જનોઈ)નું મહત્ત્વ શ્રાવણી પૂર્ણિમા .
જ્ઞાનનિષ્ઢ બ્રાહ્મણોનો યજ્ઞોપવિત બદલવાનો ઉત્સવ, ભક્તિ પ્રધાન ભાઈ-બહેનોનો રક્ષાબંધનનો ઉત્સવ અને કર્મવિર વેપારીઓનો સમુદ્ર પુજન ઉત્સવ- આ ત્રણે ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે જ શ્રાવણી-પૂર્ણિમા.
ઉપનયન- જનોઈ સંસ્કાર ઉપ-એટલે પાસે .. નયન એટલે લઈ જવું. જે સંસ્કારથી શિષ્યને ગુરૂની પાસે લઈ જવામાં આવે તે સંસ્કાર એટલે 'ઉપનયન' સંસ્કાર 'જનોઇ' સંસ્કારને ઉપનયન સંસ્કાર પણ કહે છે. તેમાં ગુરુ દીક્ષા પણ આપે છે. એટલે જીવનની નવી દિશા બતાવે છે. જે કર્તવ્યની દૃષ્ટિ આપે છે. આ દિવ્ય સંસ્કાર છે. તેના દ્વારા માનવનો નવો જન્મ બને છે. અને એનો સંસ્કાર જન્મે છે. जन्मनां जायते शूद्र संस्कारः दिज उच्यते ।
જનોઈ એ વૈદિક જીવન ધારણનું પ્રતીક છે. જનોઈનાં પ્રત્યેક તાંતણા દોરા ઉપર દેવતાઓની પ્રસ્થાપના કરી હોય છે. 'યજ્ઞોપવીત લેવી એટલે જીવન ધ્યેય નક્કી કરવું, પ્રભુ શ્રદ્ધા દઢ કરવી સંસ્કૃતિક અસ્મિતાને ઝળહળતી રાખવી.'
એકવાર જનોઈધારણા કર્યા પછી શ્રાવણી પૂર્ણિમા ના દિવસે ગાયત્રીમંત્રો બોલી તેને બદલવાની હોય છે. જનોઈ એટલે તેજસ્વી બુદ્ધિની દીક્ષા, જનોઈ એટલે બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તન કરનારૃં રસાયણ જનોઈમાં વચ્ચે ગાંઠ હોય છે. જેને 'બ્રહ્મગાંઠ' પણ કહે છે.
- યજ્ઞોપવીત ધારણ કરનારનું નીતિ અને કર્તવ્ય:- પિતાએ પુત્રને સ્વયં યજ્ઞોપવીત ધારણ કરાવી. વિદ્વાન પિતાના વિવેકવાન પુત્રએ પૂછયું કે પિતાજી ! આ કાચા દોરાને ગળામાં નાખવાનો શો અર્થ ? પિતા બોલ્યા: મનુષ્ય જીવનને વિવેક સાથે બાંધી રાખવામાં આવે છે. જેથી તે સંસારિક આકર્ષણોમાં ફસાઈ ન જાય પરંતુ પોતાના પરમાર્થિક લક્ષ્યને પણ પુરુ કરવા માટે સજાગ રહે.' જેનું યજ્ઞોપવીત ધારણ કરવું સાર્થક થયું. તે જ બાળક આગળ જતા જગદગુરૂ શંકરાચાર્યના નામથી વિખ્યાત થયા.
જનોઈ ધારણ કરવાથી તેને બીજો જન્મ પ્રાપ્ત થયો. કહેવાય છે જન્મથી બધા એક જ પરિસ્થિતિમાં હોય છે. પરંતુ યજ્ઞોપવીત ધારણ કર્યા પછી તેનો આધ્યાત્મિક જન્મ થાય છે. આ બીજો જન્મ થવાથી તેને 'દ્વિજ' કહે છે. જનોઈથી તે 'બ્રહ્મ' પ્રત્યે ઉન્મુખ બને છે.
- યજ્ઞોપવીત સાથે ગાયત્રીને ઉપાસના પણ જોડાયેલ છે. યજ્ઞોપવીત માત્ર પરલોકની જ પ્રેરણા આપતી નથી. પરંતુ આ લોકને પણ સુખી. સશક્ત તથા ઉન્નત બનાવની પ્રેરણા આપે છે. ગાયત્રીનાં મહામંત્રમાં પરલોકની સાથે સાથે આ લૌકિક સુખોની પણ કામના કરવામાં આવી છે. આથી યજ્ઞોપવીત અને ગાયત્રીનાં સંસ્કાર એકસાથે જોડવામાં આવ્યા છે.
- પ્રેરણા: યજ્ઞોપવિતને ભારતીય સંસ્કૃતિમાં 'બ્રહ્મસૂત્ર'નું પ્રતીક કહેવામાં આવે છે. જે વાણી અને લિપિથી રહિત હોવા છતા પણ તેમાં એક વિશિષ્ટ અભિવ્યક્તિની ભાવના ભરેલી છે. મનુષ્ય ઉપર ત્રણ પ્રકારનું ઋણોનો ભાર રહેલો છે. ઋષિઋણ- પિતૃઋણ, અને દેવઋણ, જનોઈના ત્રણ સૂત્રો આ ત્રણેય ઋણોનો બોધ કરાવતા રહે છે. જેને માટે તેને ચૂકવવા સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. યજ્ઞોપવિતના એક ઉદ્દેશ એ પણ છે કે માનવ પોતાના વર્તમાન ભૂલ અને ભવિષ્યને સુખી બનાવવા માટે પોતાના વિવેકને જાગૃત રાખેઃ યજ્ઞોપવિત ધારણ કરતી વખતે જે વેદારંભ થાય છે. તે ગાયત્રી મંત્રથી થાય છે.
ડાબા ખંભે અને જમણા કાને મળમૂત્રનાં ત્યાગ કરવા માટેનાં સમયે તેને અશુદ્ધિથી બચાવવા માટે કાને ચઢાવી દેવાય છે. જેથી તેની પવિત્રતાનો સંચાર કાયમ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા માટે તેમ કરાય છે.
यज्ञोपवितं परमं पवित्र,
प्रजापते र्यत्सा हजमं पुरस्तात ।
आयुष्य म ग्रंथ प्रति मुग्चशुभ्र,
यज्ञोपवितं बलमस्तु तेजं ।।
રક્ષાબંધન: રક્ષાબંધન એટલે 'પ્રેમબંધન' આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. અને સાથે સાથે હૃદયને પ્રેમથી બાંધે છે. ભાઈ-બહેનનું મિલન એટલે પરાક્રમ અને પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ ભોગ કાંતો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતનાં સઘળા સંબંધોની વચ્ચે, નિઃસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ-બહેનની સાચી પ્રેમ સગાઈ. આ ભારતીય સંસ્કૃતિની નિઃસ્પૃહતા અને પવિત્રતાનું પ્રતીક છે.
રક્ષાબંધનનો ઉત્સવ એટલે દૃષ્ટિ પરિવર્તનનો તહેવાર. ભાઈ-બહેનનો સબંધ નિરપેક્ષ છે.
નર્મળ છે.
ભાઈને રાખડી બાંધતા પહેલા બહેન ભાઈના મસ્તક ઉપર તિલક કરે છે. જે ભાઈના વિચારો અને બુદ્ધિ પરનાં વિશ્વાસનું દર્શન છે. જે ભાઈને એક ત્રીજી આંખ આપીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો હોય તેવા સંકેત આ ક્રિયામાં દેખાય છે. ભગવાન શંકરે ત્રીજુ નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજુનેત્ર, બુધ્ધિનું લોચન ખોલી તેને વિકાર મુક્ત વાસના વગેરેને ભસ્મ કરવાનું સુચન
કરે છે.
'રક્ષા'-રાખડીનાં પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયના નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. રક્ષાનું બંધન જીવનનો અનેક બંધનોની રક્ષા કરે છે.
વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિતે ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી. તેવો ઉલ્લેખ છે. અભિમન્યુની રક્ષા ઇચ્છતી કુંતામાતાએ તેને રાખડી બાંધી હતી. જ્યારે પોતાના રક્ષણ માટે રાણી કર્મવતીએ હૂમાયુને રાખડી બાંધી હતી. આ રીતે રક્ષા બંધનમાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે.
બંધન તો રક્ષા-બંધનનું સ્મારક છે. બંધન-રક્ષા એટલે ધ્યેય-રક્ષણ. જેણે જીવનમાં કંઈક બંધન માન્ય કરેલું છે. જે જીવનમાં કોઈક ધ્યેય સાથે બંધાઈ ગયા છે. તે જ જીવન વિકાસ કરી શકે છે એટલે એ ધ્યેય રક્ષણનું સૂચન કરે છે.
ટૂંકમાં, રક્ષાબંધન એટલે સ્ત્રી તરફ જોવાની દૃષ્ટિ બદલાવવી. રક્ષા-બંધન એટલે ભાઈએ લીધેલી બહેનની રક્ષણની જવાબદારી રક્ષા-બંધન એટલે ભાઈ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતુ ઝરણું ! ભાઈ અને બહેન પરસ્પર પ્રેરક, પોષક અને પૂરક છે. એ સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે.
સાગર-પૂજન: આ ઉત્સવ સાહસિક વેપારીઓ માટે મહત્ત્વનો ઉત્સવ ગણાય છે. સમુદ્ર ઉપર સતા ચલાવનાર 'વરૂણદેવ' પૂજનથી પ્રસન્ન થઈ માલ લાવતા અને લઈ જતાં વહાણોને નુકસાન ન પહોંચાડે એવો ભાવ આ સમુદ્ર પૂજન પાછળનો છે.
- सागरे सर्व तीर्थानी - સરિતા કરતા સંગમ અને સંગમ કરતા સાગર વધુ પવિત્ર છે. એમ ઋષિઓએ કહ્યું છે. ગીતાકારે સ્થિત પ્રજ્ઞાને સાગરની સાથે સરખાવ્યો છે.
अपूर्य माणम अचल प्रतिष्ढ,
समुद्रमापः प्रविशन्तियऱुवत ।
तटवत् कामा य प्रविशन्तिः सर्वे,
स शान्तिम् आपनो ति न कामकामी
(ગીતા.અ.૨/૭૦)
જેમ પોતાના સર્વ કાંપ-કચરા સહિત નદીઓ સર્વે સમુદ્રને આવીને મળે છે. તો પણ અચલ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાંથી ચલિત થતો નથી. તેમ સ્થિત યજ્ઞા પુરુષ પણ સર્વ કામનાઓ પોતાનામાં પ્રવેશ થવા છતાં પોતાની શાંતિ અને સ્થિરતા ગુમાવતો નથી. સાગરમાં ગંગાજળનું પવિત્ર પાણી પણ આવે છે. તેમ ગંદુપાણી પણ આવે છે.
સંતોની પાસે સજ્જનો અને દુર્જનો બધા જ આવે છે. સજ્જનોને એ પ્રગતિનો પંથ ચીંધે છે. તો દુર્જનોને તેઓ આંગળી આપી અધોગતિથી બચાવે છે. સંતો-મહાપુરુષોનું પેટ-હૃદય સાગર જેવું વિશાળ હોય છે. જગતનાં રહસ્યોને જે સાંચવી શકે તે જ વિશ્વનો સાચો માર્ગદર્શક બની શકે.
સાગર ભરતી તેમ જ ઓટમાં એક સરખો જ પ્રસન્ન હોય છે. પ્રસન્ન મનુષ્ય જ બીજાને પ્રસન્નતા આપી શકે છે. માનસિક વ્યથા અનુભવતો માનવ સાગર-કિનારે ફરવા જાય તો તેને પરતી શાંતિનો અનુભવ થાય છે.
વળી સમુદ્ર મૂંગો દાની છે. સમુદ્રમાં એવા અનંત જીવજંતુઓ વસે છે કે જેમનું અસ્તિત્વ સમુદ્રના પાણીને આભારી છે. સમુદ્ર ખારો છતાં પણ મીઠું આપનાર છે. સમુદ્ર ચંદ્રને જોઈને ગાંડો બને છે. ચંદ્ર જેની પાસેથી પ્રકાશ લે છે એવા સૂર્યને સાગર પોતાની સંપત્તિ આપી દે છે. સૂર્યાર્પણા કરવાથી તેની ખારાશ ચાલી જાય છે અને વરસતા વરસાદનું પાણી સુમધુર લાગે છે.
ગીતાજીમાં સાગરને સ્થિત પ્રજ્ઞાતી ઉપમા સાથે સરખાવ્યો છે. સાગર નદીઓને શોધવા નીકળતો નથી. નદીઓ સ્વયં આવીને સાગરને મળે છે. વિશાળ દિલને પણ સાગર સાથે સરખાવી 'દરિયાદિલ' કહે છે.
આ રીતે વેદનિષ્ઠા અને વેદરક્ષણની પ્રતિજ્ઞાની યાદ આપતો- ધ્યેયનું સ્મરણ કરાવતો, ભાવ જીવનને પુષ્ટ બનાવતો, સંપાતિને ઇશ્વરાર્પણ કરવાનું સૂચન કરતા આ શ્રાવણી-પૂર્ણિમાનો આ ઉત્સવ ભારતીય જનતા માટે ગૌરવપ્રદ છે. વેદનિષ્ઠાથી સૃષ્ટિનું સંસ્કાર સ્વાસ્થ્ય ટકાવતો, રક્ષા-બંધન, યજ્ઞોવિર્ત થી ભાવજીવનને ધર્મની શુભભાવનો ભરેલો તેમજ સમુદ્ર પૂજનથી વૈયકિતક જીવનને પર્યાવરણની પૂજા કરવાની મહાનતાનાં શિખરોનું દર્શન કરાવતો. આ ત્રિવેણી સંગમ સમો આ ઉત્સવ આપણને સહુને પાવન કરે તેવી અભ્યર્થના અને પરમાત્માને પ્રાર્થના સાથે સહુને વંદન.
(સંસ્કૃતિ પૂજન)
- ડૉ. ઉમાકાંત જે.જોષી