Get The App

સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનું મહત્વ

Updated: Jul 24th, 2019

GS TEAM

Google News
Google News
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનું મહત્વ 1 - image


હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો આપણે પણ આ હિંડોળા ઉત્સવમાં જઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ.

આપણા ત્યાં વર્ષ દરમ્યાન અનેક ઉત્સવ આવે છે. ઉત્સવો માણસને આનંદ અને ઉલ્લાસની પ્રતિતિ કરાવે છે. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય સવિશેષ છે. તેમાં ઉત્સવ- સમૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્ત્વ છે. આ ઉત્સવો સૌથી વધુ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર માસ દરમ્યાન આવતા હોય છે. 

આ ઉત્સવોમાં હિંડોળા ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. આ હિંડોળા ઉત્સવ અષાઢી વદ બીજથી પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ- બીજ સુધી ચાલતો હોય છે. આ ઉત્સવમાં ભક્તો પોતાના મનના સંકલ્પો પ્રમાણે ભગવાનને હિંડોળામાં બેસાડીને ઝુલાવીને ભક્તિને અદા કરે છે. 

ભગવાનને રીઝાવવા માટે ભક્તો વિવિધ પ્રકારના હિંડોળા શણગારે છે. ભક્તો ભગવાનને બિરાજમાન કરવા માટે, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, મોતી, આભલાં, હીર, કઠોળ, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કા, બોલપેન, રાખડી. પવિત્રાં વગેરે નિત નવાં નવલાં પદાર્થોથી હિંડોળાને સુશોભિત કરે છે. આ હિંડોળા તૈયાર કરવા માટે ભક્તો તન- મન- ધન અર્પણ કરે છે.

સંધ્યા સમયે મંદિરમાં સંતો- ભક્તો મૃદંગ- પખવાજ- ઝાંઝ- મંજીરા, ઢોલક આદિ વાંજિત્રોના નાદ સાથે હિંડોળાનાં પદોનું ગાન કરીને ઉત્સવ કરે છે. ત્યારબાદ સંધ્યા આરતી કરવામાં આવે છે. 

અયોધ્યાની અંદર આ હિંડોળા ઉત્સવને ઝુલા ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. વૃંદાવનની અંદર પણ હિંડોળાની રચના કરવામાં આવે છે. વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉલ્લાસથી ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓની યાદ રુપે હિંડોળામાં કૃષ્ણને ઝુલાવવામાં આવે છે તેમ માનવામાં આવે છે.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા હતા ત્યારે અનેક ગામોની અંદર તેઓ વિચરણ કરતાં હતા. આ સમયે ઘણા પ્રેમીભક્તો શ્રી હરિને હિંડોળામાં બેસાડીને ઝુલાવતા હતા. એક વખત ડાંગરવાના પ્રેમી ભક્ત ખીમા પટેલને મનમાં એવો સંકલ્પ થયો કે, પ્રભુ ! જો અહીં પધારે તો હું તેમને હિંડોળામાં બેસાડીને ઝુલાવું.

ભગવાન તો પ્રેમીભક્તોને વશ હોય છે એ ન્યાયે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો અંતર્યામીપણે સંકલ્પ જાણીને તેમના પ્રેમને વશ થઈને ડાંગરવા પધાર્યા અને તેમની ઇચ્છા મુજબ હિંડોળામાં બિરાજમાન થયા. સંતો ભક્તોએ કીર્તનો ગાઈને ઉત્સવ કર્યો અને પ્રભુને ઝુલાવ્યા. વડતાલમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર બારણાંના દિવ્ય- ભવ્ય હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા. આમ, હિંડોળા ઉત્સવએ પ્રેમના હિંડોળે ઝુલાવાનો ઉત્સવ છે.

આવા હિંડોળા ઉત્સવમાંથી આપણને જીવનમાં ઉતારવા જેવો સંદેશ પણ સાંપડે છે. જીવનમાં પણ ઝુલાની જેમ ચડતી- પડતી આવવાની અને જવાની. સુખ અને દુઃખ વારાફરતી આવવાના છે. તેથી આપણે સુખ અને દુઃખ જે આવે તેમાં છકી ના જવું અને ધીરજ ધારણ કરતાં શીખવું જોઈએ.

હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો આપણે પણ આ હિંડોળા ઉત્સવમાં જઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ અને પાવન થઈએ.

Tags :