Get The App

દશેરાનું મહત્ત્વ .

Updated: Oct 13th, 2021

GS TEAM


Google News
Google News
દશેરાનું મહત્ત્વ                                   . 1 - image


આ સો માસની નવલી નવરાત્રિના નવ દિવસ પછીથી જે દસમો દિવસ આવે છે તેને દશેરા કહેવામાં આવે છે. દશેરાનો મતલબ માઠી દશા હરનાર એવો થાય છે. હકીકતમાં દશાહરા શબ્દનો અપભ્રંશ થઇને દશેરા શબ્દ તરી આવ્યો છે. નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે. દશેરાને વિજ્યા દસમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લંકામાં રામ રાવણનું યુદ્ધ સતત નવ દિવસ સુધી ચાલ્યું હતું અને દસમા દિવસે રામે રાવણના રામ રમાડી દીધાં હતાં, તેથી આ પર્વને વિજ્યાદસમી તરીકે ઉજવવામાં આવે છે. વિજ્યાદસમી એ અસત્ય ઉપર સત્યનો વિજયનું પ્રતીક છે.

અહંકારી દુષ્ટ રાવણનો શ્રીરામે વધ કર્યા પછી લંકા ઉપર જે વિજય મેળવ્યો તેથી સમગ્ર વાનર સેનાએ જે હર્ષોલ્લાસ મનાવ્યો તેને વિજ્યાદસમી કહેવામાં આવે છે.   દશેરાના દિવસે લોકો નવી પેઢી કે દુકાનનું ઉદ્ઘાટન કે શુભ મુહુર્ત કરે છે. અમુક લોકો પોતાના વાહનોની પૂજા કરી ફૂલ હાર ચઢાવે છે તો ક્ષત્રિયો પોતાના અસ્ત્ર શસ્ત્રની પૂજા કરે છે. ઔદ્યોગિક કામદારો કારખાના કે ફેક્ટરીમાં મશીનરીની સાફસફાઈ તથા પૂજા અર્ચના કરે છે. દશેરાના દિવસે ગલગોટાના ફૂલ થી પૂજા કરવાનું અનેરું મહત્વ છે.

દશેરાના દિવસે ખાસ કરીને સમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે પાંડવોએ બાર વર્ષના વનવાસ પછી તેરમા વર્ષે અજ્ઞાાત વાસ વિતાવતાં પહેલા, પોતાના દિવ્ય અસ્ત્રશસ્ત્ર આ સમી વૃક્ષ પર છુપાવ્યા હતા અને અજ્ઞાાત વાસમાંથી પાછા ફર્યા બાદ દશેરાના દિવસે સમી વૃક્ષની વિધિવત પૂજા કરી, પોતાના  અસ્ત્રશસ્ત્ર પરત મેળવ્યા હતા, તેથી સમી વૃક્ષનું મહાત્મય ઇતિહાસમાં વણાયી ગયું છે. રાજા રજવાડાના વખતમાં પણ દશેરાના દિવસે જાત જાતની હરિફાઈ, કલા કરતબ તથા નાચગાનના રંગારંગ કાર્યક્રમો થતાં હતાં અને રાજાઓની શાહી સવારી આખા નગરમાં ફરતી હતી. રાજાઓ તરફથી ગરીબ, દુ:ખી તથા જરૂરતમંદ વ્યક્તિઓને દાન દક્ષિણા તથા મિઠાઇ વહેંચવામાં આવતી હતી. ટૂંકમાં દશેરા એ   ખુશી મનાવવાનું પર્વ છે.

- યોગેશભાઈ જોશી

Tags :