Get The App

તમે માણસ ના હોત, તો કોને ફરિયાદ કરત??

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
તમે માણસ ના હોત, તો કોને ફરિયાદ કરત?? 1 - image

૮૪ લાખ યોનીઓમાંથી મનુષ્યનો જન્મ શ્રેષ્ઠ મનાય છે. અન્ય જીવજંતુ કે પંખી પ્રાણીઓથી માણસ જુદો છે. માણસને બુધ્ધિ, વિવેક અને વિચારની વિશેષ ભેટ કુદરતે આપેલ છે. તેમ છતાં આ ત્રણ આયુધોનો યોગ્ય ઉપયોગ ના અભાવે માણસ પોતાના જીવન બાબતે હંમેશા રોદણા જ રડતો હોય છે. ભગવાનના મંદિરે પણ તરહ તરહની ફરિયાદો કરતો હોય છે કાં તો માગણીઓ જ માંગ્યા કરે છે. આપણને માણસ બનાવ્યા એવા પરમપિતા પરમેશ્વરનો આભાર માનવાનું તો બાજુએ રહ્યું, ઉપરથી આપણે સૌ ફરિયાદોનું પોટલું પ્રભુ સમક્ષ મૂકી દઈએ છીએ. કેટલીક વાર તો માગણીઓ મૂકી મૂકીને ભગવાન સાથે શરતી ભક્તિઓ કરીએ છીએ. આવું થશે તો આમ કરીશ. આટલી ઇચ્છા પૂરી થાય ત્યાં સુધી અમુક અમુક વસ્તુ નહી ખાઉં.

હાથપગ અને હૈયુ આપીને ભગવાને આપણને ન્યાલ કરી દિધા છે. માણસે તો આ ત્રણ વાનાનો યથાયોગ્ય ઉપયોગ કરીને પોતાના જીવતરને ઘડવાનું હોય છે. ફરિયાદને તો કોઈ અવકાશ જ નથી. તમે જે છો, જેવા છો, જે પણ વેઠી રહ્યા છો કે મોજ કરી રહ્યા છો એ બધું જ માત્ર તમારા કારણે જ છે. તમારો સ્વભાવ, વિચાર અને સમજણ જ તમારી જિંદગીમાં નિખાર લાવી શકે. તમારે સ્વીકારવું પડશે કે તમે એક પ્રાણી જ છો. બુધ્ધિશાળી પ્રાણી. બુધ્ધિની શુધ્ધિ તો આપણે જાતે જ કરવી પડે. અને તો જ તમને જીવતાં આવડશે. બાકી તો ટાઈમ પાસ.

આહાર, નિંદ્રા, ભય, મૈથુન તો જીવજંતુ અને પશુ-પંખીમાં પણ કોમન છે. એમની જિંદગી તો આ ચારે પાટે ચાલતી જ રહે છે. એમને તો કોણે અવતાર આપ્યો એ ય ખબર નથી. એમના તો નામે ય આપણે પાડયા છે. કોઈ કુતરા, ગઘેડો કે બળદને તો ખબરેય નથી કે હું ગધેડો છું. મને પૂછડુ કેમ આપ્યું, મને કેમ કાળો બનાવ્યો, મારો અવાજ કેમ કર્કશ છે, કેમ આવો વિચિત્ર આકાર મને આપ્યો. આવી કોઈ ફરિયાદ કોઈ પશુપંખી કરતું નથી. તમે પણ આજ કેટેગરીમાં હોત તો કોને ફરિયાદ કરત ? આજ દિન લગી કોઈ બળદ કે હાથીએ આપઘાત કર્યો એવું બન્યું જ નથી. કેમ કે ફરિયાદ એટલે શું એની એમને ખબર જ નથી.

ખરેખર તો આપણે પરમ ચૈતન્ય શક્તિ એવા અદૃશ્ય અલૌકિક કુદરતનો આભાર માનવાનો હોય અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની હોય કે મનુષ્યનો અવતાર આપીને આપણને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની તક આપી. જેના થકી આપણે આપણા બનીને, રહીને જીવતરને ઉજળું કરીએ. તમને ઘડવાની જવાબદારી તમારી જ છે. ઇશ્વરની પણ નથી.

- દિલીપ રાવલ