- માન આપવું કે ના આપવું તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. બુદ્ધિ સત્ય તરફ નહિ, લાભ અને લોભ તરફ વળે છે. સ્વાર્થ ખાતર એકબીજાનો ઉપયોગ થતો હોય ત્યારે સંબંધમાં રોજિંદાપણું આવે છે. મનમાં કંઈક મેળવી લેવાની ગણત્રી હોય ત્યાં સુધી બીજાના મન સુધી પહોંચી શકાતું નથી
પદ્મપુરાણમાં ત્રેતાયુગની એક કથા છે. રાજા ચક્રવેણનું વિશાળ સામ્રાજ્ય તથા વૈભવ જોઈને એક રાજકન્યાએ તેની સાથે લગ્ન કર્યાં. પણ થોડા જ દિવસોમાં તેને સમજાઈ ગયું કે ચક્રવેણ રાજા હોવા છતાં એક સંતની માફક વિરક્ત જીવન જીવે છે. રાજકોષમાંથી એક સિક્કો પણ લેતા નથી. પોતાના જીવનનિર્વાહ માટે ખેતી કરે છે. જે પતિ રાજકોષના ઉપયોગ જ ના કરતો હોય તેની પત્ની શું કરે ? મહારાણી હોવા છતાં ભોગવિલાસના બધાં સ્વપ્નાં પડી ભાંગ્યાં. તેને કમને સાદગી અપનાવવી પડી. તે મનોમન ખિજાતી. નસીબને દોષ દેતી. તેના કરતાં તેની દાસીઓ ઠાઠ-માઠથી રહેતી, તે જોઈ તેને દુ:ખ થતું. રાજાના આવા અનાસક્ત ભાવથી તે પતિથી ધીરે ધીરે દૂર થતી ગઈ. દાંપત્યજીવનનો મધુર ભાવ કડવાશમાં ફેરવાઈ ગયો. એકવાર તહેવારના દિવસોમાં તેની સખીઓ તેને મળવા આવી. 'અરે, આ શું ? તું તો મહારાણી છે. તારે કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ રહેવું જોઈએ. મહારાણી પદને શોભે એમ દમામથી રહેવું જોઈએ. આમ મજૂરણની માફક કેમ જીવે છે ? જા, રાજા પાસે. તને આનંદ પ્રમોદ ભોગવવાનો હક્ક છે !!' તે ચક્રવેણને મળી. પતિએ તેને સાદાજીવનની વાતો સમજાવી પણ રાણી મક્કમ રહી. 'તમારી વાતો હું ના જાણું. મારે વસ્ત્રો, આભૂષણો, પ્રસાધનો બધું જોઈએ. સમજ્યા, જોઈએ એટલે જોઈએ, બસ.' રાણી જીદે ચડી. રિસાઈ ગઈ.
બીજા દિવસે રાજાએ પોતાના વિશ્વાસુ મંત્રીને સમજાવી રાક્ષસરાજ રાવણ પાસે મોકલ્યો. મંત્રી દૂત બનીને દરબારમાં હાજર થયો. 'હે લંકેશ, અમારા મહારાજને સવા મણ સોનાની જરૂર છે. તે મને આપો.' રાવણે અટ્ટહાસ્ય કર્યું, 'હે દૂત, તું તો મંત્રી છે. મંત્ર તરીકે તારામાં એટલી સમજણ તો હોવી જોઈએ કે સોનું માંગવાથી ના મળે. નથી હું પરાધીન, નથી હું દેવાદાર, નથી મારે કર આપવાનો, તો... તને ખબર છે હું યક્ષ, ગંધર્વ, નાગ, કિન્નર, દૈત્ય, દાનવ - બધાને હરાવી લંકાપતિ બન્યો છું. સોનું શું... લંકાની ધરતીની રેતીનો એક કણ નહિ મળે. જા. પાછો.' મંત્રી પાછો આવ્યો. રાજાને ખબર હતી રાવણ આવી રીતે સોનું નહિ જ આપે. તેણે ચતુરાઈપૂર્વકની યોજના સમજાવી મંત્રીને પાછો લંકા મોકલ્યો. મંત્રીએ લંકાના કિલ્લા બહાર દરિયા કિનારે માટીની હૂબહૂ લંકા બનાવી. સાથે લાવેલા ખડતલ ગુપ્ત સૈનિકો કિલ્લાના બુરજ ઉપર મોકલ્યા. રાતનો સમય થયો. રાવણને બોલાવી માટીની લંકા બતાવીને કહ્યું, 'હું અમારા તપસ્વી રાજાની યોગવિદ્યાનો પુણ્યપ્રકોપ બતાવું છું. આ માટીની લંકાની પૂર્વ દિશાના કિલ્લાનો એક બૂરજ તોડું છું.' આટલું કહી મંત્રીએ એક મશાલ સળગાવી. મશાલ સળગાવી તેણે લંકાની પૂર્વ દિશામાં ગયેલા ગુપ્ત સૈનિકોને ઇશારો કર્યો. ઇશારો થતાં જ મંત્રીએ માટીવાળો બૂરજ તોડયો અને થોડીવારમાં અસલી લંકાનો બૂરજ કડડભૂસ થઈ ગયો. કિલ્લાનો ઉપરનો ભાગ ધ્વસ્ત થઈ ગયો. રાવણ ફફડી ગયો. ડરી ગયો. મંત્રીએ તેને વધુ ડરાવ્યો. 'લંકેશ, આવી જ રીતે પળવારમાં આખી લંકા ભોંયભેગી થઈ જશે. બોલો, શું કરવું છે ?' રાવણ ડઘાઈ ગયો. તરત તેણે સવા મણ સોનું મંગાવી દૂત બનેલા મંત્રીને આપી દીધું.
જ્યારે આ વાત રાણીએ જાણી ત્યારે તે પતિના પુણ્ય-પ્રભાવની શક્તિ જોઈ પ્રભાવિત થઈ ગઈ. જેના નામ માત્રથી સોનાની લંકા ધ્વસ્ત થઈ શકે અને રાવણ જેવો રાક્ષસ સવા મણ સોનું આપી દે, તેની નજરમાં આ રેશમી વસ્ત્રો કે સોનાના આભૂષણોની શી વિસાત ? રાણીના મનમાંથી સાંસારિક આસક્તિનો ભાવ હટી ગયો. તેણે પતિને કહ્યું, 'મહારાજ, આ સોનું મને ના ખપે. તમે પાછું મોકલાવી દો. મને માફ કરી દો. હું બહેકી ગઈ હતી. આજે તમે મને એવાં અલભ્ય આભૂષણો આપ્યા છે જેણે શરીર જ નહિ મારા આત્માને શણગારી દીધો છે.' રાણીના મનમાંથી કડવાશ દૂર થઈ ગઈ. પતિ પ્રત્યે પ્રેમ, માન-સન્માન વધી ગયાં. જ્યારે પ્રેમનો અહેસાસ થાય ત્યારે મનમાં સ્નેહભાવ પાંગરે છે. મનમેળ થતાં જ એક પૂણ્ય આદરભાવ જાગે છે.
માન આપવું કે ના આપવું તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. બુદ્ધિ સત્ય તરફ નહિ, લાભ અને લોભ તરફ વળે છે. સ્વાર્થ ખાતર એકબીજાનો ઉપયોગ થતો હોય અને કામ પૂરું થતાં નજર ફેરવી લેવાતી હોય ત્યારે સંબંધમાં રોજિંદાપણું આવે છે. મનમાં માન ઉઘરાવી લેવાની વૃત્તિ હોય કંઈક મેળવી લેવાની ગણત્રી હોય ત્યાં સુધી બીજાના મન સુધી પહોંચી શકાતું નથી. મેં ગુડમોર્િંનગ કહ્યું તેણે જવાબ ના આપ્યો. મેં જયશ્રી કૃષ્ણ કહ્યા તેણે મારી સામું પણ ના જોયું, મેં તેનું આટલું કામ કર્યું તેણે થેન્કસ્ પણ ના કહ્યું. દુ:ખની ઘડીમાં સમય ખર્ચીને સાથ આપ્યો પણ તેણે આભારના બે શબ્દો ના કહ્યા. મન પામવાની તૃષ્ણા ત્યારે ઊભી થાય છે જ્યારે મનમેળ હોતો નથી. લાગણી વગર સન્માન મળતું નથી. જે ઘડીએ સામી વ્યક્તિમાં પ્રેમ, કરુણા, પરદુ:ખહાર કે સદાચારના ભાવ દેખાય કે તરત તેના પ્રત્યેની ઇર્ષા, ઘૃણા, માન્યતા કે દુશ્મની ખરી પડે છે. કૂણી લાગણીની પ્રતીતિ થતાં જ અહોભાવ જાગે છે. તે માનનીય બની જાય છે.
અશોક રાજાની પુત્રી સંઘમિત્રા બૌદ્ધધર્મનો પ્રચાર કરવા લંકા ગઈ હતી. ત્યાં તેની બોધવાણી અને સદકાર્યોથી લોકો પ્રભાવિત થતા. પણ અમુક દુષ્ટ તત્વો તેના દુશ્મન બની ગયા. સંઘમિત્રાને મારવા એક ભાડૂતી હત્યારો તૈયાર કરાયો. એક દિવસ તે સંઘમિત્રાની પાછળ પાછળ જતો હતો. રસ્તામાં એક ગાય દુ:ખથી કણસતી હતી. સંઘમિત્રા ત્યાં ગઈ. પગમાં ઊંડો ઘાવ પડયો હતો. સંઘમિત્રાએ ઘા સાફ કર્યો. થેલામાંથી ઔષધિ કાઢી. ઘાવ પર લગાવી. પાટો બાંધ્યો. લોહી વહેતું બંધ થયું. ગાયને થોડી રાહત થઈ. થોડું ઘાસ મંગાવી તેની સામે મૂક્યું. પેલો હત્યારો આ સેવા કાર્ય જોઈ ગદ્ગદ્ થઈ ગયો. તેના મનમાંથી દુષ્ટ વિચારો દૂર થઈ ગયા. તે સંઘમિત્રાને પગે પડી રડી પડયો. માફી માગી. સંઘમિત્રાએ બધી વાત સાંભળી. ત્યારબાદ તેની મરજીથી તેને બૌદ્ધધર્મની દીક્ષા આપી સંઘમાં સામેલ કર્યો. દુષ્ટ વ્યક્તિમાં પણ સંવેદના હોય છે.
ભામાશા પોતાનું સર્વસ્વ રાણા પ્રતાપને ધરી દે, અગણિત લાભદાયી શક્યતાઓ વચ્ચે પણ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીને ના છોડી શકે. રાજકીય દ્રષ્ટિએ અંગ્રેજો ભલે ગાંધીજીને અંતિમ ઘડીએ પહોંચાડવા સુખડના લાકડાં ખરીદી રાખે છતાં તેમના ચુંબકીય વ્યક્તિત્વના પ્રકાશ સામે વિન્સ્ટન ચર્ચિલ જેવો નેતા પણ પસ્તાવો જાહેર કરી મનથી માન આપે. આટલું માન-સન્માન વ્યક્તિમાં રહેલા આત્મ-પ્રકાશને આભારી છે. એકબીજા સાથે ભાવનાત્મક સંબંધ બંધાયા પછી માન તો મળે જ છે. ઉપરાંત રક્ષણ મળે છે. દુ:ખમાં સાથ મળે છે. વિવેકપૂર્ણ વ્યવહાર સચવાય છે. સાસરે ગયેલી છોકરી પિયર આવી માતાના ખોળામાં હૂંફ અનુભવે એવી 'હાશ' મળે છે.
- સુરેન્દ્ર શાહ


