પુ રાણ કથા પ્રમાણે 'શબરી' આગળના જન્મમાં રાજાની રાણી હતી. એક વખત તે પ્રયાગરાજ ગઇ ત્યાં સાધુ મહાત્મા-સંતોનાં દર્શન કર્યાં. વૈરાગ્ય થતાં ત્રિવેણીમાં તેણે ડૂબકી લગાવી દીધી, એ પણ એવી ઇચ્છાથી, કે હવે પછીના જન્મમાં સાચા સંત સાથે સત્સંગ થાય અને ભગવાનનું દર્શન થાય.
આ રાણી નવા જન્મમાં ભીલકન્યા શબરી થઈ. મોટી ઉંમર થતાં લગ્ન નક્કી કર્યું. લગ્નની ખુશાલીરૂપ મિજબાની માટે, પશુઓની હિંસા કરવામાં આવી. દયાળુ શબરી, આ ન જોઈ શકી. મધ્યરાત્રીએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો.
વનરાવનમાં પવિત્ર પંપાસરોવરના કિનારે, માતંગઋષિના આશ્રમ પાસે, તે રહેવા લાગી. સાધુઓની સેવા કરવા લાગી. માતંગઋષિએ તેને, 'રામ' નામના મંત્રની દિક્ષા આપી. માતંગઋષિએ, દેહ છોડતાં કહ્યું, 'મેં તને રામમંત્રની દિક્ષા આપી છે. બેટા ! તારા ઘેર શ્રી રામચંદ્ર ભગવાન આવશે.'ળ
જપ-તપ-તીર્થ-દાન કરો પણ સંતની કૃપા વિના ભક્તિ ફળતી નથી. સાચા સંતના સત્સંગથી, ભક્તિના ફળ રૂપે, શ્રી રામચંદ્ર ભગવાન શબરીના ઘેર આવ્યા.
'મારા ઘેર મારા રામજી આવશે', એવી સતત રટણા સાથે, તે સારા મીઠાં બોર લાવતી. 'મારા રામ આ બોર આરોગશે' એમ, તે એકધારી 'પ્રેમ રટણા' કરતી. 'મારા રામને મીઠાં મીઠાં બોર મળે' એવો ભાવ રાખી, તે ચાખી ચાખીને, બે પડિયા મીઠાં બોર ભરી રાખતી. મારા ગુરુજીએ કહ્યું એટલે, મારા રામ મારી ઝૂંપડીએ આવશે જ એવો દ્રઢ વિશ્વાસ તે રાખતી. તે વૃદ્ધ થઇ છતાંય તેણે વિશ્વાસ અકબંધ રાખ્યો.
આખો દિવસ પ્રેમપૂર્વક તે રામમંત્ર કરે. સાધુસંતોની સેવા કરે. તપ:શ્ચર્યા કરે. શ્રીરામજીને ગમે તેવું પવિત્ર જીવન દિવ્યનિષ્ઠાથી તે જીવતી.
રામ-લક્ષ્મણ પંપા સરોવર પાસે આવ્યા. વચ્ચે ઋષિમુનિઓએ પોતાના આશ્રમમાં પધારવા, ઘણો આગ્રહ કર્યો પણ શ્રીરામે પ્રેમથી કહ્યું, 'મારે તો શબરીને ત્યાં જ જવું છે.'
શબરી તો સતત રામજીની રાહ જુએ છે. ભગવાન કહે છે 'જે મને સતત શોધે છે તેને શોધતો શોધતો હું તેના ઘેર જાઉં છું' ભગવાન રામચંદ્ર શબરીને શોધતા શોધતા તેના ઘેર ગયા.
શબરીએ ભાવથી સ્વાગત કર્યું. શબરીએ પ્રેમથી એટાં બોર આપ્યાં. શ્રીરામજી તો એ બોર ખાતાં, ધરાયા જ નહિ. શબરીનાં આ બોરમાં, શુધ્ધ પવિત્ર પ્રેમભાવ હતો. પ્રેમમાં મીઠાશ છે તેવી મીઠાશ, શામાં હોય ? કહેવાય છે કે 'શબરીબાઈ' રામજીનાં દર્શન કરતાં કરતાં યોગાગ્નિમાં સમાઈ ગયાં.
'શબરીબાઈ'એ શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિ સ્વરૂપ હતી. 'શબરી' એ ભગવાન શ્રી રામ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી નીચે પ્રમાણેની 'નવધાભક્તિ' જીવી બતાવી.
(૧) સંતોનો સત્સંગ (૨) ગુરુ સેવા (૩) ભગવાન ઉપર પ્રેમ (૪) નિષ્કપટ બની ભગવાનનું ભજન (૫) ઇશ્વરમાં વિશ્વાસ (૬) દરેક સંતો ઉપર સમભાવ (૭) સંતોષ (૮) ઇન્દ્રિયનિગ્રહ (૯) કપટરહિત સરળ વર્તન.
આવી શુદ્ધપ્રેમલક્ષણા ભક્તિને કારણે જ ભગવાન શ્રી રામ શબરીને શોધતા શોધતા તેના ઘેર આવ્યા. આપણા પ્રાચીન મહાકાવ્ય 'રામાયણ'માં 'શબરીબાઈના' ઉદાત્તચરિત્રનો ઉલ્લેખ છે.
શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ તણો,
પ્રગટાવ્યો હશે જો દીપક તમે,
ને, રાખી હશે જો 'શબરી'સમી પ્રતીક્ષા,
તો, અચૂક તમારે ઘેર પધારશે શ્રીરામજી.
જય રામજીની.


