Get The App

''ખોટી પસંદગી કરીશું તો પસ્તાવું પડશે'' .

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
''ખોટી પસંદગી કરીશું તો પસ્તાવું પડશે''                       . 1 - image

- નિર્ણય લેવામાં, ફેંસલો કરવામાં કે પસંદગી કરવામાં મૂંઝવણ પેદા થાય ત્યારે ચિત્ત શાંત રાખવું. ઉતાવળ ના કરવી. આંજી દેનારી કે ભ્રમમાં નાખી દેનારી લોભામણી બાબતોથી સાવધ થઈ જવું. ચિત્તને વશ કરી દે એવી અસરથી દૂર રહેવું

શ્રીમદ-ભાગવતના માહાત્મ્યમાં આત્મદેવ બ્રાહ્મણની કથા આવે છે. એકવાર તે સંતાનના અભાવથી કંટાળીને ઘર છોડી વનમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે એક ચિત્તે તપ શરૂ કર્યું. એક દિવસ સંન્યાસી મહાત્મા તેને મળ્યા. આત્મદેવના દૃઢ આગ્રહથી સંન્યાસીએ તેને એક ફળ આપ્યું. ''આ ફળ તારી પત્નીને ખવડાવજે. ઈશ્વરની કૃપાથી તારે ત્યાં પુત્રનો જન્મ થશે.'' આત્મદેવની પત્ની ધુંધુલી વિચિત્ર સ્વભાવની હતી. તેને પોતાના યૌવન, સૌંદર્ય અને સ્ત્રી સહજ નનીકતનો મોહ હતો. જ્યારે આત્મદેવે ફળ આપ્યું ત્યારે તે વિચારવા લાગી. (પ્રસૂતા દારૂણં દુ:ખં સુકુમારી કથં સહે!) મેં એવું સાંભળ્યું છે કે પ્રસવ પીડા વખતે સ્ત્રીને ભયંકર પીડા થાય છે. હું નાજુક સુકુમાર દેહવાળી તે પીડા કેવી રીતે સહન કરી શકીશ ? મારા કોમળ અંગો દુબળા પડી જશે. બાળક જન્મશે તો તેનું લાલન-પાલન કરવામાં પણ ઘણું કષ્ટ પડશે! નાં, મારે મા નથી બનવું !!'' તેણે નક્કી કર્યું તે મા નહિ જ બને. તેણે માતા અને સ્ત્રીમાંથી સ્ત્રી બનવું પસંદ કર્યું. આત્મદેવે આપેલું ફળ ના ખાધું. સંજોગોવશાત તેની બહેન તેને મળવા આવી. તેણે ધુંધુલીના ફળની વાત જાણીને કહ્યું ''બહેન, ચિંતા ના કર. મને ગર્ભ રહ્યો છે. પ્રસવ થતાં જ એ બાળક હું તને આપી દઈશ. મારો પતિ લોભી છે.'' મારો પતિ લોભી છે. તું એને થોડું ધન આપજે. એ રાજીખુશીથી બાળક તને સોંપી જશે.''ત્યારપછી ધુંધુલીએ ફળ ગમાણમાં બેઠેલી ગાયને ખવડાવી દીધું. યોગ્ય સમયે બહેનને ત્યાં પુત્રનો જન્મ થયો એટલે યોજના મુજબ તેનો પતિ બાળક સોંપી ગયો. બાળકનો જન્મ થયાનું સાંભળીને આત્મદેવ ખુશ થઈ ગયો. તેણે પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. ધીરે ધીરે તે મોટો થતો ગયો. યુવાન થતાં જ તેનામાં કુલક્ષણો દેખાવા લાગ્યાં. ચોરી, દ્વેષ, હિંસા, વૈરાગ્યામન, જુગાર... કસંગથી કુવૃત્તિઓ વધવા લાગી. તેણે આત્મદેવની બધી મિલકત વેડફી નાખી. ધીરેધીરે ઘર ખાલી થવા લાગ્યું. બીજી બાજુ જે ફળ ગાયે ખાધું હતું તેણે મનુષ્યાકાર બાળકને જન્મ આપ્યો. તેને ગાયની માફક મોટા કાન હતા. તેથી તેનું નાક ગોકર્ણ પાડયું. ગોકર્ણ દિવ્ય, નિર્મળ, સુવર્ણપ્રભાવાળો તેજસ્વી હતો. તે શિક્ષાપ્રાપ્ત કરી પંડિત થયો. ધુંધુકારી માતા-પિતાને મારતો જ્યારે ગોકર્ણ તેમની સેવા કરી સાંત્વના આપતો. જ્યારે લોકો મહેતા (ધેન્વા બાલ:) પ્રસૂતસ્યુ દેવરૂપીતિ કૌતુકમ) જુઓ તો ખરા, કવી નવાઈની વાત છે ગાયને પણ કેવો સુંદર દિવ્ય રૂપ બાળક જન્મ્યો છે.'' ત્યારે ધુંધુલીને પારાવાર પસ્તાવો થતો. જો તેણે પોતાના યૌવન મોહમાં ખોટી પસંદગી ના કરી હોત તો ગોકર્ણ જેવા દિવ્ય બાળકની તે માતા બની હોત. તેનું જીવન ધન્ય થઈ ગયું હોત. (મોહાન્ધ મનસાં વિચારક્ષમતા કુત:) પણ મોહમાં અંધ બનેલી વ્યક્તિમાં સારા ખોટાનો વિચાર કરવાની શક્તિ જ ક્યાં રહે છે ?

કંઠોપ નિષદમં કહ્યું છે, ''શ્રેયસ્ય પ્રેયશ્ય....) પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે'' જ્યારે શ્રેય (આત્મકલ્યાણ ક-શુભ)અને પ્રેય (મન-ગમતું-સાંસારિક) સામે આવે ત્યારે વિવેકી વ્યક્તિ એ બન્નેનો ધીરજથી અભ્યાસ કરે છે. વિવેકી વ્યક્તિ આત્મકલ્યાણક રસ્તો પસંદ કરે છે જ્યારે મૂઢ-મોહિત વ્યક્તિ મનગમતો રસ્તો પસંદ કરે છે. શ્રેય પસંદ કરનાર સુખી થાય છે. પ્રેય પસંદ કરનાર દુ:ખી થાય છે. કબીરે કહ્યુંછે. ''મન કે મત ન ચાલિયે, મન કે મત અનેક''

ઈટાલીનો શરમુખત્યાર મુસોલિની તેનાથી ઘણી નાની ઉંમરની કલેરા સાથે પ્રેમમાં પડયો. તે કહે તેમ કરતો. તેની પાછળ પૈસા સમય અને કારકિર્દી બરબાદ કરતો. તેના મિત્રો, અંગત સગાં કહેતા - ''મુસોલિની, શું થયું છે તને ! કલેરા તારે લાયક નથી. છોડ એને!!'' પણ મુસોલિનીએ કલેરા પસંદ કરી. તેને પરણ્યો. પણ ધીરે ધીરે તેને સમજાયું કે પસંદગી કરવામાં ભૂલ થઈ ગઈ! આગળ જતાં કલેરા માટે સત્તા ખોઈ ત્યારે તે પસ્તાયો. દુ:ખી થયો. કલેરાનો મોહ મોંઘો પડયો. મીઠી જિંદગીમાં ખટાશ આવી ગઈ. ધીરે ધીરે કલેરાનો જાદુ ઓસરી ગયો અને મનથી તે તેનાથી દૂર થઈ ગયો. આપણે શું પસંદ કરીએ છીએ એ કરતાં આપણે એ શા માટે, કયા ઈરાદાથી પસંદર કરીએ છીએ તે અગત્યનું છે. કારણ કે પસંદગી ભવિષ્યનું નિર્માણ કરે છે. સુખ દુ:ખનો આધાર વર્તમાનની પસંદગી ઉપર છે.

એક જ સ્કુલમાં ભણતી એક છોકરીને એક છોકરો ખૂબ ગમતો, મનોમન તેને ચાહતી. આજુબાજુની સોસાયટીમાં તેમનાં ઘર હતાં. રોજ મળવાનું થતું. બંન્નેના કુટુંબ મધ્યમવર્ગીય હતાં. સૌ તેમના પ્રેમ સંબંધ વિષે જાણતા. તેમના લગ્ન માટે કોઈ અડચણ નહોતી. અભ્યાસ પૂરો થવાની રાહ જોવાતી હતી. છોકરા કરતાં છોકરી વધુ મહત્વાકાંક્ષી હતી. તેને જીવનમાં 'બેસ્ટ' જોઈતું હતું. નસીબ જોગે એક દિવસ એમના સમાજમાંથી એક અમીર ઘરના છોકરાનું માગું આવ્યું. છોકરીનું ચંચળ મન સળવળી ઊઠયું. તેણે લગ્ન માટે 'હા' કહી દીધી. તે પરણીને સાસરે ગઈ. તેણે ધારેલું બધું જ સુખ મળ્યું. બંગલો, ગાડી પૈસા, સગવડ, દાગીના.... બધું જ. પણ પતિ સાથે પ્રેમનો લાગણીનો સંબંધ ના બંધાયો. જીવન યંત્રવત થઈ ગયું. જેમ જેમ દિવસો વીત્યા તેમ તેમ તે મૌન થઈ ગઈ. સહજ કિલકાર જતો રહ્યો. નાની નાની વાતોમાં એ છોકરાની કાળજી યાદ આવવા લાગી, હથેળી પર હથેળી રાખીને દીધેલાં પ્રેમ-વચનો યાદ આવવાં લાગ્યાં. પસ્તાવો વધતો ગયો. પાંપણો ભીની થવા લાગી. પૈસા, સગવડ, એશ, આરામ માટે લગ્ન કર્યાં હતાં તે તેને મળ્યું. પણ પ્રેમ માટે લગ્ન નહોતાં કર્યા - પ્રેમ ના મળ્યો. આનંદ માટે લગ્ન નહોંતા કર્યા- આનંદ ના મળ્યો. તેની નજર સામે સુખની ઉછળતી નદી વહેતી પણ તે કિનારે તરસી રહી ગઈ. ઈચ્છાઓ જ્યારે મન ઉપર સવાર હોય ત્યારે વિચાર કરવાની તક નથી આપતી. અને ઈચ્છાવશ થઈ ખોટી પસંદગી દુ:ખ ઊભું કરે છે.

કોઈપણ નિર્ણય લેવામાં, ફેંસલો કરવામાં કે પસંદગી કરવામાં મૂંઝવણ પેદા થાય ત્યારે ચિત્ત શાંત રાખવું. ધીરજ રાખવી. ઉતાવળ ના કરવી. આંજી દેનારી કે ભ્રમમાં નાખી દેનારી લોભામણી બાબતોથી સાવધ થઈ જવું. ચિત્તને વશ કરી દે એવી અસરથી દૂર રહેવું. કોઈપણ જાતના મોહ આકર્ષણ કે ઈચ્છાને અધૂરૃં ખપતું નથી જ્યારં સુધી ચાહેલું ના મળે, મન ના ભરાય ત્યાં સુધી સમગ્ર ચિત્ત ત્યાં ખેંચાતું રહે છે. જાત ઉપર અંકુશ રહેતો નથી. ખોટી પસંદગી થઈ જાય છે. અને છેવટે એ વશીકરણનો સમય વીતી જાય ત્યારે પસ્તાવાનો પાર રહેતો નથી.

- સુરેન્દ્ર શાહ