Get The App

ધ્યેય નહિ હોય તો ધકેલાવું પડશે

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ધ્યેય નહિ હોય તો ધકેલાવું પડશે 1 - image

- માણસના સ્વભાવ, વ્યક્તિત્વ કે અસ્મિતાનો પરિચય મેળવવો હોય તો તે જીવનમાં કયા ધ્યેય તરફ ગતિ કરે છે તે તપાસી લેવું. ધ્યેય જીવનની કરોડરજ્જુ છે. કેટલા પુણ્ય પછી આ માનવ જન્મ મળે છે, ઇશ્વરની આરાધના કરી જન્મોની ઘટમાળમાંથી મુક્ત થવાનો અવસર છે

મહાભારતમાં કર્ણ તેનું જીવન 'ધ્યેય કે સિદ્ધાંત' વગર જીવતો હોય એમ પ્રતીત થાય છે. જન્મથી જ તે નદીમાં તણાતા તણખલાંની માફક આમ-તેમ ફંગોળાતો રહે છે. સૂર્યના મંત્ર પ્રભાવથી કુંવારી માતા કુંતીને એક પુત્ર પ્રાપ્ત થાય છે. કૌટુંબિક ભય અને લોકલાજના ડરથી તે તેને એક પેટીમાં મૂકી અશ્વનદીમાં વહેતો મૂકી દે છે, એ પેટી રથ હાંકનાર અધિરથને મળે છે. અધિરથ અને તેની પત્ની રાધા તેનું નામ વસુષેણ પાડી ઉછેર કરે છે. ધૃતરાષ્ટ્ર સાથે સંબંધ હોવાથી કર્ણ દ્રોણાચાર્ય પાસે અસ્ત્રવિદ્યા અને પરશુરામ પાસે બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખે છે.

એક દિવસ ધૃતરાષ્ટ્ર પુત્રો અને પાંડવોએ શીખેલી અસ્ત્રવિદ્યાનું પ્રદર્શન જોવા સૌ રંગભવનમાં એકઠા થાય છે ત્યારે કર્ણની મુલાકાત દુર્યોધન સાથે થાય છે. અર્જુનને પડકારવાની તાકાત ઓળખીને સ્વાર્થી દુર્યોધન તેને અંગદેશનો રાજા બનાવે છે. કર્ણ તેના આ ઉપકારથી પ્રભાવિત થઈ જીવનભર મિત્રતા નિભાવવાનું વચન આપે છે. બસ, કર્ણનો સાથ મળતાં જ દુર્યોધનને અર્જુનથી ઉત્પન્ન થનારો ભય દૂર થઈ જાય છે. અહીંથી મિત્રતાને નામે કર્મ દુર્યોધનની દરેક ઇચ્છા પૂર્ણ કરવા તત્પર રહે છે. જો કે ધર્મ-અધર્મ, ન્યાય-અન્યાયની મથામણમાં તે બેચેન રહે છે. જીવનભર પીડાતો રહે છે. દુર્યોધનના અનીતિ, અધર્મ, છળ-કપટ કે પાપકર્મોમાં ચુપચાપ સાથ આપે છે.

મહાભારતના યુદ્ધ પહેલાં માતા કુંતી તેને તેના જન્મનું રહસ્ય પ્રગટ કરે છે. પણ તે સૂકા લાકડા જેવો જડ થઈ માતાની વાત પણ માનતો નથી. ત્યારબાદ શ્રીકૃષ્ણ કર્ણને મળે છે, ઉદ્યોગપર્વમાં તેમનો સંવાદ અનુપમ છે. કર્ણ કહે છે (વિદિતં મે ઋષિકેશ યતો ધર્મસ્તતો જય:) હે ઋષિકેશ, મને ખબર છે કે જે પક્ષે ર્ધર્મ હોય છે એ જ પક્ષનો વિજય થાય છે. ત્યારે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ થાકીને કહે છે, 'કર્મ, જ્યારે માણસનો વિનાશ નજીક હોય ત્યારે તેને અધર્મ (અન્યાય) પણ ધર્મ (ન્યાય) જેવો દેખાય છે. (સર્વેષાં તાત ભૂતાનાં... હૃદયાન્નાપસર્પતિ)

કર્ણ બહાદુર હતો. નીડર હતો. દાનેશ્વરી હતો. પ્રભાવશાળી હતો. તે ધારત તો જીવન નિરાંતે જીવી શકત. પણ એક 'વચન' નિભાવવામાં તેને ના ઘરમાં, ના બહાર - ક્યાંય શાંતિ ના મળી. તે જેવો છે તેવો જ રહ્યો, જે સ્થિતિ આવી તેમાં સંતોષ ધારણ કરી લીધો. અન્યાયી જીવનની ચુંગાલમાંથી નીકળવાનો પ્રયત્ન પણ ના કર્યો. જે પોતાને ક્યાં જવું છે તે નથી જાણતો તે જીવનની ભીડમાં આમથી તેમ ધકેલાયા કરે છે.

વિવેકાનંદ સાદું જીવન જીવતા હતા. પહેલાં ગ્રેજ્યુએટ થયા. તેમને કાયદાના આગળ અભ્યાસ કરવો હતો પણ પિતાનું હાર્ટએટેકથી નિધન થયું અને કુટુંબ અસહનીય ગરીબીમાં સપડાઈ ગયું. કમાનાર કોઈ નહોતું. વિવેકાનંદ સવારથી નોકરી શોધવા નીકળતા, સાંજે થાકીને પાછા ફરતા. નોકરી મળતી નહોતી. તે ભગવાનને પ્રાર્થના કરતા, તેમની માતા અકળાતી. 'મૂંગો મર ! રોજ પ્રાર્થના કરે છે, શું મળ્યું ? ક્યાં છે તારો ભગવાન ?'  છેવટે શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરૂ મળ્યા. આત્મજ્ઞાાન થયું. જીવન ધ્યેય સ્પષ્ટ થયું. અને ફક્ત ૩૯ વર્ષની જિંદગીમાં તેમણે આખી દુનિયાને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કાર વિષે એટલું ઊંડાણમાં સમજાવ્યું કે દુનિયા તેમના પ્રવચનોથી પ્રભાવિત થઈ ગઈ. જ્યારે કોઈ પણ ધ્યેય નક્કી થઈ જાય ત્યારે એનું સંબંધિત દરેક કાર્ય અગત્યનું થઈ જાય છે. નકામી પ્રવૃત્તિ ઘટી જાય છે. પછી ધ્યેય હાંસલ કરવા નબળાઈ પર નહિ પોતાની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત થાય છે. જેને ધ્યેય મેળવવાની પ્રવૃત્તિમાં આનંદ મળે છે તેને સમયના પ્રવાહમાં અથડાવું પડતું નથી.

'ગાઈડ' ના લેખક આર. કે. નારાયણે પોતાની સ્મરણ-કથા 'માય ડેયઝ' લખી છે તે નાનપણથી છાની છપની સિગારેટ પીતા. ભણીને શિક્ષકની નોકરી સ્વીકારી. લગ્ન કર્યું પણ જેને ખૂબ પ્રેમ કરતા હતા તે પત્નીનું નિધન થયું. ઘણો સમય બેકાર બેસી રહ્યા. પૈસાની તંગી રહેતી. મકાન માલિકે ઘર ખાલી કરવા ઝઘડા શરૂ કર્યા. શું કરવું ? એક વરસની મુદત માગી. મકાન માલિકે તેનો લેખ છપાય તેવું કરે તેવી શરત રાખી. આર. કે. ને સન્માન વહાલું હતું. પણ સંજોગો તેમને ધક્કો મારતા હતા. છેવટે મકાન માલિકના નામે લખાણ છાપ્યું. આ લાચારી, આ પસ્તાવો વર્ષો સુધી રહ્યો. જ્યાં સુધી પત્રકાર થઈ, સંપાદક બની લેખક તરીકે પ્રતિષ્ઠા ના પામ્યા ત્યાં સુધી નસીબની આજ્ઞાા માની જીવતા રહ્યા.

ક્યારેક વિચારવું કે ઇચ્છા વગરની પ્રવૃત્તિમાં આપણો કેટલો સમય બરબાદ થાય છે ! આપણને તીખું ભાવતું નથી. લોકો કહેશે. અરે, આ મરચાંની ચટણી ચાખો તો ખરા ! આપણને ગળ્યું નથી ગમતું, લોકો કહેશે. સુરતની સ્પેશિયલ ઘારી છે. નસીબદારોને મળે ! નાટક જોવું નહોતું - જોયું, ફરવા જવું નહોતું - ગયા. મેચ જોવી નહોતી - જોઈ. જાગવું નહોતું - જાગ્યા (પછી બિમાર) બોસને, પતિને, પત્નીને, મિત્રને પસંદ છે - એટલે કર્યું. સારા, સમજુ, સંસ્કારી દેખાવા માટે સભામાં ગયા, ભાષણ સાંભળ્યું, કથામાં ગયા - કથા સાંભળી !

માણસના સ્વભાવ, વ્યક્તિત્વ કે અસ્મિતાનો પરિચય મેળવવો હોય તો તે જીવનમાં કયા ધ્યેય તરફ ગતિ કરે છે તે તપાસી લેવું. ખરેખર, ધ્યેય જીવનની કરોડરજ્જુ છે. કેટલા પુણ્ય પછી આ માનવ જન્મ મળે છે, ઇશ્વરની આરાધના કરી જન્મોની ઘટમાળમાંથી મુક્ત થવાનો અવસર છે. ફક્ત પરમને જાણવાનું, પામવાનું ધ્યેય હોવું જોઈએ. નદી કિનારે ગયા પછી તરસ્યા પાછું ના અવાય, ભોજનશાળામાં ગયા પછી ભૂખ્યું ના રહેવાય, કલ્પવૃક્ષ નીચે બેઠા પછી ગરીબ ના રહેવાય. ધ્યેય જાણ્યા પછી ઇતર પ્રવૃત્તિમાં ધકેલાતો માણસ મૂર્ખ ગણાય.

- સુરેન્દ્ર શાહ