Get The App

પૃથ્વી તત્ત્વના જો કોઈ દેવ હોય તો એ ગણેશજી છે

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
પૃથ્વી તત્ત્વના જો કોઈ દેવ હોય તો એ ગણેશજી છે 1 - image


- મહાભારતના લહિયા ગણેશજી

વેદવ્યાસજીએ ઘ્યાનમગ્ન થઈ તપસ્યા કર્યા પછી  તેમને એક જ્ઞાન ગ્રંથની રચના કરવાની ઈચ્છા થઈ. તેઓ ચિંતન-વિચાર કરવા લાગ્યા કે, "મેં એક શ્રેષ્ઠ ગ્રંથ વિચાર્યો છે અને તેનું નામ છે મહાભારત

આજે જે વિષય પર વાત કરવી છે તે મહાભારતના લહિયા તરીકે ગણેશજી હતા અને તેઓ કેવી રીતે સ્થાપિત થયાં તેની કથા માહિતી આપણે મેળવીએ.

એક વખત મહર્ષિ વેદવ્યાસજીની સન્મુખ બ્રહ્માજીનું પ્રાગટય થયું. બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું કે, "તમે એવા ગ્રંથની રચના કરો કે જેમાં સમગ્ર વેદોનો તથા શાસ્ત્રોનો સાર સમાવિષ્ટ થઈ જાય." ત્યારે વેદવ્યાસજીએ ઘ્યાનમગ્ન થઈ ઘણી તપસ્યા કર્યા કરી અને પછી એક જ્ઞાન ગ્રંથની રચના કરવાની ઈચ્છા તેમને થઈ. તેઓ મનોમન ચિંતન-વિચાર કરવા લાગ્યા કે, "મેં એક શ્રેષ્ઠ ગ્રંથ વિચાર્યો છે અને તેનું નામ છે મહાભારત. આ મહાભારત ગ્રંથની રચના કરવાની મારી ઈચ્છા છે. આ ગ્રંથમાં વેદોનો સાર સમાવિષ્ટ થઈ જશે પણ મારી મતિ કુંઠિત થઈ છે. હું શું કરું ? અને આ વિશાળ ગ્રંથના જ્ઞાનને લિપિબદ્ધ કઈ રીતે કરું? મહર્ષિ વેદવ્યાસજીને આમ ચિંતન કરતા મુંઝવણ થઈ. ત્યારે બ્રહ્માજીએ મહર્ષિની લોકકલ્યાણની ભાવના જોઈ ભગવાન વેદવ્યાસજી સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે, "કાવ્યસ્ય લેખનાર્થાય ગણેશ: સ્મર્યતાં મુને." અર્થાત્ "તમે ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને ભગવાન ગણેશ લહિયા બને તો તમે આ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરી શકશો." ભગવાન વેદવ્યાસજીએ ગણેશજીનું સ્મરણ કર્યું અને ભક્તવત્સલ ગણેશજીનું પ્રાગટય થયું ત્યારે ભગવાન ગણેશજીએ વેદવ્યાસજીને કહ્યું કે, "હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું, તમે કંઈક માંગો." ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે, "લેખકો ભારતસ્યાસ્ય ભવ ત્ત્વં ગણનાયક, મયૈવ પ્રચ્યમાનસ્ય મનસા કલપ્તિસ્ય ચ." અર્થાત્, મારે "જ્ય સંહિતા" કહેતાં "મહાભારત" ગ્રંથ રચવાની ઈચ્છા છે. આ ગ્રંથમાં કુશળ લહિયા તરીકેની જે ભૂમિકા છે તે આપ નિભાવો તેવી મારી આપની સમક્ષ ઈચ્છા તેમજ પ્રાર્થના છે." ત્યારે ગણેશજીએ કહ્યું કે, "હું લહિયો બનું પણ મારી એક શરત છે કે તમારે અટકવાનું નહીં. જો તમારી વાણી અટકી ગઈ તો હું આગળ લખી નહીં શકું." ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે, "મારી પણ એક શરત છે કે, "હું બોલું અને મારા શબ્દો સમજ્યા વિચાર્યા વગર તમારે લખવા નહીં." આમ, બન્ને જણાએ શરત કરી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. આમ, ભગવાન વેદવ્યાસજી અને ગણેશજીની અનુકંપાથી સમગ્ર વિશ્વને મહાભારત જેવો પુણ્યતમ ગ્રંથસાગર જગતને પ્રાપ્ત થયો. 

આ પ્રસંગ આપણને એ પ્રેરણા આપે છે કે, ગણેશજીની જો કૃપા થાય તો વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે, ગણેશજીના નામમાં જે 'ગ' શબ્દ છે તે 'જ્ઞાન વાચક' શબ્દ છે. 'ણ' શબ્દ છે તે 'નિવૃત્તિ વાચક' છે. આમ, ભગવાન ગણેશ જ્ઞાનના પણ દાતા છે અને નિવૃત્તિ માર્ગના પણ દાતા છે. માટે જ સનાતની પરંપરામાં ગણેશજીની ઉપાસનાનું અનન્ય મહત્ત્વ છે. નાના-મોટા શુભ કાર્યો, વિવાહ, ઈત્યાદિ જેવા શુભ કાર્યો માટે આપણે ગણેશજીની ઉપાસના કરતાં હોઈએ છીએ. પણ મહર્ષિ વેદવ્યાસજીએ લેખનમાં ગણેશજીને યાદ કર્યા. એટલે ગણેશજીની કૃપા હોય તો સારું લેખન કાર્ય પણ થઈ શકે. વળી એમને વિઘ્નેશ્વર એટલા માટે કહેવામાં આવ્યા કારણ કે, તેઓ 'વિઘ્નકર્તા' પણ છે અને 'વિઘ્નહર્તા' પણ છે. તો જેવી રીતે મહર્ષિ વેદવ્યાસજીની સન્મુખ બિરાજીને ગણેશજીએ કૃપા દ્રષ્ટિ કરી એવી અનુકંપા સૌના ઉપર કરે એ જ અભ્યર્થના.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :