ભગવાન બધા જ જીવો ઉપર અનુગ્રહ (કૃપા) કરે છે.. પણ.. તેનો સદુપયોગ કરવો જે જીવને આવડતો નથી તેથી તે જીવ દુષ્ટ બને છે.
હિરણ્યકશિપુએ તથા રાવણે શક્તિ-સંપત્તિનો ઉપયોગ કેવળ ભોગ ભોગવવામાં.. દુષ્ટતા માટે કર્યો. ને બન્યા 'દૈત્ય'. ભક્ત પ્રહલાદે.. વિભિષણો સમગ્ર શક્તિનો ઉપયોગ, પ્રેમ-ભક્તિ સેવા માટે કર્યો, તેથી જ તે બન્યા દેવ.
એકએક પાપનું પ્રાય:શ્ચિત કરવાનું શાસ્ત્રોમાં બતાવ્યું છે. કરેલાં પાપોનું વિધિવત્ પ્રાય:શ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે. ઇશ્વર સ્મરણ ભજન, 'પાપને' બાળે છે.
ભગવાનને સાચી શ્રદ્ધા-ભાવથી 'પ્રાણ અર્પણ કરે છે તેને પાપ કરવાની ઇચ્છા થતી નથી. પ્રાણ કરવા એટલે, સતત પ્રતિ શ્વાસે.. શ્વાસે.. ભગવદ્ સ્મરણ કરવું. ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળવાની છે. મનને પવિત્ર કરવું હોય તો આંખને ભગવત્ સ્વરૂપમાં સ્થિર કરવું જ પડે.
પરમાત્માના મંગલમય નામનો જપ કરવો. તેથી મન સ્થિર થાય છે. આ બધું દૃઢ નિષ્ઠાપૂર્વક થવું જ જોઈએ.
ધ્યાન, અર્ચન, અને નામસ્મરણ- આ ત્રણ સાધનથી ભક્તિ દૃઢ બને છે. મનુષ્યએ જીવનમાં 'લક્ષ્ય' નક્કી કરવું જોઈએ. ધ્યેય નક્કી કરવું પડે. ને તે સિદ્ધ થાય તે માટે નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરવો જ પડે.
લંકામાં સીતાજી વૃક્ષ નીચે બેસી મગ્ન થઈને રામનામ સ્મરણ એવી રીતે કરતાં કે, ઝાડનાં પાંદડામાંથી રામ નામનો ધ્વનિ નીકળતો.
રામ નામે પથ્થર તરી ગયા. તો આપણે માનવીઓ પણ ભવસાગર તરી શકીએ જ.
પ્રભુ નામના જપથી જન્મ કુંડળીના ગ્રહો પણ સુધરી જાય છે. 'અજામિલ પ્રભુ નામ સ્મરણથી તરી ગયો. વાલિયો લૂંટારો મટી, 'વાલ્મિકી ઋષિ' બની ગયો.
ભક્ત જનાબાઈ છાણાં થાપતાં થાપતાં, ભાવથી પ્રભુ નામ સ્મરણ કરતાં હતાં એ કારણે એ છાણાં આપણા કાન પાસે રાખીએ તો, છાણાંમાંથી પ્રભુ નામનો ધ્વનિ સંભળાતો.
કોરા-કેવળ જ્ઞાાનનો આડંબર બતાવવા કરેલા પ્રવચનો, કથાઓ સત્સંગ.. એ ખોટો દેખાવ છે. તેનાથી કોઈ ફાયદો થતો નથી.
મહાપુરુષો કહે છે, 'જે મનુષ્યો પડી જતાં, મૃત્યુ વખતે સાપ ડંખે ત્યારે, બીમારી સમયે, અણધારી આફતોમાં, મૃત્યુ વખતે, ભગવાનના નામનું સ્મરણ કરે તો તે નરકની યાતનાઓને પાત્ર રહેતો નથી.
સતત પ્રાર્થના પણ હોવી જોઈએ કે 'હે પ્રભુ ! તમે મારા ઉપર કૃપા કરજો. અનન્ય ભાવથી મારું મન તમારામાં સમર્પિત થજો. મારું તન-મન-ધન પૂર્ણ શુધ્ધ ભાવથી, આપના ચરણોમાં સમર્પિત કરું છું.'
दुर्लभं मानुष जन्म મનુષ્ય જન્મ ઘણો જ દુર્લભ છે. વેડફી નાંખવા માટે નથી. જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, વૃદ્ધાવસ્થાનું આક્રમણ થયું નથી, શક્તિક્ષીણ થઈ નથી. ત્યાં સુધીમાં ડાહ્યા માણસે, પોતાના આત્માના કલ્યાણ માટે પ્રયત્ન પુરુષાર્થ કરી લેવો જેવો છે. નહિતર, પછી ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવાના પ્રયત્નોનું પ્રયોજન શું ? કંઈ અર્થ નથી.
જે ઇશ્વરચરણે તન-મન-ધન- ધરતો રે,
પ્રભુસ્મરણમાં રહેતો રે. પ્રભુકૃપા પામે રે,
પ્રભુ પોતાનો કરી, એને હૃદયમાં સ્થાપતો રે.
- લાભુભાઈ ર. પંડયા


