Get The App

માનવ, પ્રતિક્ષણને સુધારે તો જીવન સુધરે ને... અંતે મરણ પણ સુધરે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
માનવ, પ્રતિક્ષણને સુધારે તો જીવન સુધરે ને... અંતે મરણ પણ સુધરે 1 - image

- કુદરતની મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવામાં આવે તો, સુખી દીર્ઘજીવનની સિદ્ધિ, સિદ્ધિ, સરળતાથી હાંસલ થઈ શકે છે. આસક્તિઓને વશ થઈ, ખોટો ઠાઠમાઠ વધારતા જઈ ખોટી કમાણી ભેગી કરી, ભોગવિલાસ વધારીશું તો તેમાં દુષ્પરિણામે કમોતે મરવું પડશે

મનુષ્ય, ઇંદ્રિય સુખમાં એવો ફસાયો છે કે, તેને જીવન-લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પૈસો અને વૈભવના તકલાદી સંબંધો અસત્ય છે છતાંય તે, તેના મોહમાં-આસક્તિમાં ફસાયો છે. દુનિયામાં વિકાર-વાસના વધ્યાં છે ત્યાગ અને સંયમ ખૂટયાં છે. અંતકાળે વાસના-તૃષ્ણાઓને મનુષ્ય યાદ કરે છે. તેથી જ તેનો મરણકાળ સુધરતો નથી. વરદાનરૂપ મનુષ્ય અવતાર, રફેદફે થઈ જાય છે.

બે-ત્રણ દ્રષ્ટાંતથી સમજીએ :-

(૧) એક ડોસો માંદો પડયો - એનું ચિત્ત તો પૈસાની આસક્તિમાં ફસાયેલું હતું. છોકરાંએ બાપને ભગવાનનું નામ બોલવાનું કહ્યું. પણ ડોસાના મુખમાંથી ભગવાનનું નામ નીકળ્યું જ નહિ. એટલામાં ડોસાની નજર આંગણાંમાં પડી. એક વાછરડો સાવરણી ખાઈ રહ્યો હતો. ડોસાનો જીવ બળવા માંડયો એટલે તૂટક તૂટક શબ્દોમાં કહેવા માંડયા, '... પેલો વાછરડો સાવરણી ખાય છે. પચાસ રૂપિયા મફત નથી આવ્યા. અહીં મારા તરફ શું જોઈ રહ્યા છો ? વાછરડાને કાઢી મૂકો...' ને એટલું બોલતાં બોલતાં મરી ગયો. પૈસાની આસક્તિએ એનું મરણ બગાડયું. તેણે આખું જીવન હાય પૈસો.. હાય પૈસો કરેલો. પછી ભગવાન ક્યાંથી યાદ આવે... તેનું મરણ બગડયું તેમાં કોનો વાંક ?

(૨) એક સોની બીમાર પડયો. તે મહિનાથી બજારમાં જઈ શક્યો ન હતો. તેથી પથારીમાં પડયાં પડયાં તે સોનાનો ભાવ રટતો. ઓચિંતી બિમારી વધી. ડોક્ટરે તાવ માપી કહ્યું '૧૦૫ ડિગ્રી તાવ છે.' બીમાર સોની સમજ્યો કે કોઈએ સોનાનો ભાવ કહ્યો એટલે ડોસો બૂમ પાડી ઊઠયો, 'દીકરા ! સોનું વેચી નાખ. સોનાનો ભાવ ૧૦૫ થયો છે.' ને પછી ઢળી પડયો. એનો અંતકાળ સોનાની યાદમાં ગયો... જિંદગી વેડફી નાખી. મરણકાળે પણ વિપરિત બુદ્ધિ થઈ.

'ઘરડો થાય તોયે જે, આસક્તિઓમાં ડૂબ્યો રહે,

તે મનખાવતાર બગાડે.'

ન જાનું હું અન્ય કછું... 'પુણ્ય પ્રગટે તો જ મળે મનુષ્ય અવતાર.'

સૃષ્ટિમાં મનુષ્ય કરતાં વધુ શ્રેષ્ઠ શું છે  આપણો માહ્યલો બોલે છે, 'કશું જ નથી.' ને છતાંયે માનવી બહુરૂપી તૃષ્ણાઓ, આસક્તિઓના કાદવમાં ડૂબી જાય છે. માનવજીવન અભિશાપરૂપ બનાવી દે છે. માણસ જાતે જ પોતાના સુખની આડે આવતું વિઘાતક કારણ બની જાય છે.

માનવ જિંદગીનું સાચું સુખ ધ્યાન, મનન, ચિંતન, સંયમથી પ્રાપ્ત થાય છે. આજના સમયનો માણસ બેચેન, અશાંત, દુરાચારી, ચારિત્ર્યભ્રષ્ટનાં વાવાઝોડામાં ગોથાં ખાઈ આંધળુકિયા કરે છે. તેને તો યેનકેન પ્રકારે, વિચાર-વિવેકે ભ્રષ્ટ બની આસક્તિઓ પૂરી કરવી છે. તો મળેલ મનુષ્ય અવતારનું વરદાન છિન્નભિન્ન કરી દે છે.

કુદરતની મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવામાં આવે તો, સુખી દીર્ઘજીવનની સિદ્ધિ, સિદ્ધિ, સરળતાથી હાંસલ થઈ શકે છે. મનુષ્યમાત્ર શરીર જ નથી, પણ તેમાં એક પરમ તેજસ્વી આત્મા પણ રહેલો છે. તેનું તો આપણે વિસ્મરણ જ કરીએ છીએ. દુર્લભ દિવ્ય જીવન સંપત્તિને છોડીને, માથા ઉપર પાપનાં પોટલાં લાદીને મૃત્યુનો કોળિયો બની જઈએ છીએ. તપ, તિતિક્ષા, સંકલ્પબળથી મજબૂત બની સાચા સુખને પ્રાપ્ત કરી શકીએ તે મનુષ્યાવતાર સફળ બનાવી શકાય.

આસક્તિઓને વશ થઈ, ખોટો ઠાઠમાઠ વધારતા જઈ ખોટી કમાણી ભેગી કરી, ભોગવિલાસ વધારીશું તો તેમાં દુષ્પરિણામે કમોતે મરવું પડશે.

- લાભુભાઈ ર. પંડયા