Get The App

વિખૂટી પડેલી સરાક જાતિના ધર્મસંસ્કારોના જાગરણનું જ્વલંત અભિયાન

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

Updated: Sep 4th, 2019

GS TEAM

Google News
Google News
વિખૂટી પડેલી સરાક જાતિના ધર્મસંસ્કારોના જાગરણનું જ્વલંત અભિયાન 1 - image


આ સરાક જાતિની એક વિશેષતા એ છે કે તેઓના ગોત્ર ચોવીશ તીર્થકરોનાં નામ પર મળે છે. આવી ભૂમિ પર વસતા સરાક ભાઈઓ ઋષભદેવ, ધર્મદેવ, શાંતિદેવ, અનંતદેવ, ગૌતમ જેવાં ગોત્ર ધરાવે છે. આ ગોત્ર જ એમના મૂળનું સૂચન કરે છે.

ચીલાચાલુ માર્ગે ચાલવું સરળ છે. એમાં કોઈ વિશેષ પુરુષાર્થ કે પ્રયાસની જરૂર રહેતી નથી, પરંતુ કોઈ નવી દિશામાં પ્રયાણ આદરવું એ અત્યંત મુશ્કેલ અને કઠિન હોય છે. આવી દિશામાં ચાલવાની પ્રેરણા પોતાના ગુરુની પ્રાપ્ત થઈ હોય. વળી ગુરુની અંતિમ ઇચ્છા સિદ્ધ કરવાની હોય, ત્યારે કેટલા અવિરત પ્રયત્નો ચાલતા હોય. આનું પ્રેરક અને પ્રત્યક્ષ દૃષ્ટાંત રાજપરિવાર આયોજિત' સરાક ઉત્કર્ષ અભિયાન'માં જોવા મળે છે.

કલિકુંડતીર્થોદ્વારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સમેત શિખર તીર્થના બે છ'રી પાલિત સંઘ આવ્યા હતા અને એ સમયે જ એમણે નૂતન કલિકુંડ તીર્થધામ નિર્માણનું કાર્ય પણ સંપૂર્ણ કર્યું હતું. પરમાત્માની ઉપાસના કરવાની સાથોસાથ એમની દૃષ્ટિ પરમાત્માથી વિખૂટા પડી ગયેલા સરાક પર પડી. એમને આ જાતિનો ભરપૂર પ્રેમ મળ્યો. એમના સન્માન અને અગાધ આદર સાંપડયા. આ પ્રજામાં ઊંડે ઊંડે પડેલા જૈનત્વના સંસ્કાર આચાર્યશ્રી પામી ગયા અને આથી એમણે જોયું કે જૈન ધર્મની મુખ્ય ધારાથી જરા દૂર ગયેલા આ સરાક ભાઈઓમાં ધર્મસંસ્કારના બીજ તો પડેલાં જ છે,એનું સંવર્ધન કરવાની જરૂર છે. આમાંથી એક પ્રચંડ અભિયાનનું આયોજન થયું.

પૂ.આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી પરમ પૂજ્ય આ.વિ.શ્રી.રાજપરમસૂરીશ્વરજી મ.સા.એ ઝારખંડના એ દુર્ગમ પ્રદેશોમાં જઈને પોતાના ગુરુદેવની અંતિમ ભાવના પૂર્ણ કરવા માટે ભગિરથ પ્રયાસ શરૂ કર્યો. આ શ્રી રાજરત્નસૂરિજી અને આ.શ્રી. રાજહંસસૂરિનો સાથ મળ્યો, તો જૈન સમાજના ગૌરવશિખર સમા શ્રી કુમારપાળ વી.શાહ  અને કલ્પેશ શાહનો સથવારો સાંપડયો. આને પરિણામે ગુજરાત, રાજસ્થાનના જૈન સમુદાયથી દૂર-દૂર અજાણ્યા પ્રદેશમાં જૈન ધર્મના સંસ્કારોનું વાતાવરણ ગુંજી ઉઠયું.

જરા દૃષ્ટિપાત્ કરીએ પહેલાં આ સરાક જાતિ પર. ભગવાન મહાવીરની ભૂમિ એવા બિહાર, બંગાળ, ઝારખંડ અને પૂર્વભારતનાં રાજ્યોમાં વસતી સરાક જાતિને જૈન સમાજ ભૂલી ગયો હતો. આ સરાક જાતિના લોકો આદિવાસી પ્રજા તરીકે ઓળખાતા હતા, પરંતુ એમણે એમના અહિંસાના સંસ્કારો જાળવી રાખ્યા હતા. આજથી એકસો વર્ષ પહેલાં પૂર્વ ભારતની તીર્થભૂમિઓ પર યાત્રાએ આવતા જૈન સમાજના શ્રાવકોને એ કલ્પના પણ આવતી નહોતી કે એમના જ ધર્મબંધુઓ આસપાસના ઘોર જંગલોમાં કપરી અવસ્થામાં કઠિન જીવન ગાળી  રહ્યા છે !

બિહાર, બંગાળ, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને ઉત્તરપ્રદેશના રાજ્યોમાં આ જાતિમાં ૩૫ લાખથી વધુ લોકો વસે છે. નોંધપાત્ર વાત ગણો તો નોંધપાત્ર અને પારાવાર અફસોસોની વાત કહો તો અફસોસની, કે આ સરાક જાતિ 'શ્રાવક જાતિ' છે અને આ સરાક ભાઈઓ એ ભગવાન મહાવીર સ્વામીના આ શ્રાવકો છે એવું સંશોધન કોઈ જૈન ઇતિહાસકાર કે ભારતીય વિદ્વાને નહીં, કિંતુ એક અંગ્રેજ ઇતિહાસવેત્તાએ કર્યું હતું.

સરાક જાતિ અંગે કાર્ય કરવાનો પ્રારંભ ક્ષુલ્લક ગણેશપ્રસાદ વર્ણી અને શ્રી શિતલપ્રસાદજીના શ્રદ્ધેય પૂ.મુનિ મંગલવિજ્યજીએ કર્યો. એ પછી આચાર્ય નમિસાગરજી મહારાજે આ ભૂમિ પર વિચરણ કર્યું અને એમની ઇચ્છા હતી કે સરાક બંધુઓને પ્રેમપૂર્વક સ્વીકારવામાં આવે અને ધીરે ધીરે બેલચંપાના અહિંસાનિકેતન દ્વારા 'સરાક જૈન સમિતિ'ના માધ્યમથી આ કાર્યનો પ્રારંભ થયો. પૂ.પ્રભાકરવિજયજી મહારાજે પણ કાર્ય કર્યું.

આ કાર્યમાં એક નવો વેગ આવ્યો સ્થાનકવાસી સંપ્રદાયના પરમ તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ અને પરમ દાર્શનિક પૂ.શ્રી જયંતમુનિજી મહારાજથી. તેઓએ ઝારખંડમાં સ્થિર થઈને ધૂણી ધખાવીને માત્ર સરાક જાતિ જ નહીં, પણ સમગ્ર આદિવાસી જાતિના ઉત્કર્ષનું પ્રચંડ કાર્ય કર્યું. ઇ.૧૯૫૦ની આસપાસ એમણે વીસ તીર્થકરોની પરમ પાવન નિર્વાણ ભૂમિ પર વિહાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો. કોલકાતાના હર્ષદ દોશી નામના સેવાપરાયણ લેખકે 'સાધુતાનું શિખર અને માનવતાની મહેંક' નામના ગ્રંથમાં એ મહાન પુરુષાર્થને શબ્દબદ્ધ કર્યો છે.

એ જ રીતે કલિકુંડ તીર્થોધ્ધારક, પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી સમેતશિખર મહાતીર્થ પર યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પોતાના મહાત્માઓને સરાક ક્ષેત્રમાં વિચરણ કરવાનો આદેશ આપ્યો અને એકેએક ગામમાં જઈને ધર્મોપદેશ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો.

જિનાલયોનો જિર્ણોધ્ધાર, વિધવા બહેનોને સહાય, વસ્ત્રદાન, ગૃહઉદ્યોગ, ધાર્મિક શિબિર, ગ્રામશિબિર, પાઠશાળાનું નિર્માણ, યુવાનોને ધાર્મિક વિધિની તાલીમ, સમગ્ર ગામનું સમૂહભોજન જેવાં પ્રયત્નો કર્યા. ગુરુદેવના દીક્ષાદિવસની સ્મૃતિ નિમિત્તે સરાક ગામોમાં વીસ હજાર જેટલી નોટબૂકોનું વિતરણ કરવામાં આવ્યું.  પર્યુષણની આરાધના કરવામાં આવી.

એક એંસી વર્ષના વૃદ્ધા સ્વપ્નની ઉછામણી લેવા માટે જીવનભરની કમાણીરૂપ પંદર રૂપિયા લઈને આવ્યા હતા. પરંતુ એમને ચડાવો ન મળતાં ઘેર જઈને બીજા પંદર રૂપિયા લઈ આવ્યા. એમાં ઉછામણી પ્રાપ્ત ન થતાં એમની આંખોમાંથી આંસુ ઊમટી આવ્યાં. એ પછી ઉછામણીની બોલી તો મોટી થઈ, પરંતુ રાજપરિવારના કાર્યકર્તાઓએ પંદર રૂપિયા જ લઈને ગરીબ વૃદ્ધાને એનો લાભ આપ્યો, ત્યારે વૃદ્ધાને એમ લાગ્યું કે એમનું જીવન ધન્ય થઈ ગયું.

આ સરાક જાતિની એક વિશેષતા એ છે કે તેઓના ગોત્ર ચોવીશ તીર્થકરોનાં નામ પર મળે છે. આવી ભૂમિ પર વસતા સરાક ભાઈઓ ઋષભદેવ, ધર્મદેવ, શાંતિદેવ, અનંતદેવ, ગૌતમ જેવાં ગોત્ર ધરાવે છે. આ ગોત્ર જ એમના મૂળનું સૂચન કરે છે. પશ્ચિમ બંગાળના ધનબાદ જિલ્લાની જ વાત કરીએ તો ૧૯૭૦ની આસપાસ આ જિલ્લાના ૮૯ ગામોમાં સરાક લોકો વસતા હતા અને અહીં ધર્મદેવ ગોત્ર, આદિદેવ ગોત્ર, ગૌતમ ગોત્ર ધરાવનારા સરાક લોકો રહેતા હતા.

એમાં એકલા પુરાના વેડો, ગદ્દી વેડો, બગીચા વેડો ગામમાં ત્રણ હજાર સરાકના ચારસોને પચાસ ઘર હતા. આ ઉપરાંત આ જ બે જિલ્લામાં ધાગાબંધ ગામના એકસો ઘરોમાં ૬૪૫ સરાક, પુરલિયા જિલ્લાના વોહરા ગામમાં ૫૩૫, ઝાપડા ગામમાં ૫૨૬ અને નુદણા, સિનેડા, વેલુર ગામમાં ૪૫૦ જેટલાં સરાક લોકો વસતા હતા. ક્યાંક ગુજરાતી ગોત્ર, અગ્રવાલ ગોત્ર કે ખંડેલ ગોત્ર ધરાવતા સરાક જાતિના લોકો પણ મળે છે.

ભાષાશાસ્ત્રીઓનો એવો મત છે કે 'સરાક' સંસ્કૃતના'શ્રાવક' તથા પ્રાકૃતના 'સાવગ' શબ્દનું અપભ્રંશ છે. જેનો અર્થ થાય છે શ્રદ્ધાનું પાત્ર. વિચાર કરનાર તથા આચરણશીલ પણ આ ઇતિહાસવિદો અને ભારતીય તથા વિદેશી વિદ્વાનોનો એવો વિચાર કરે છે કે ' શ્રાવક' શબ્દનો પ્રયોગ પ્રાચીન કાળથી જ જૈન ધર્માવલંબીઓ માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં 'સરાક' અથવા 'શ્રાવક' તીર્થકર પાર્શ્વનાથ અથવા મહાવીરના બતાવેલા સિદ્ધાંતો પર વિશ્વાસ કરવાવાળા લોકો છે.

'સરાક' જાતિનું મૂળ નિવાસ દક્ષિણ બિહારની સીમા, ઝારખંડ, બંગાળ અને ઓરિસાના મુખ્ય વન્ય વિસ્તારમાં રહ્યું છે. તેથી એમને પણ લોકો અન્ય જનજાતિઓની જેમ આદિવાસી કહીને સંબોધિત કરે છે. સરાક લોકોની પ્રધાનતા ઉપરનાં રાજ્યોનાં સિંહભૂમિ, રાંચી દુમકા, વીરભૂમ, ધનબાદ (પાન્ડ્ર દેશ) સંથાલ, પરગના, બાંકુરા, વર્ધમાન, પુરુલિયા, મેદિનીપુર, કટક, પુરી, ગંજામ, મયુરગંજ, ખુર્દા તથા બિહારનાં સંપૂર્ણ દક્ષિણી સીમા ક્ષેત્રોમાં આજે પણ જોવા મળે છે. આમાંના કેટલાંય ક્ષેત્રોમાં સરાક લોકોને સેરાબ, સેરાબગ જેવાં નામોથી પણ સંબોધિત કરવામાં આવે છે. સરાક પ્રજા, એનો ઇતિહાસ, એની સંસ્કૃતિ અને એની પ્રણાલિઓ વિશે જરા ઊંડો અભ્યાસ કરીએ તો જૈન ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય પુન:પ્રાપ્ત થાય છે જે વિશે હવે પછી જોઈશું.

(ક્રમશ:)

Tags :