Get The App

ભાવદશા જાગે નહીં, તો મંત્રો, ભક્તિ કે શાસ્ત્રજ્ઞાાન- સઘળું વ્યર્થ !

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

Updated: Sep 25th, 2019

GS TEAM

Google News
Google News
ભાવદશા જાગે નહીં, તો મંત્રો, ભક્તિ કે શાસ્ત્રજ્ઞાાન- સઘળું વ્યર્થ ! 1 - image


સંસારી હોય કે સન્યાસી, આધ્યાત્મિક, કૂટપ્રશ્ન ધરાવતો હોય કે સાંસારિક સ્થૂળ પ્રશ્ન, દરેકને જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈ માર્ગદર્શન આપતા હતા. આ સંસારમાં રહીને આત્મ જાગૃતિને માર્ગે ચાલીને અને આંતરસૂઝ કેળવીને આંતરઅનુભવ દ્વારા પરમભાવની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. 

એક જ્ઞાાનયોગીની દૃષ્ટિ જ્યારે અધ્યાત્મ પર એકાગ્ર બને છે ત્યારે પોતાના નવા નવા આંતરિક અનુભવો પ્રગટ કરે છે. સમર્થ જ્ઞાાનયોગી ચંદૂભાઈએ પોતાના અનુભવોને આધારે અને જ્ઞાાનોપાસનાને પરિણામે કેટલાક આગવા વિચારો પ્રગટ કર્યા છે. એમણે ભાવદશાનો મહિમા કર્યો. એમણે કહ્યું કે ભાવદશા વિના સઘળું નકામું. આવી ભાવદશા જાગે ત્યારે જ તમારું ભીતર ખૂલી જાય અને હૃદયમાં જે કંઈ અભ્યાસ કરો તેની અનુભૂતિ થાય. આવી ભાવદશાને કારણે જ નરસિંહ મહેતા જેવાં સંત મળ્યા. બાકી નરસિંહ મહેતા  કોઈ કોલેજમાં ભણ્યા નહોતા પરંતુ એક વિશિષ્ટ જ્ઞાાનદશાનો અનુભવ કર્યો હતો.

જ્ઞાાનયોગી ચંદુભાઈ પ્રશ્ન કરે છે કે મીરાંબાઈ ક્યા ગુરુકુળના સ્નાતિકા હતા અને તેથી જ આપણા મંત્રો અને ધર્મગ્રંથો વિશે એક મહત્ત્વની વાત એ કરી કે તમારે ગાયત્રીમંત્રની ઉપાસનાથી એક ભાવદશા પામવી જોઈએ. પહેલા ઁ કે ગાયત્રી મંત્રના ભાવને પકડી લો. પછી એમાં તન્મય થઈ જાવ અને એ તન્યમતા સાંપડશે તો જ તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદ કે અન્ય ધર્મગ્રંથો સમજી શક્શો. માત્ર પુસ્તકીયા જ્ઞાાનથી કશું ન વળે. ભાવદશા એ અતિ આવશ્યક છે. એને માટે સાધકે પરમ ભાવદશા પામવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જુદા જુદા પ્રસંગોએ પૂછાયેલા પ્રશ્નોનો જ્ઞાાનયોગી ચંદુભાઈએ આપેલાં ઉત્તરોમાં એમની મન:સૃષ્ટિ અને વિચારસૃષ્ટિ પ્રગટ થાય છે. તે કહે છે કે બાળક હંમેશાં મોંએથી ગોખ્ખા કરે તે બરાબર નથી, એ જ રીતે દેવ-દેવીઓનું પૂજન, એના પ્રાર્થના-મંત્રો, એનો શણગાર એ બધાં ઉપયોગી ખરાં, એનાથી ભક્તિદૃષ્ટિ, નમ્રતા અને એકાગ્રતા આવે એ પણ સાચું, પરંતુ એ પછી સાધકે આગળ વધવું જોઈએ અને સત્યદર્શનની તીવ્રતા રાખવી જોઈએ.

તેઓ કહેતા કે હું કોઈનો ગુરુ નથી અને કોઈનો શિષ્ય નથી. મારો પોતાનો શિષ્ય તે મારું મન છે. શિષ્ય છું, ગુરુ થવાનું આપણું કામ નહીં. એમણે ચર એટલે ધર્મનું આચરણ કર, તેના પર ભાર મૂક્યો. ધર્મનું આચરણ હોય, પ્રવચન નહીં. તેઓ કહેતા કે આનંદ અને કુંડલિનીની જાગૃતિ વચ્ચે પરસ્પર મેળ છે, પરંતુ કુંડળીની જાગૃતિમાં પડવા જેવું નથી.

ચમત્કાર વિશે જ્ઞાાનયોગી ચંદુભાઈનો આગવો અભિગમ છે. મહાત્મા ગાંધીજીને આશ્રમમાં આર્થિક જરૂરિયાત ઉભી થઈ હતી, ત્યારે કોઈ શેઠ આવીને મોટી રકમ આપી જાય છે, એને પણ તેઓ એક ચમત્કાર ગણાવે છે, પરંતુ બીજી બાજુ કેટલાક સંતો રોગીને સાજા કરે કે મરેલાંને જીવતા કરે એ વાતને સાવ ખોટી ગણીને કહે છે કે કર્તા-હર્તા તો ઇશ્વર જ છે. એમનો એવો આગ્રહ રહેતો કે વ્યકિતએ સતત પોતાના માનસ અને વર્તનને તપાસતાં રહેવું જોઈએ.

સેવાનાં કામો પ્રત્યે ચંદુભાઈની વિશિષ્ટ દૃષ્ટિ હતી. એ જનસેવાને જરૂરી માનતા, પણ પોતાની મર્યાદા સમજીને એ કામમાં જોડાતા હતા, પણ એમનું મિશન તો આધ્યાત્મિક જ્ઞાાનનું હતું. કોઈ આધ્યાત્મિક વિચારો ગ્રહણ કરવા આવ્યું છે, એમ જાણે તો એમનું હૃદય એની સમક્ષ ઉલ્લાસભેર પ્રગટ કરતા અને પોતાની જ્ઞાાનદૃષ્ટિથી છણાવટ કરવાની સાથોસાથ તેઓ વિચારતા પણ ખરા કે આવા નિ:સ્વાર્થી પુરુષો કેટલા હશે ?

કેવી વિવિધ પ્રકૃતિ ધરાવતો માનવસમાજ છે, તે દર્શાવવા માટે શ્રીકૃષ્ણે આપેલા ચાર પ્રકારના માનવોના વર્ગીકરણની તેઓ વાત કરતા હતા. એક દુ:ખી માનવસમાજ કે જે ગરીબાઈ, બેકારી, રોગ વગેરેથી બચવા માટે પરમાત્માનું શરણ શોધે છે. બીજો વર્ગ કંઈ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રનો અભ્યાસ કરે છે, જ્ઞાાનીઓનો સહવાસ શોધે છે, ધ્યાન, મનન વગેરે કરે છે. ત્રીજો વર્ગ લૌકિક સ્વાર્થથી કંઈક ડરતો ' ભગવાન મારું કામ કરી દેશે' એવી આશાથી ભક્તિ કરે છે અને ચોથો વર્ગ જે જ્ઞાાનીઓનો છે તે કોઈ પણ પ્રકારના સ્વાર્થ સિવાય શાંતિથી- સમતાથી શુદ્ધ જીવન ગાળતાં ગાળતાં પરમાત્માનું ધ્યાન કરતો રહે છે.

પહેલા ત્રણને કંઈને કંઈ લૌકિક સ્વાર્થ રહ્યો છે. જ્યારે ચોથો જ્ઞાાની નિ:સ્વાર્થી ગણાય છે. જ્ઞાાની પરમાત્માને ખૂબ પ્રિય છે અને જ્ઞાાનયોગી ચંદુભાઈ કહે છે કે જ્ઞાાની એ તો પરમાત્માનું હૃદય છે. ક્યારેક મસ્ત દશામાં આવી જતા અને કહેતા કે સાક્ષાત્ કૃષ્ણ ભગવાન આવીને કહે કે'ચંદુ, ગીતામાં જે મેં જ્ઞાાન કહ્યું છે તે ભૂલભરેલું છે, તો પણ હું ન માનું.'  આવી ચંદુભાઈની ખુમારી હતી. વર્ષોનાં વર્ષોનાં વર્ષો એકાંતવાસમાં ગાળ્યા પછી આ ખુમારીની પ્રાપ્તિ થઈ હતી.

ક્યારેક કોઈ પ્રશ્ન પૂછતું તો પ્રત્યુત્તર આપતાં પહેલાં એને પોતાની આગવી ઢબે પૂછતાં કે' તારે સહેલી રીતે સમજવું છે કે અઘરી રીતે ? વિદ્વાનોને સહેલી રીતે ન સમજાય, એમને તો લાંબા લાંબા ભાષણોથી જ સમજાય. તારે શી રીતે સમજવું છે ?'

અન્ય પર આધાર રાખીને ઉપાસના કરવાને બદલે સરળ હૃદય, જાણવાની તીવ્ર ઇચ્છા અને મંડયા રહેવાની વૃત્તિને જરૂરી માનતા હતા. પોતાની જાતે જ્ઞાાન લેવું હોય તો તે સરળ રીતે લઈ શકાય. માણસને જાતે મરવું હોય તો એક ટાંકણી બસ થાય. બીજાને મારવા હોય તો તલવાર, બંદૂક, તોપ કે બોમ્બ જોઈએ. આમ આત્મઅનુભવ જરૂરી છે. બીજાના અનુભવોને આધારે આપણે અધ્યાત્મયાત્રા કરી શકીએ નહીં અથવા તો એ યાત્રા વધુ કઠિન બને છે.

અધ્યાત્મ માર્ગમાં તમે પ્રયત્ન કરશો, તો જરૂર પ્રાપ્ત કરશો. ર્ઙ્ઘ ૅટ્વિષ્ઠંૈષ્ઠી ટ્વહઙ્ઘ િીટ્વઙ્મૈજી એમ માનનારા ચંદુભાઈ એમ કહેતા કે એકવાર આ માર્ગ પર જાય પછી એને ધીરે ધીરે પ્રાપ્તિ થતી જશે. મનને સંકલ્પશૂન્ય, શાંત અને સ્થિર કરવું, વારંવાર સ્વરૂપ ચિંતનમાં નિમગ્ન રહેવું. એનો અનુભવ કર્યા પછી બીજી બાબતો આપોઆપ અળગી થઈ જશે.

જ્ઞાાનદૃષ્ટિ, અંતર્મુખ દૃષ્ટિ, દિવ્ય દૃષ્ટિ, સારાસારનો નિર્ણય કરવાની શક્તિ- બધું જ ધીરે ધીરે પ્રાપ્ત થશે અને થોડા જ દિવસમાં પ્રત્યક્ષ આનંદ પ્રાપ્ત થશે. મનની જુદી જુદી અવસ્થાઓની વાત કરે છે અને આત્મવિચાર યોગથી એ મનને ધીરે ધીરે ચોક્કસપણે સમાધિસ્થ બનાવવાની પ્રક્રિયા કરે છે. શરીરને કષ્ટ આપીએ તો જ પરમાત્મ-પ્રાપ્તિ થાય, એ વિચાર સાથે શ્રી ચંદુભાઈ અસંમત છે.

સંતોના જીવનમાં એમને ઘણી આફતો આવતી હોય છે, એમ આપણે માનીએ છીએ, પણ શ્રી ચંદુભાઈના મતે તો જેને આપણે આપત્તિ માનીએ છીએ એ આધ્યાત્મિક વ્યકિતને માટે આપત્તિ હોતી નથી. જ્ઞાાન થાય એટલે સંજોગો જોવાની દૃષ્ટિ બદલાઈ જાય. કારણકે જ્ઞાાની અંદરથી શાંત હોય છે, એની પાસે જળદૃષ્ટિ હોય છે, એટલે કે એક મોજું શાંતિનું આવે, બીજું મોજું અશાંતિનું આવે, ત્રીજું મોજું આનંદનું આવે અને ચોથું મોજું ખેદનું આવે. પણ આ બધાં તો ચૈતન્ય રૂપી મહાસાગરનાં મોજાં છે. ભલે ને એ મોજાં ઉછળે, મહાસાગરને ખળભળાવી મૂકે. એમાં મહાસાગરના જળને શું થવાનું હતું. આવી જળદૃષ્ટિ આવે એટલે સમજાય કે હું પોતે સાક્ષાત્ ચૈતન્યસ્વરૂપ છું અને શાંતિ તો મનની એક અવસ્થા છે.

જ્ઞાાનમાર્ગના આ પ્રવાસી સમાજને અંતર્મુખતા તરફ વાળવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ એથી માનવીય વ્યવહારનો કે સંબંધોની સંવેદનાનો સહેજે અનાદર કરતા નહીં. જ્ઞાાનયોગી ચંદુભાઈમાં વ્યવહારકુશળતા હતી. સગાંસંબધીઓ અને મિત્રોનાં વ્યાવહારિક કામો પણ ઉકેલી આપતા. સહુને એ આત્મીયજન લાગતા. પરિવારમાં બીમારીના પ્રસંગોએ બીમારની ખાસ કાળજી લેતા. નાની નાની સૂચનાઓ પણ આપતા અને કોઈ અંગત સ્નેહીઓનું અવસાન થાય તો એમને સાંત્વના આપવા જતા.

સાધુ-સંન્યાસીઓ સાથેના પ્રસંગોમાં એમની વિશેષતા એ હતી કે ક્યાંક કોઈના વિચારો પસંદ પડતાં ન હોય તો પણ એ ખોટા કે વિરોધી વિચાર ધરાવે છે એમ માનીને એમનો ત્યાગ કરતા નહોતા. પણ સાથોસાથ સાધુમાં વિલાસિતા અને વૈભવની આસક્તિ સામે સ્પષ્ટ અણગમો દાખવતા.

એક વ્યાપક ફલક પર અધ્યાત્મ તત્ત્વનું આંતરદર્શન કરાવનાર તરીકેની જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈની વિશિષ્ટતા ગ્રંથમાં આલેખાયેલા આ તમામ પ્રસંગોમાં જોવા મળે છે. ધર્મગ્રંથોનાં અવતરણો કે અઘરી પરિભાષાઓનો વારંવાર પ્રયોગ કરવાને બદલે વાતચીતની શૈલીમાં સરળતા, સચોટતા અને પારદર્શિતાથી સામેની વ્યકિતમાં આધ્યાત્મિકતા અને અંતર્મુખતા જગાડવાની એમની રીત હતી.

એમની જ્ઞાાનયુક્ત વિચારસૃષ્ટિમાંથી પસાર થઈએ, ત્યારે એમ લાગે કે એમણે સતત સત્યનો મહિમા કર્યો છે. જ્યાં ક્યાંય અસત્ય જોયું, એને અળગું રાખ્યું છે. વળી એ સત્યને કોઈ ધર્મ, પંથ કે વાડામાં બાંધી દેતા નથી કે એની આસપાસ કોઈ ઝાકમઝાળભર્યો શબ્દવૈભવ સર્જતા નથી. જાણે 'ઋગ્વેદ'(૧૦/૮૫/૧) ના સૂત્ર સત્યેનોત્તમિતા ભૂમિ : । 'ભૂમિ સત્ય દ્વારા પ્રતિષ્ઠિત છે.' એવી એમની કલ્પના છે. જાણે તેઓ 'શતપથ બ્રાહ્મણ'માં કહ્યું છે કે 'સત્ય વૈ ચક્ષુ' અર્થાત્ 'સત્ય એ જ નેત્ર'થી જોતા હોય તેમ લાગે છે.

સંસારી હોય કે સન્યાસી, આધ્યાત્મિક, કૂટપ્રશ્ન ધરાવતો હોય કે સાંસારિક સ્થૂળ પ્રશ્ન, દરેકને જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈ માર્ગદર્શન આપતા હતા. આ સંસારમાં રહીને આત્મજાગૃતિને માર્ગે ચાલીને અને આંતરસૂઝ કેળવીને આંતરઅનુભવ દ્વારા પરમભાવની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે.

આપણી રૂઢ માન્યતાઓ, પ્રચલિત ધાર્મિક ખ્યાલો કે આડંબર અને દંભ પર એવી કુનેહથી પ્રહાર કરે છે કે સામેની વ્યકિતના ગળે એમની વાત તરત ઉતરી જાય. કશીય સિદ્ધિ કે પ્રસિદ્ધિ વિના, કોઈ પંથ કે મંડળની સ્થાપના કર્યા વિના, આત્મપ્રશંસા કે કશાય અહંકાર વિના માત્ર પોતાની આસપાસના સમાજને અતિ નમ્રભાવે જ્ઞાાનમાર્ગથી પ્રકાશિત કરનારા આવા ઘરદીવડાની આંતરઅનુભવની જ્યોત આજેય અનેક અધ્યાત્મ- પ્રવાસીના પથને અજવાળે છે. (સંપૂર્ણ)

Tags :