કૃષ્ણની માખણચોરી કે ગોકુળમાં સદ્ગુણોની ઉજાણી !
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
રામાયણનું જગત મહાભારત જગતથી તદ્દન ભિન્ન છે અને બંનેનો સંદેશ પણ સાવ ભિન્ન છે. જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણની બાળક્રીડાનું સ્મરણ થાય અને 'મૈયાં મોરી, મેં નહીં માખન ખાયો' એ સૂરદાસની મનમોહક પંક્તિઓ આપોઆપ યાદ આવી જાય.
સપાટી પર તરવું સહુને ગમે, પરંતુ નદી, સરોવર કે દરિયાના ઊંડાણમાં જવું બહુ ઓછાને ગમે. દરિયામાં ઊંડે ડૂબકી લગાવનારા તો મરજીવા જ હોય, જો કે એ મરજીવાને જ મોતી મળતા હોય છે.
ધર્મપુરુષના જીવનની ઘટનાઓમાં કે પ્રચલિત ધર્મકથાના પ્રસારમાં સહુ કથાની સપાટી પર તરતા હોય છે, છબછબિયાં ખાતાં હોય છે, પરંતુ એની પાછળના રહસ્ય કે ઊંડાણનો ભાગ્યે જ કોઈ તાગ મેળવતું હોય છે, આથી રામાયણ હોય કે મહાભારત હોય કે પછી જૈન અને બૌદ્ધ કથાનકો હોય, પણ એમાં કથાનો મહિમા થાય છે અને ઘણીવાર એનો મર્મ સદંતર ચૂકી જવાય છે.
ક્યારેક મનમાં એવા પ્રશ્નો પણ ઊઠે કે રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાન જેવાં આદર્શ પાત્રો મળે છે, જે પોતાની ભાવનાઓથી પોતાના કુટુંબને હર્યુંભર્યું રાખે છે. કુટુંબજીવનનો આદર્શ કહો તો આદર્શ અને મધુર સંદેશ કહો તો મધુર સંદેશ આપણને રામાયણનાં પાત્રોમાંથી મળે છે, તો એની સાવ સામે છેડે મહાભારતમાં શ્રીકૃષ્ણ અને પાંડવોની સાથોસાથ ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ, દુઃશાસન જેવાં કુટિલ પાત્રો મળે છે.
'રામાયણ'માં જે શઠતા, ખલતા કે નૈતિક શિથિલતાની કલ્પના ન કરી હોય તે સઘળું 'મહાભારત'માં જોવા મળે છે. ભરત રામને માટે ગાદીત્યાગ કરે છે, તો બીજી બાજુ દુર્યોધન ભવિષ્યમાં રાજપ્રાપ્તિમાં આડે ન આવે તે માટે ભીમનું કાસળ કાઢવાના પેંતરા રચે છે અને લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી નાખવાનો પ્રયત્ન કરે છે.
આવી સાવ સામાસામા છેડાની વિરોધી બાબતો કેમ હશે? કારણ કે ઋષિ વાલ્મીકિને કુટુંબજીવનમાં રહેલું અમૃત આપવું છે, જ્યારે મહાભારતકાર વેદવ્યાસ દર્શાવે છે કે સ્વજન દુરાચારી હોય તો એને માફ ન કરી શકાય. એને પણ એનાં દુષ્કૃત્યનો બદલો મળવો જોઈએ. એને બરાબર પાઠ ભણાવવો જોઈએ. શ્રીકૃષ્ણ મામા કંસ અને પોતાના ફૈબાના દીકરા શિશુપાલને અનુક્રમે મલ્લવિદ્યાથી કે સુદર્શન ચક્રથી હણે છે.
આમ રામાયણનું જગત મહાભારત જગતથી તદ્દન ભિન્ન છે અને બંનેનો સંદેશ પણ સાવ ભિન્ન છે. જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણની બાળક્રીડાનું સ્મરણ થાય અને 'મૈયાં મોરી, મેં નહીં માખન ખાયો' એ સૂરદાસની મનમોહક પંક્તિઓ આપોઆપ યાદ આવી જાય. માખણચોર શ્રીકૃષ્ણનું ચિત્તાકર્ષક રૂપ આપણી નજર સમક્ષ ખડું થાય છે.
કૃષ્ણની બાળલીલાની મધુર વાતો માનવકૃષ્ણની ઓળખ આપે છે. કૃષ્ણ ચરિત્ર એવું છે કે એની એક બાજુ તમે શ્રીકૃષ્ણને માનવ તરીકે જોઈ શકો, બીજી બાજુ શ્રીકૃષ્ણ મહામાનવ લાગે અને એથી આગળ વધીને જુઓ તો અતિમાનવ કે અવતાર લાગે. આવા શ્રીકૃષ્ણનો જન્મ કારાવાસની કાળી કોટડીની વચ્ચે થયો. જગતને પ્રકાશ આપવા માટે કૃષ્ણનું આગમન થયું.
જ્યાં કૃષ્ણ માત્ર અંધકારને ભેદીને કંસના કારાવાસમાંથી બહાર નીકળતા નથી, બલ્કે યમુનાના મધુર જળમાં વિહાર કરીને જગત પર વ્યાપ્ત ક્રૂરતા અને કુટિલતાનો અંધકાર દૂર કરે છે. આવી વિભૂતિનો જન્મ અનેક વિરલ ઘટનાઓ સર્જતો હોય છે. શ્રીકૃષ્ણના જન્મની 'શ્રીમદ્ ભાગવત'માં લખેલી કથા કહે છે કે ટોપલીમાં બાળ શ્રીકૃષ્ણને વસુદેવ લઈ જતા હતા, ત્યારે યમુનાનાં પૂરનાં પાણી વધવા લાગ્યા આથી વાસુદેવે પાણીને પુત્રના પગનો સ્પર્શ કરાવ્યો અને ચરણસ્પર્શ થતાં જ યમુનાના પાણી ઊતરી ગયા.
જલ સાથે જીવનનો કેટલો બધો સંબંધ છે! કૃષ્ણચરિત્રમાં સતત જળમહિમા જોવા મળે છે અને યમુનાના પ્રવાહની આસપાસ એમનું જીવન કેવું જળસમીપે પસાર થતું હોય છે. ચરણસ્પર્શની નદીમાં આવેલા પૂરનાં પાણી ઉતરી જાય ખરા? તેવો તર્કના સહારે પ્રશ્ન કરનારે મહાવીર ચરિત્ર જોવું જોઈએ.
જે પગના અંગૂઠાથી અહીં યમુનાના પાણી ઊતરી જાય છે, એવી જ રીતે મહાવીર ચરિત્રમાં પણ બાળ મહાવીર પર અભિષેક કરવા જતાં સૌધર્મેન્દ્રના મનમાં એવી વિમાસણ જાગે છે કે કઈ રીતે આ બાળક આ અભિષેકનાં વિરાટ કળશની વિપુલ જલધારાને સહન કરી શકશે? અને એ સમયે બાળક વર્ધમાને ઇન્દ્રના મનમાં જાગેલી શંકાને જાણી લીધી.
એમણે પોતાના પગનો જમણો અંગૂઠો મેરૂ પર્વત પર દબાવ્યો અને એકાએક આખો પર્વત ધ્રુજી ઊઠયો. જાણે અચાનક ધરતીકંપ થયો ન હોય! આ ઘટના પછી ઇન્દ્ર ઊંડા વિચારમાં ડૂબી ગયા. એમને થયું કે આ બાળ વર્ધમાન મારી શંકાને જાણી ગયા, તેથી જ એમણે પગનો અંગૂઠો પર્વત પર દબાવીને એમના અસીમ સામર્થ્યની ઓળખ આપી છે. આચાર્ય શ્રી વિમલસૂરિજીએ 'પઉમચરિય' ગ્રંથમાં મહાવીરસ્વામીનું ચરિત્ર આલેખતાં આ કલ્પના મૂકી છે.
મહાપુરુષના અસામાન્ય જીવનને સામાન્ય અને રોજિંદા જીવનની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. જેની પાસે વિશેષ હોય છે, તેને પામવા માટે સામાન્ય ગજ ટૂંકો પડે છે. હકીકતમાં બાળપણની ઘટના જ આવનારી વ્યક્તિના અસાધારણ સામર્થ્યનો સંકેત કરે છે. શ્રીકૃષ્ણના જન્મ સમયથી જ એમની અસાધારણતાનો અહેસાસ મળે છે. પાંડવલક્ષી 'મહાભારત'માં કૃષ્ણની બાળલીલા, કંસવધ, રુકિમણીનું હરણ કે નરકાસુર વધ જેવા પ્રસંગો પ્રાપ્ત થતા નથી. એને માટે તો 'ભાગવત' પાસે જ જવું પડે અને એમાં પણ 'દશમસ્કંધ'ના પૂર્વાર્ધ પાસે.
શ્રીકૃષ્ણના બાળજીવનના પ્રસંગોનું સ્મરણ કરતાં વિચારીએ કે એમની માખણની ચોરી કરવાની ઘટનાઓ પાછળનો મર્મ શું હશે? શ્રીકૃષ્ણે શા માટે ગોકુળમાં ઘેર ઘેરથી માખણ ચોર્યું હશે. સૌપ્રથમ તો માખણની સાથે માનવીની દેહશક્તિનો ખ્યાલ જોડાયેલો છે, આથી તો ગોવાળો શરીરથી તંદુરસ્ત અને શક્તિવાન હતા. કૃષ્ણ એમના બાળજીવનમાં જ શક્તિનો પરિચય કરાવે છે.
માખણનું સર્જન અનેક પ્રક્રિયા અને લાંબા સંઘર્ષ પછી થાય છે. દૂધમાંથી છાશ અને છાશ વલોવાય ત્યારે માખણ નીકળે. છાશનો કોઈ ઝાઝો મહિમા નહીં, સાવ પાતળી. ત્યારે માખણ આંગળાં પર ચોંટી જાય તેવું હોય છે. આમ માખણ પ્રાપ્ત કરવા માટે ઘણાં વલોણાં સહન કરવા પડે. શ્રીકૃષ્ણના જીવનમાં સ્વયં સતત સંઘર્ષ ચાલતો રહ્યો. એમના જન્મથી માંડીને છેક દેહોત્સર્ગ સુધી એક યા બીજા પ્રકારે સંઘર્ષ થતો રહ્યો. પરંતુ આ સંઘર્ષની વચ્ચે એમણે જગતને જીવનનું નવનીત આપ્યું.
વળી એ માત્ર નંદ-યશોદાના ઘેરથી માખણની ચોરી કરતા નહોતા. ગોપીઓના ઘરમાંથી પણ માખણની ચોરી કરતા હતા. સવાલ એ જાગે કે નંદરાજાને ઘેર વસનાર શ્રીકૃષ્ણને આમ માખણ ચોરવા શા માટે ઘેર ઘેર જવું પડે? એમને તો આવી કશી જરૂર ન હોય, પરંતુ તેઓ પ્રત્યેક ઘરમાંથી માખણ ચોરી લાવતા એટલે કે એ ઘરનું નવનીત લઈ આવતા.
એ ઘરમાં જોવા મળતાં પ્રેમ, મૈત્રી, સદ્ભાવ, સહિષ્ણુતા એ બધાને એ શોધી લાવતા. એ ઘર કે એ કુટુંબનો અર્ક લઈ આવતા અને પછી એ અર્ક, એ નવનીત કે એ માખણ ગોપબાળોને ભેગા કરીને વહેંચતા હતા. પોતે ખાતા હતા અને ક્યારેક મુખ પર એ માખણ ચોંટી જતું હતું. ગોપબાળોને પણ માખણ ખવડાવીને એમના જીવનની નવનીતરૂપ સદ્ગુણો આપતા હતા.
જ્યાં સદ્ગુણોની વહેંચણી થતી હોય, ત્યાં દુર્ભાવો ક્યાંથી ટકે? બાળશ્રીકૃષ્ણની માખણચોરીને પરિણામે ગોકુળમાં સર્વત્ર સદ્ગુણોનો પ્રભાવ પ્રસરવા લાગ્યો. લોકોનું જીવન શુદ્ધ, સાત્ત્વિક અને સંસ્કારી બન્યું. એથીય વિશેષ આ માખણચોરની કથાએ ગોકુળવાસીઓના ઘર-ઘરમાં સદ્ગુણોનો ઉત્સવ રચ્યો. ઘરમાં રહેલી સાત્ત્વિકતા આખાય પરિવારમાં પ્રસરવા લાગી.
જન્માષ્ટમીને આપણે ગોકુળાષ્ટમી કહીએ છીએ, તો કૃષ્ણજન્મ સાથે ગોકુળ કેવું સંલગ્ન બની ગયું. આજની દૃષ્ટિએ વિચારીએ તો શ્રીકૃષ્ણે ગ્રામોદ્ધારની પોતાની કલ્પનાને ગોકુળમાં સાકાર કરી. સૌપ્રથમ તો એમણે ગોકુળમાં વસતા લોકોને સાહસ અને ખમીર આપ્યા. ગોકુળવાસીઓએ કંસની ક્રૂરતાની વાતો સાંભળી હશે, રાજાઓની નિર્દયતાને જાણતા હશે, કારાવાસમાં રહેલા દેવકી અને વસુદેવની કપરી દશાની વાત એમના હૃદયને કંપાવતી હશે.
આમ ગોકુળમાં ભય પ્રવર્તતો હશે. લોકો રાજાઓ અને બળિયાઓની આસુરીવૃત્તિથી પીડાતા હશે. આ બધાને કારણે ગોકુળવાસીઓના મનમાં ભય, ડર કે બીક આસન જમાવીને બેઠા હશે. આવે સમયે ગોકુળમાં કૃષ્ણ આવે છે અને ભયભીત ગોકુળવાસીઓને નિર્ભયતા બક્ષે છે. ભયને શમાવીને અભયનો આનંદ બતાવે છે. ગોકુળવાસીઓમાં એક પ્રકારનું સ્વાભિમાન આણે છે અને એને પરિણામે ગોકુળની પોતાની અસ્મિતાનું સર્જન થાય છે.
કોઈ પણ ગામ કે નગરની અસ્મિતાનો આધાર એના રહેવાસીઓ પર હોય છે અને એ રહેવાસીઓના સૌજન્ય, શૌર્ય અને સંસ્કાર જ નગરઅસ્મિતાનું નિર્માણ કરતા હોય છે. શ્રીકૃષ્ણે ગોપબાળકોની ગેડીદડાની રમતનો તિરસ્કાર ન કર્યો, પરંતુ એની સાથોસાથ એમને મલ્લવિદ્યામાં માહેર બનાવ્યા. ગોપબાળકોની વાંસળીમાં પ્રેમના સૂરો પૂર્યા, તો ગોપીઓ સાથે ઉમદા વ્યવહાર કરીને નારી શક્તિને આગવું સ્થાન આપ્યું.
આમ, કૃષ્ણ જન્માષ્ટમીની ભાવનાઓ જીવનમાં ભાવવાની જરૂર છે. બાકી તો કેટલાય કંસ આ જન્માષ્ટમીને જુગારાષ્ટમી બનાવીને હરતા-ફરતા જોવા મળશે.