પાટણમાં સર્જાયો જૈન ચિત્રકલાનો સુવર્ણયુગ
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
ઇ.સ.ના ૧૩ના સૈકામાં કાગળની ઉપલબ્ધિ સાથે પોથીઓના આકાર, પ્રકાર અને દર્જા વધ્યા અને સાથે સાથે ચિત્ર અને અંદરની સજાવટ અધિક સુંદર, સ્પષ્ટ અને રૈખિક થવા લાગ્યાં. લગભગ આ જ સમયે શાસ્ત્રદાનનું મહત્ત્વ વધ્યું. રાજ્યાશ્રય, તેમજ ધનાઢય જૈન શ્રેષ્ઠીઓનાં પ્રોત્સાહનથી જૈન મંદિરો, પૌષધશાળાઓ તેમજ ગ્રંથભંડારો જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વધી અને પારંપરિક શાસ્ત્રદાનનું મહત્વ સૌ સાધારણ જૈનો સુધી પહોચ્યું.
ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી (લંડન-ભારત) એ લંડનના વિશ્વવિખ્યાત વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં એક ખાસ કોર્નર મેળવીને એમાં જૈન ચિત્રકલાનું પ્રદર્શન સ્થાયીરૂપે રાખ્યું છે. અમદાવાદમાં આવી ચિત્રકલાનો મહિમા એલ.ડી.મ્યુઝિયમમાં જોવા મળે છે.
આવા કેટલાક પ્રયાસોને બાદ કરતાં જૈન મૂર્તિઓની થતી બેફામ ચોરી, તીર્થની પુન: પ્રતિષ્ઠાને નામે થતો એની પ્રાચીનતાના ગૌરવનો સંહાર, એની હસ્તપ્રેતોનો અભ્યાસ કરનારાઓનો અભાવ, આ બધી બાબતો ઘણી ચિંતાપ્રેરક છે. જૈન ચિત્રકલા વિશેના પ્રખર વિદ્વાન ડો.શ્રીધર અંધારેએ થોડા સમય પહેલાં આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ એમની પાસેથી અમે જૈન ચિત્રકલા વિશેના એમના વિચારો મેળવ્યા હતા. એ મૂલ્યવાન વિચારો અહીં પ્રસ્તુત કરીએ છીએ.
જૈન ચિત્રકલાનો ઉદ્ગમ ક્યાંથી જોઈ શકાય ? આજે હજારો વર્ષ પુરાણી તાડપત્રીય પોથીઓની જાળવણી અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાથી પોથીઓના તાડપત્રીય પાનાં ક્ષીણ અને જીર્ણ સ્થિતિમાં મળે છે. એની જાળવણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાથી પોથીનાં તાડપત્રીય પાનાં બે લાકડાની પટ્ટીઓ વચ્ચે રાખવામાં આવતાં, અને આ પટ્ટીઓના ઉપરના ભાગમાં, આશરે ૫ થી ૮ ઇંચ અંતરમાં આરપાર કાણાં કરીને એમાંથી એક દોરી પસાર કરવામાં આવતી.
જે લાકડાની પટ્ટીઓ સાથે સજ્જડ બાંધવામાં આવતી. આ જૂની પારંપરિક પદ્ધતિ વર્ષોથી આવેલી પરંપરા રૂપે વપરાય છે. અને આ પટ્ટીઓ ઉપર દોરેલા પુરાતન થરચહાચિદ ચિત્રો જૈન ચિત્રકલાના ઉદ્ગમ રૂપે માનવામાં આવેલ છે અને શૈલી શાસ્ત્રજ્ઞાો પશ્ચિમ ભારતીય શૈલી (Western Indian Style) નામથી ઓળખે છે.
ભારતીય લઘુચિત્રોની શરૂઆત જૈન ચિત્રકલા સાથે ઇ.સ.ના ૧૨મા સૈકાના સચિત્ર કાષ્ટપટ્ટિકાઓ ઉપરનાં રંગીન ચિત્રોથી થઈ હતી એમ માનવામાં આવે છે. એવા તાડપત્રીય હસ્તલિખિતોમાં ભગવાન મહાવીરથી માંડીને અન્ય તીર્થકરોના જીવનમાં થયેલ ઘટનાઓ, ધાર્મિક પ્રસંગો, વિશેષ રૂપે જૈનશૈલીમાં દોરેલ મળે છે.
આ શૈલીની વિશેષતાઓમાં માનવકૃતિનું નમણું નાક અને ચહેરા બહાર આવતી પરલી આંખ લાલ રંગની પાર્શ્વભૂમિ જોવા મળે છે. આના સિવાય ચિત્રોમાં સરળ રૈખિક રેખાંકન સપાટ અને ટૂ ડાયમેન્શન ટ્રીટમેન્શન ટ્રીટમેન્ટ તેમજ એક પ્રકારની પ્રાચીનતા દર્શાવે છે. આ વિશેષતાઓ ઇ.સ.ના ૧૨મા સૈકાથી માંડીને આશરે ૧૫મા સૈકા સુધી સતત જોવા મળે છે.
આવી કેટલીક કાષ્ટપટ્ટિકાઓ ઇ.સ.૧૨ થી ૧૪મા સૈકાની લા.દ.સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે અને આના ઉપરના સંશોધનાત્મક લેખો પુ.મુનિ પુણ્યવિજ્યજી અને ડો.ઉમાકાન્ત શાહે લખેલા સર્વશ્રુત છે.
જૈન ધાર્મિક સાહિત્યના ઇતિહાસમાંથી અમુક વિશિષ્ટ ઘટનાઓને કાષ્ટપટ્ટિકા સૂચિત કરે છે. આ બધી જ કાષ્ટપટ્ટિકાઓ ઉપર દેવનાગરી લિપિમાં વિષયાનુરૂપ લખાણ આવે છે અને આ બંને બાજુથી લેખિત, લાલ રંગથી રસેલી હોય છે. અને મોટાભાગે ઉપર અને નીચેના પૃષ્ઠભાગ ઉપર ચિત્ર દોરેલાં હોય છે.
આ ચિત્રો હસ્તલિખિતના વિષયાનુરૂપ હોવાથી જેમ કે મહાવીરચરિત્ર કે જિનચરિત્ર જેવા વિષયોમાંથી પ્રમુખ પ્રસંગો લઈને પાટલી ઉપર કેટલાક ઊભા ભાગ પાડીને એમાં ચિત્રણ કરવામાં આવે છે. આ શૈલીને સળંગ કથા ચિત્રણ શૈલી કહેવામાં આવે છે. જે ભારતીય ચિત્રણ શૈલીના પારંપરિક ગુણ મનાય છે. ઉદાહરણાર્થ આબુ મંદિરનાં આરસનાં ચિત્રપટો (ઇ.સ.૧૨/૧૩મું શતક) અને જૈન કાષ્ટપટ્ટિકાઓ ઉપર દોરેલાં પ્રસંગ ચિત્રોમાં ઘણું જ સામ્ય દેખાય છે.'
જો કોઈ પણ જગ્યાનું શિલ્પ, કલાનો ઉત્કૃષ્ટ માપદંડ ગણાય તો બીજી બધી જ કલાઓનાં સ્વરૂપો એમાંથી પ્રેરિત થયેલાં લાગે છે. બીજી આ શૈલીની વિશેષતાઓમાં માનવીયકૃતિ ચહેરામાં અણિયાળું નાક અને રૈખિક રેખાંકન તેમજ પ્રાથમિક રંગોનો ઉપયોગ કરવામાં આવેલ દેખાય છે.
ઇ.સ.ના ૧૩ના સૈકામાં કાગળની ઉપલબ્ધિ સાથે પોથીઓના આકાર, પ્રકાર અને દર્જા વધ્યા અને સાથે સાથે ચિત્ર અને અંદરની સજાવટ અધિક સુંદર, સ્પષ્ટ અને રૈખિક થવા લાગ્યાં. લગભગ આ જ સમયે શાસ્ત્રદાનનું મહત્ત્વ વધ્યું. રાજ્યાશ્રય, તેમજ ધનાઢય જૈન શ્રેષ્ઠીઓનાં પ્રોત્સાહનથી જૈન મંદિરો, પૌષધશાળાઓ તેમજ ગ્રંથભંડારો જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વધી અને પારંપરિક શાસ્ત્રદાનનું મહત્વ સૌ સાધારણ જૈનો સુધી પહોચ્યું.
'શાસ્ત્રદાન' ધાર્મિક પુસ્તકોનાં દાન કરી'કર્મક્ષય'ના ધાર્મિક વિચારથી સૌ જૈનો દાનધર્મમાં આસ્થા રાખવા લાગ્યા અને વિદ્યાર્જન કરી પુણ્ય સંપાદન કરવા લાગ્યા. કાલાંતરે, કાર્તિક સુદ ૫ના દિવસે વિશેષ જ્ઞાાન-પૂજાનું આર્થિક, સામાજિક અને ધાર્મિક હસ્તપ્રતોનું પુન:પુનલેખન ઉપર જોર આપવામાં આવ્યું અને શાસ્ત્રભંડારો અને ગ્રંથભંડારો ઊભા થયા. આ જ સમયે તત્કાલીન સાધુઓએ લખેલાં પુસ્તકો સિવાય જુદા જુદા વિષયો પર લખેલાં પુસ્તકોથી જ્ઞાાન-ભંડારો સમૃદ્ધ થયા.
આચાર્ય ભદ્રબાહુથી માંડીને હેમચંદ્રાચાર્ય સુધીના સૌ મહાન આચાર્યોનાં પુસ્તકોથી જ્ઞાાન-ભંડારોમાં પુસ્તકોની સંખ્યા વધી અને જ્ઞાાન- ભંડારોનું નિર્માણ થયું. આ સમયે કુમાળપાળ તેમજ સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ.૧૨-૧૩મુ શતક) જેવા ગુજરાતના રાજાઓએ બહુ જ મોટા પાયામાં ગ્રંથનિર્માણનું ધાર્મિક કાર્ય હાથે લીધું. આ સમયે કુમારપાળે ૨૧ શાસ્ત્રભંડારો સ્થાપિત કર્યા અને પ્રત્યેકને એક સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પોથી પ્રદાન કરી. તેમજ સિદ્ધરાજ જયસિંહે સાતસો લહિયાઓને હસ્તપ્રતો લખવા અને એની પ્રતિલિપિઓ કરવા માટે બોલાવ્યા હતા. આના પરિણામે અસંખ્ય શાસ્ત્રીય, ધાર્મિક તેમજ સામાજિક ગ્રંથોનું નિર્માણ થયું. આ કારણે સમસ્ત જગતમાં કેટલાક સુવર્ણાક્ષરો તેમજ સચિત્ર ગ્રંથો સંગ્રહાલયો, જ્ઞાાનભંડારો, તેમજ ખાનગી માલિકીના સંગ્રહોમાં જોવા મળે છે.
જૈન ચિત્રકલાના પ્રમુખ વિષયોમાં કલ્પસૂત્ર ધર્મની સૌથી પવિત્ર પોથી ગણાય છે. તેના રચયિતા આચાર્ય ભદ્રબાહુસ્વામી મનાય છે અને તેનું વાચન પર્યુષણ પર્વ દરમિયાન થતું હોવાથી તેને પર્યુષણ કલ્પસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. કલ્પસૂત્ર સાથે કાલિકાચાર્ય કથા પણ આવે છે અને કેટલીક સચિત્ર પોથીઓમાં સુંદર ચિત્રણ તેમ કલમની ઝીણવટ જોવા મળે છે.
પોથીના આકાર અને અંદરનાં પાનાં આડાં હોવાથી આના ઉપર લખાણની લીટીઓ ડાબી બાજુ અને ચિત્ર જમણી બાજુ દોરવામાં આવેલ છે. આ રીતે કલ્પસૂત્રમાં ૪૦-૪૨ ચિત્રો અને ૨૯૧ જેટલા શ્લોકો હોય છે. કલ્પસૂત્રની ભાષા મોટાભાગે પ્રાકૃત, પાલી અથવા સંસ્કૃત હોય છે અને છેલ્લા પાના ઉપર અમુક માહિતી લખેલી હોય છે જેમાં ગામનું નામ, સાલ, સંવત, રચયિતાનું નામ શ્રેષ્ઠી અથવા ભિક્ષુનું નામ હોય છે. આ છેલ્લા પાના તરીકે માનવામાં આવે છે.
કલ્પસૂત્રનું લખાણ ત્રણ ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં જિનચરિત્ર, દ્વિતીય ભાગમાં સ્થવિરાવલી અને ત્રીજા ભાગમાં સાધુસમાચારીનું વર્ણન આવે છે. જિનચરિત્રમાં તીર્થકરોના જીવનની ચર્ચા કરવામાં આવી છે. સ્થવિરાવલીમાં પ્રમુખ સાધુઓની વંશાવલીનું વર્ણન આવે છે તેમજ સાધુસમાચારીમાં સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરેને ચોમાસામાં પાલન કરવાના નિયમો બાબત ચર્ચા હોય છે. પર્યુષણ પર્વ દરમિયાન મંદિરો, ઉપાશ્રયોમાં ધાર્મિક પ્રવચનો, વાચનોને કલ્પસૂત્રનાં પાનાં વાંચન માટે આપવામાં આવતાં એવી પ્રથા છે.
અમદાવાદનું પુરાતત્ત્વ ત્યાંના શહેર પાટણ (ઇ.સ.૮ મું શતક)માં જોવા મળે છે. પાટણ પહેલાં અણહિલવાડ પાટણ અથવા દેતકવત્તન નામથી ઓળખવામાં આવતું. ઇ.સ.૮ થી ૧૪ સૈકામાં થયેલા વ્યાપાર અને ઔધોગિક વિકાસના કારણે પાટણ રાજધાનીનું શહેર બની ગયું અને એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વધી ગયું.ઇ.સ.૧૫/૧૬ સૈકા દરમિયાન થયેલા ચિત્રકલાના વિકાસ સાથે પાટણ જૈન ચિત્રકલાનો સુવર્ણયુગ બની ગયું એમ માનવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રાચાર્યના સમયનું પાટણ એક સૌથી સુસંસ્કૃત, ધાર્મિક અને પવિત્ર સ્થાન હતું અને ત્યાં જૈન ધર્મનો સર્વોત્તમ વિકાસ થયો હતો.
ત્યાં લખવામાં આવેલી કેટલીક હસ્તલિખિત પોથીઓ હસ્તપ્રતોની પ્રશસ્તિઓના આધારે સ્થળ, કાળ, નિર્ણાયક માહિતી પ્રાપ્ત થાય છે. અને એવી સામગ્રી મોટાભાગે પાટણમાં કે શ્રોપત્તનમાં લખેલી મળે છે. પાટણમાં કેટલાક ચિત્રકારો, લહિયાઓ વસતા એની નોંધ મળે છે. આ સંદર્ભમાં તાજેતરમાં પ્રકાશિત થયેલ, Gujarati School and Jykain Manuscript Painting નામની ચોપડીમાં પ્રો. રતન પારિમુએ પાટણની ચિત્રકલા ઉપર ઊંડો પ્રકાશ નાખેલો છે એની નોંધ લેવા જેવી છે. સારાંશ, પાટણ એક બહુ જ મહત્ત્વપૂર્ણ શહેર હતું એ સિદ્ધ થાય છે. પાટણમાં લખાયેલી કેટલીક સચિત્ર પોથીઓની ચિત્રશૈલી ત્યાંની એક વિશિષ્ટ જૈન શૈલીની જાણકારી આપે છે. ટૂંકમાં જૈન ચિત્રકલાનો પૂર્વાર્ધ પાટણથી શરૂ થાય છે એમ માનવું જોઈએ.
આમ ૧૫/૧૬મા સૈકાનાં કલ્પસૂત્રોમાં શૈલીની દૃષ્ટિએ એક પ્રકારની રૂઢિજન્યતા એકસરખી અને સ્થિરતા દેખાય છે પરંતુ વાસ્તવમાં જૂની પશ્ચિમ ભારતીય અથવા ગુજરાતી શૈલી વર્ષો સુધી રૂઢિજન્ય અને શિથિલ થવાના કારણે સ્થાયી, લુખ્ખી અને એકસરખી લાગવા માંડી. સાથે સાથે અગણિત પોથીઓનું નિર્માણ થવાના કારણે કલાકૃતિઓના દર્જા ઘટી ગયા અને પોથીઓ કૃત્રિમ અને નિરર્થક બની ગઈ.
૧૫મા સૈકામાં જેમ જેમ શિક્ષણનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ ધર્મના પ્રચાર અંગે સાધુઓનું વિહારક્ષેત્ર પણ વિસ્તૃત થયું અને તે ગુજરાત રાજસ્થાનથી માંડીને છેક બિહાર, ઓરિસા, ઉત્તરપ્રદેશ જેવા પ્રાંતોની સીમાઓ પાર કરી દૂર દૂર પહોંચ્યા અને ત્યાંના શ્રેષ્ઠીઓ તેમજ વ્યાપારીઓ દ્વારા તૈયાર કરાવેલાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથા પુસ્તકો (હસ્તલિખિત પોથીઓ) માંડું, જૌનપુર જેવાં સ્થાનોથી પ્રાપ્ત થયાં અને પ્રસિદ્ધ થયાં.
ઇ.સ. ૧૪૩૯ માં ચિત્રિત માંડું કલ્પસૂત્ર તેમજ ઇ.સ.૧૪૬૯માં ચિતારેલ જૌનપુર કલ્પસૂત્ર તત્કાલીન કલાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું એમ માનવું જોઈએ. માંડુ શૈલી એક પ્રાદેશિક (Regional) શૈલી થઈને કલાકારોએ સ્વતંત્ર વિચારથી જુદા જુદા રંગોની વપરાશ અને જગ્યાનું યોગ્ય આયોજન કરી ચિત્રોનું સૌંદર્ય વધારવાનો પ્રયત્ન કરતા દેખાય છે. સૃષ્ટિ સૌંદર્ય તત્કાલીન વાસ્તુ, વેશભૂષા, ઘરેણાં તેમજ તત્કાલીન વસ્તુઓ, સાધનો ઇત્યાદિનો સુંદર ઉપયોગ કરી કથાચિત્રોમાં પ્રાણ આપવાનું કૌશલ્ય કરાવેલ દેખાય છે. ( ક્રમશ:)