Get The App

1857ની સ્વાતંત્ર- સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનારા જૈન શહીદો

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

Updated: Aug 14th, 2019

GS TEAM

Google News
Google News
1857ની સ્વાતંત્ર- સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનારા જૈન શહીદો 1 - image


૧૮૫૭ના સ્વાધીનતા સંગ્રામમાં અમર ચંદ બાંઠિયા પણ શહીદ થયા હતા. અમરચંદ બાંઠિયા એ સિંધિયા નરેશના પ્રધાન કોષાધ્યક્ષ હતા. એ સમયે સિંધિયા નરેશ' મોતીવાળા રાજા' તરીકે પ્રસિદ્ધ હતા. ' 

દરેક કોમ કે જાતિ સાથે એની શક્તિ, મર્યાદા કે ક્ષમતા વિશે અમુક નિશ્ચિત ધારણા કે માન્યતા બંધાયેલી હોય છે. આપણા દેશમાં વર્ણવ્યવસ્થાને પરિણામે વર્ષો સુધી દરેક જાતિને અમુક' લેબલ' થી ને નિશ્ચિત ગુણધર્મથી ઓળખવામાં આવતી હતી. જેમ કે ક્ષત્રિય હોય તો તે માત્ર વીરતાનાં જ કાર્યો કરે, બ્રાહ્મણ હોય તે માત્ર વિદ્યા-યજ્ઞા કરે, વૈશ્ય હોય તે માત્ર વેપાર કરી જાણે. જાતિવાદની આવી ચૂસ્ત દિવાલોને કારણે આવી માન્યતાઓ એવી ઘર કરી ગઈ કે જૈન હોય, તે માત્ર વેપાર જ કરી જાણે. એ બીજા કશામાં રસ લે નહીં. 

વાણિજ્ય સિવાય બીજું કશું વિચારે નહીં. જૈન ધર્મના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ જોઈએ તો ગાંધીજીના આઝાદીના આંદોલન સમયે તો અનેક લોકોએ લાંબો કારાવાસ વેઠયો છે. જીવલેણ લાઠીમાર ખાધો છે અને એમાંના ઘણાં એને કારણે મૃત્યુ પામ્યા છે, પરંતુ આઝાદી પૂર્વેના ઇતિહાસમાં પણ જૈન કુટુંબમાં જન્મેલા સ્વાતંત્ર્યવીરોની કથા મળે છે.

છેક ૧૮૫૭માં જૈન કોમમાં જન્મેલાઓએ ક્રાંતિયજ્ઞામાં પોતાના પ્રાણની આહુતિ આપી છે. એ સમયે હિંદુ, મુસલમાન, જૈન, શીખ વગેરે જાતિઓ કે ધર્મોના દેશભક્તોએ સ્વાતંત્ર્ય- યજ્ઞામાં પોતાનું યોગદાન આપ્યું હતું. અંગ્રેજ હકૂમત એવી હતી કે કોઈ વ્યકિત વિશે થોડી પણ માહિતી મળતી કે એના પ્રતિ શંકા જતી કે એ અંગ્રેજ હકૂમત સામે માથું ઊંચકી રહ્યા છે. 

તો એને કોરડા લગાવવામાં આવતા. એની સંપત્તિ છીનવી લેવામાં આવતી. એના પરિવારને નષ્ટ કરી દેવામાં આવતો. આ સઘળી હકીકત હોવા છતાં આ દેશભક્તોએ ક્યારેય નમતું જોખ્યું નથી. ઇતિહાસનાં એ પૃષ્ઠ જોઈએ તો ૧૮૫૭માં બે જૈન શહીદોની કથા મળે છે. એક છે લાલા હુકુમચંદ જૈન અને બીજા છે અમર ચંદ બંઠિયા.

લાલા હુકુમચંદનો જન્મ હરિયાણાનાં હાંસી (હિસાર)માં ઇ.૧૮૧૬માં થયો હતો. એમનું પ્રારંભિક શિક્ષણ પણ આ જ શહેરમાં થયું. જન્મજાત પ્રતિભા ધરાવતા હુકમચંદ ફારસી ભાષામાં અને ગણિતમાં વિશેષ રુચિ ધરાવતા હતા. આ વિષયમાં એમણે કેટલીક ગ્રંથરચનાઓ પણ કરી. પોતાના ઊંડા અભ્યાસ અને આગવી પ્રતિભાના બળે મુઘલ બાદશાહ બહાદુરશાહ સાથે એમને ઘણા નિકટના સંબંધો હતા.

એ પછી સાત વર્ષ સુધી તેઓ મુઘલ બાદશાહના દરબારમાં રહ્યા અને હાંસી અને કરનાલ જિલ્લાના તાલુકાઓમાં તેઓ પ્રબંધકર્તા હતા. એ પછી બ્રિટિશ સરકારના કાનુનગો રહ્યા, પરંતુ એમના દિલમાં પરદેશીઓ તરફ નફરત હતી. તેઓ જ્યારે પ્રબંધકર્તા હતા ત્યારે પોતાના વિસ્તારનાં ગામોમાં મંદિરો, શિવાલયો, કૂવા અને તળાવોનું નિર્માણ કર્યું, એટલું જ નહીં, પણ કેટલાક મંદિરોનો જિર્ણોદ્ધાર પણ કર્યો.

૧૮૫૭માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં હુકુમચંદજીએ સક્રિય ભાગ ભજવ્યો. દિલ્હીમાં જ્યારે સ્વાતંત્ર્ય માટે ઝઝૂમતા નેતાઓનું સંમેલન થયું, ત્યારે તાત્યા ટોપેની સાથે હુકુમચંદજી પણ હાજર હતા અને એમણે દિલ્હીના બાદશાહ બહાદુરશાહ ઝફરને ખાતરી આપી હતી કે તેઓ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તન, મન અને ધન સર્વસ્વનું બલિદાન આપવા તૈયાર છે. એમના જવાબમાં મુઘલ બાદશાહે હુકુમચંદને ખાતરી આપી કે એમને સેના, શસ્ત્રો, દારૂગોળો અને દરેક પ્રકારની યુદ્ધસામગ્રી પહોંચાડવામાં આવશે.

હાંસી શહેરમાં જઈને એમણે દેશભક્તોને એકઠા કર્યા. એ સમયે અંગ્રેજ સેના હાંસી થઈને દિલ્હી તાબે કરવા માટે નીકળી હતી, ત્યારે એના પર હુમલો કર્યો. હુકુમચંદ અને તેમના સાથીઓ પાસે ઘણી ઓછી યુદ્ધસામગ્રી હતી. હથિયારો પણ સાવ સામાન્ય હતા અને એમણે મુઘલ બાદશાહની સહાયની જે અપેક્ષા રાખી હતી તે સમયસર પ્રાપ્ત થઈ નહીં. આવી પરિસ્થિતિમાં પણ લાલા હુકુમચંદ હિંમત હાર્યા વિના અંગ્રેજોને પરાસ્ત કરવાના ઉપાય શોધવા લાગ્યા.

એમણે ફારસી ભાષામાં મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફરને પત્ર લખ્યો હતો, પરંતુ એ પત્રનો કોઈ ઉત્તર મળ્યો નહીં અને પરિણામે દિલ્હી પર અંગ્રેજોએ પોતાનું શાસન જમાવ્યું અને મુઘલ સમ્રાટની ધરપકડ કરી. આ સમયે બાદશાહ બહાદુરશાહ ઝફરના પત્રવ્યવહારની અંગ્રેજો ચકાસણી કરતા હતા. ત્યારે લાલા હુકુમચંદનો એ પત્ર મળ્યો અને અંગ્રેજ સરકારે આવી બગાવતભરી કામગીરી માટે એમની સામે સખત કાર્યવાહી કરવાનું નક્કી કર્યું.

હુકુમચંદની સાથોસાથ એમના તેર વર્ષના ભત્રીજા ફકીર ચંદની પણ ધરપકડ કરવામાં આવી. એમને હિસાર લાવવામાં આવ્યા. એમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને ખોટા પુરાવાઓ ઉભા કરીને ઇ.સ.૧૮૫૮ની ૧૮મી જાન્યુઆરીએ હિસારના ન્યાયાધીશ જોન એકિંસને લાલા હુકુમચંદને ફાંસીની સજા ફરમાવી. એમના ભત્રીજા ફકીરચંદને છોડી દેવામાં આવ્યા. લાલા હુકમચંદના મકાનની સામે જ એમને ફાંસી અપાઈ અને નિર્દયતાની પરાકાષ્ટા તો એ હતી કે એમના તેર વર્ષના ભત્રીજા ફકીર ચંદને અદાલતે નિર્દોષ છોડયો હતો, તેમ થતાં જબરજસ્તીથી પકડીને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યો.

અંગ્રેજોની ક્રૂરતા અહીં અટકે તેમ નહોતી. એમને હિંદુઓને એવો સબખ શીખવવો હતો કે જેથી કદી ભવિષ્યમાં અંગ્રેજ હકૂતમ સામે આંખ ઊંચી કરી શકે નહીં, આથી લાલા હુકુમચંદના સગાંવહાલાઓને એમનો મૃતદેહ તો આપવામાં આવ્યો નહીં, પરંતુ એમની ધાર્મિક ભાવનાઓને આઘાત આપવા માટે એ સમયે નિમ્ન ગણાતા લોકો પાસે હુકુમચંદની દફનવિધિ કરવામાં આવી !

હુકુમચંદ શહીદ થયા ત્યારે એમના મોટા દીકરા ન્યામત સિંહની ઉંમર આઠ વર્ષની અને સુગમ ચંદની ઉંમર માત્ર ઓગણીસ દિવસની હતી. અંગ્રેજ અમલદારોની નજર એમના પર પણ હતી, પરંતુ હુકુમચંદના પત્ની ક્યાંક છુપાઈ ગયા. અંગ્રેજોએ શોધવાનો પ્રયાસ કર્યો, પણ ન મળ્યા. લાલા હુકુમચંદ અતિ ધનાઢય હતા.

તેમની પાસે લગભગ નવ હજાર એકર જમીન હતી અને ૪૦૦ તોલા સોનું, ૩૩૦૦ તોલા ચાંદી, ૧૩૦૦ જેટલા ચાંદીના સિક્કા અને ૧૦૭ સોનામહોરો હતી. અંગ્રેજ સરકારે એમની ચીજવસ્તુઓની નિલામી કરી. આવા અમર શહીદની સ્મૃતિમાં હાંસી શહેરની નગરપાલિકાએ ૧૯૬૧ની ૨૨મી જાન્યુઆરીએ 'અમર શહીદ હુકુમચંદ પાર્ક' બનાવ્યો અને તેમાં લાલા હુકુમચંદની પ્રતિમા મૂકવામાં આવી. 

એ જ ૧૮૫૭ના સ્વાધીનતા સંગ્રામમાં અમર ચંદ બાંઠિયા પણ શહીદ થયા હતા. અમરચંદ બાંઠિયા એ સિંધિયા નરેશના પ્રધાન કોષાધ્યક્ષ હતા. એ સમયે સિંધિયા નરેશ' મોતીવાળા રાજા' તરીકે પ્રસિદ્ધ હતા. ' ગંગાજલી'માં એમનો વિપુલ ધનભંડાર હતો, જેમાં અનેક પેઢીઓએ સંચિત કરેલો ધનભંડાર હતો. ખુદ રાજાને પણ આ ભંડાર જોવાની અનુમતિ નહોતી અને એ આ રાજભંડારમાંથી કશું લઈ શક્તો. આને પરિણામે રાજભંડારમાં સતત વૃદ્ધિ થતી રહી. એક માત્ર કોષાધ્યક્ષ સિવાય એમાં કેટલી સંપત્તિ છે, તેની કોઈને જાણકારી નહોતી.

કોષાધ્યક્ષ તરીકે અમરચંદ બાંઠિયાએ ધાર્યું હોત તો પોતાનો ભંડાર ભરી શક્યા હોત, પરંતુ એમણે આ રાજભંડારમાંથી એક પાઈ પણ લીધી નહીં. એમાં એમને પાપ દેખાતું હતું.' ગંગાજલી'ના પ્રધાન કોષાધ્યક્ષ હોવાથી રાજમહેલમાં એમની અવરજવર થતી હતી અને ત્યાં એમણે ભારતવાસીઓ પર અંગ્રેજો દ્વારા થતાં અત્યાચારોની વાત સાંભળી.

એવું પણ સાંભળવામાં આવ્યું કે ૭૦૦ બંગાળી સૈનિકોની એક રેજિમેન્ટે બળદ પર ચડીને જવાની ના પાડી, તેથી એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એવી જ રીતે ગાય અને ડુક્કરની ચરબીમાંથી તૈયાર થયેલી કારતૂસને મોંથી ખોલવાનો ઇન્કાર કરવા માટે અનેક નિર્દોષ સૈનિકોને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા.

અમરચંદ બાંઠિયાના હૃદયમાં રાષ્ટ્રને માટે અદ્ભુત ધગશ જાગી હતી. એવે સમયે પ્રધાન કોષાધ્યક્ષ અમરચંદ બાંઠિયાએ જોયું કે સ્વાતંત્ર્યની મશાલ લઈને નીકળેલી વીર સેના ગ્વાલિયર પહોંચી છે, પણ એમની પાસે અનાજ નથી. એના સૈનિકોને મહિનાઓથી વેતન પ્રાપ્ત થયું નથી. આવે સમયે પ્રધાન કોષાધ્યક્ષ તરીકે રાજાની સંમતિ લઈને ક્રાંતિકારી સેનાને પાંચ-પાંચ મહિનાનું વેતન આપ્યું.

ઇતિહાસ કહે છે કે અમરચંદ બાંઠિયાને જ કારણે ક્રાંતિકારી નેતાઓ પોતાની સેનાને પગાર અને ગ્રેજ્યુટી આપી શકી. પરંતુ જે સ્વાતંત્ર્યવીરોની સહાયતા એ અમરચંદ બાંઠિયાને માટે દેશભક્તિ હતી, તે અંગ્રેજોને માટે 'દેશદ્રોહ' કે 'રાજદ્રોહ'નો ગુનો હતો અને એની સજા હતી ફાંસી. અમરચંદ બાંઠિયાની મદદ મળતાં તાત્યા તોપે, રાણી લક્ષ્મીબાઈ જેવાં ક્રાંતિકારીઓની તાકાત વધી ગઈ, પરંતુ અમરચંદ બાંઠિયા પર વિદ્રોહીઓને રાજભંડાર સોંપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગ્વાલિયરની અદાલતમાં ન્યાયનું નાટક ખેલાયું.

અંગ્રેજ સૈનિકોથી ખીચોખીચ એવા ગ્વાલિયર શહેરના સર્રાફા બજારમાં બ્રિગેડિયર નૈપિયર દ્વારા અમરચંદ બાંઠિયાને લીમડાના ઝાડ પર લટકાવીને ફાંસી  આપવામાં આવી. ૧૮૫૮ની ૨૨મી જૂનનો એ દિવસ. આ ઘટના કઈ રીતે ભૂલાય, જેણે આઝાદીની મશાલ જલતી રાખવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી. આજે પણ ગ્વાલિયરના સર્રાફ બજારની નીચે એ જ લીમડો ઊભો છે અને એ લીમડાની નીચે અમરચંદ બાંઠિયાનું સ્ટેચ્યુ છે.

આવા અનેક જૈન શહીદોની કહાની શ્રી કપૂર ચંદ જૈને એકત્રિત કરીને'સ્વતંત્રતા સંગ્રામમેં જૈન' એ વિશે પ્રમાણભૂત, માહિતીપ્રદ અને વિસ્તૃત ગ્રંથ પ્રગટ કર્યો છે. માત્ર એમની શોધ એ છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલા ગુજરાતના જૈન યુવકની કોઈ કથા એમને મળશે ખરી ?

Tags :