મેં તેને માફી આપી દીધી છે .
દક્ષિણ અફ્રિકાના રાષ્ટ્રપતિ મંડેલાના જીવનનો આ એક અનુસરણીય કિસ્સો છે. એક દિવસ તેઓ પોતાના મિત્રો સાથે આનંદ પ્રમોદ માટે એક રેસ્ટોરન્ટના ટેબલ સામે બેઠા હતા. તેમણે સુરુચિ ભોજનની વાનગીઓનો ઓર્ડર આપ્યો. તે વખતે બાજુના ટેબલ પર બેઠેલા એક અટૂલા માણસને તેમણે જોયો. તેમણે સલામતી રક્ષકને મોકલીને તેને પોતાના ટેબલે બેસાડયો. તે માણસ ગભરાટ અનુભવતો હતો.
વેઈટરે આવીને ખોરાકની સ્વાદિષ્ટ વાનગીઓ સૌની સાથે પેલા માણસને પણ પીરસી. જમવાનું પૂરું થયા પછી તે માણસ મંડેલા સમક્ષ ઝૂકીને ત્યાંથી ચાલતો થયો. મિત્રોએ નેલ્સન મંડેલાને કહ્યું, 'એ માણસ બીમાર જેવો હતો. જમતી વખતે તેના હાથ ધ્રૂજતા હતા.' જવાબમાં રાષ્ટ્રપતિએ સમજાવ્યું કે એ માણસ બીમાર ન હતો પણ ભય તથા શરમને લીધે તેના હાથમાં ધ્રૂજારી થતી હતી.' વિશેષમાં તેમણે કહ્યું કે રાજકારણની લડત વખતે મને કેદ કરાયો હતો. ત્યારે તે માણસ ત્યાં સુપ્રિન્ટેડેન્ટ જેલર હતો. તે માણસ મને બહુ રિબાવતો હતો. હું ખોરાક માગું તો પૂરતા પ્રમાણમાં સારો ખોરાક તે મને પૂરો પાડતો ન હતો. કેટલીક વખત વધારે ત્રાસ આપવા માટે તે મારા પર લઘુશંકા પણ કરતો હતો. આજે તેને તેણે મારા પર કરેલી હરકતો યાદ આવવાને લીધે તે ધ્રૂજતો હતો. અને ઉતાવળે જમીને જતો રહ્યો.'
આ એક સત્ય ઘટના છે. મંડેલાએ મિત્રોને જણાવ્યું કે મેં તો તેને ક્યારનીયે માફી આપી દીધી છે. તેણે અગાઉ મને યાતના અને હરકતો કરેલી હતી. પણ મારે તો નફરતને બદલે પ્રેમ કરવાનો છે. આજે તો તે એકલો અને અટૂલો છે.
નેલ્સન મંડેલાના જીવનનો આ પ્રસંગ વ્યક્તિએ ઘૃણાને બદલે વહાલ કરવાનું સૂચવે છે. આ માણસની જિંદગીમાં માફીનું મૂલ્ય કેટલું બધું છે તે તરફ આપણું ધ્યાન દોરે છે.
- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી