- પ્રેમનો બદલો દ્વેષથી ના આપવો. આપણાં ઉપર અપકાર કરે તો પણ આપણે વિશાળ દિલ રાખીને તેના ઉપર ઉપકાર ભાવ રાખવો. પ્રેમ આપવો. તેનું અજ્ઞાાન દૂર થાય તેવી પ્રાર્થના કરવી
પર્વાધિરાજ પર્યુષણ સંવત્સરી. એક બીજા સાથે સંબંધો મધુર બનાવવાનું પવિત્ર પર્વ. જાણે અજાણ્યે થયેલી ભૂલો સુધારવાનો મહાન પ્રયોગ. માફી માંગવી. માફ કરવાનું તપ આદરવું.
ભગવાન મહાવીર સ્વામી તપોનિષ્ઠ, પરમજ્ઞાાની, વિતરાગી અવસ્થામાં અરણ્યમાં વિચરી રહ્યા હતા. દેહમાં છતાં દેહાતીત ભાવ. સતત સમાધિ અવસ્થા. એક ખેડૂત ત્યાંથી પસાર થયો. તે બળદ ચરાવવા ફરતો હતો. તેને ભગવાન મહાવીરની આવી દશાની સમજણ ન હતી. તેથી તેણે સ્વામીને ઉદ્દેશીને કહ્યું, 'મારા બળદ ચરે છે. ધ્યાન રાખજો. હું હમણાં આવું છું.'
ભગવાન મહાવીર તો વિતરાગ અવસ્થામાં સ્થિર હતા.
ખેડૂત પોતાનું કામ પતાવીને આવ્યો. તેણે જોયું તેના બળદ ત્યાં હતા નહીં. તેણે ભગવાન મહાવીરને પૂછયું. મારા બળદ ક્યાં છે ? તેં ધ્યાન ના રાખવું ?
ભગવાનની ભાવદશાનો તેને પરિચય નહીં. તેણે તો પોતાના જેવા ખેડૂત સમજ્યા. મારા બળદ એણે જ સંતાડયા છે તેમ સમજીને ભગવાનને ખરી ખોટી સંભળાવવા લાગ્યો. સામેથી મહાવીર સ્વામીએ કોઈ ઉત્તર ન આપ્યો એટલે ગુસ્સે થઈને તેણે સમાધિસ્થ થયેલા ભગવાન મહાવીર સ્વામીના કાનમાં લાકડાના ખીલા ઠોકી દીધા. ભગવાન તો કરૂણાના સાગર. સહનશીલતાની સાક્ષાત્ મૂર્તિ. કાનમાંથી લોહીની ધારા વહી રહી હતી. છતાં ભગવાને પ્રભુને પ્રાર્થના કરી. આ અણસમજુ માણસને માફ કરજો. તે શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. પરંતુ મને તો ભાન છે કે મારે તેના ઉપર ઉપકાર કરીને તેને ક્ષમા આપવી જોઈએ. આ... હા... કેવી વીતરાગ અવસ્થા !!
ભગવાન અંત:કરણથી પ્રાર્થના કરે છે :
ક્ષમું હું સર્વજીવોને, સર્વજીવો ક્ષમો મને,
કોઈના પ્રેમનો બદલો દ્વેષથી ના આપવો. આપણાં ઉપર અપકાર કરે તો પણ આપણે વિશાળ દિલ રાખીને તેના ઉપર ઉપકાર ભાવ રાખવો. પ્રેમ આપવો. તેનું અજ્ઞાાન દૂર થાય તેવી પ્રાર્થના કરવી.
સંવત્સરી પાવન પ્રસંગે દરેકના અંત:કરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વારંવાર વંદના કરીએ. ક્ષમા કરવાનો મારો ગુણ હમેશાં મારી સાથે રહે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


