Get The App

જે 'મારૂં' કહે છે, તે 'હું' નથી .

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
જે 'મારૂં' કહે છે, તે 'હું' નથી                                   . 1 - image

- સીતાજીએ જીદ કરી એ જીદ પૂરી કરવા ખુદ શ્રીરામ સુવર્ણમૃગ પાછળ દોડયા ! જે છે તે છોડીને જે નથી એવા સુવર્ણમૃગ પાછળ દોડયા ! આજના જમાનામાં સુવર્ણમૃગ એટલે પદ, પ્રતિષ્ઠા, ધન, લોભ કે ઈચ્છાપૂર્તિ કરવાનો તલસાટ

શ્રીમદભાગવતના છઠ્ઠા સ્કંધમાં ચિત્રકેતુ રાજાની કથા આવે છે. આ કથા શરીર અને આત્માના જુદાપણાનું સત્ય સ્પષ્ટ કરે છે. એકવાર ઋષિ અંગિરા રાજાને મળવા આવે છે. રાજા દુ:ખી છે, ઉદાસ છે. ઋષિ તેનું કારણ જાણી લે છે. તે તેમની સંતાન-ખોટ પૂરી કરવા યજ્ઞા-પૂજન કરેલો એક ચરુ રાજાને આપે છે. રાજાએ ચરુનો પ્રસાદ સૌથી મોટી રાણી કૃતધુનિને આપે છે. એ પ્રસાદના પ્રતાપે તેમને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થાય છે. આખા નગરમાં ઉત્સવ ઉજવાય છે. પુત્રનો જન્મ થતાં જ રાણી કૃતધુતિનું માન સન્માન વધી જાય છે. રાજા પુત્રને લાડ લડાવવા અને રાણીનું ધ્યાન રાખવા, તેમના સાન્નિધ્યમાં વધારે ને વધારે સમય વીતાવે છે. આ વાત બીજી રાણીઓને ખૂંચે છે. તેમને ઈર્ષા થાય છે. ઈર્ષા ધિક્કારમાં બદલાય છે. ધિક્કારરૂપી બુધ્ધિ બગડે છે. અને બુધ્ધિ બગડતાં જ રાણીઓ ના કરવા જેવું પાપ કરે છે. તે બાળ રાજકુમારને ઝેર પીવડાવે છે. ઝેરની અસરથી બાળક મૃત્યુ પામે છે. કૃતદ્યુતિ હૈયાફાટ રૂદન કરે છે. રાણીના ધ્રુસકાંથી આખો મહેલ શોકમગ્ન થઈ જાય છે. રસોઈ ઘરમાં ભોજન રંધાય છે પણ કોઈ જમતું નથી. આ વાતની ખબર પડતાં ઋષિ અંગિરા અને નારદમુનિ દંપતિને દિલાસો આપવા પધારે છે. ઋષિ કહે છે. (યથા પ્રપાન્તિ... કાલેન દેહિન-(૬/૧૫)) હે રાજન જેમ નદીના જળપ્રવાહને લીધે રેતીના કણો એકબીજાને મળે છે અને છૂટા પડે એમ સમયના પ્રવાહમાં માણસો એકબીજાને મળે છે અને છૂટા પડે છે. (વયં ચત્વં ચયે... મધુનાપિ ભો: (૬.૫) અમે, તમે અને આપણી સાથે આ જગતમાં જેટલા શરીરધારી જીવો છે તે બધા જ પોતાના જન્મ પહેલા નહોતાં અને મૃત્યુ પછી પણ નહિ હોય. દરેક યોનિમાં શરીર બદલાયા કરે છે. ''પણ ઋષિનું આ જ્ઞાાન રાજા રાણીને પચતું નથી. રૂદન અટકતું નથી. ચિત્રકેતુ ફસડાઈ પડે છે. ત્યારે ઋષિ અંગિરા તે મૃત બાળકના જીવાત્માને આહવાન કરી મંત્રશક્તિથી બોલાવે છે. અચાનક પ્રકાશપુંજ હવામાં લહેરાય છે. મૌન પથરાઈ જાય છે. સૌ એક નજરે જોયા કરે છે.'' હું મારા કર્મોના પરિણામ અનુસાર દેવ, મનુષ્ય, પશુ-પક્ષી, કીટક જેવી યોનિઓમાં જન્મ લઈ ભટકી રહ્યો છું. એ દરમ્યાન ભાઈ, ભાંડુ, મિત્ર, શત્રુ, સગા, વહાલાં, તરીકે સંબંધ બંધાતો રહે છે. કયા જનમમાં કયા માતા-પિતા મારા હતાં તે યાદ નથી. હું જીવાત્મા છું. (૬/૧૬/૪૫) આ સાંભળી રાજા અને રાણી આશ્ચર્ય પામે છે. જે સ્નેહબંધનની માયામાં તે પુત્ર વિરહથી રડી રડીને શોક ધારણા કરી રહ્યાં છે, તેને કશું જ યાદ નથી. પુત્રના શરીરરૂપે આવેલા જીવાત્માને અમારી સાથે કશો સંબંધ જ નથી!! ધીરે ધીરે તેમનો શોક ઓસરવા લાગે છે અને મૃત પુત્રના શરીરનો અગ્નિસંસ્કાર કરી મનથી મોહ મુક્ત થાય છે.

સામાન્ય રીતે એમ મનાય છે કે માણસ પાસે જે છે તેને ભોગવવામાં તેનું મન રચ્યું પચ્યું રહે છે. પણ આ વાત સંપૂર્ણ સાચી નથી. ખરેખર માણસ પાસે જે નથી તેની ઝંખનામાં તેનું મન અટકેલું રહે છે. જે મળેલું છે જે સાવ નજીક છે, જેનો તે માલિક છે તેમાંથી રસ ઓછો થઈ જાય છે અને જે નથી, થોડે દૂર છે તેને હાંસિલ કરવામાં તેનું મન ભટક્યા કરે છે. રામાયણ શ્રી રામની લીલાઓનો ગ્રંથ ભલે કહેવાય પણ તેના અમુક પ્રસંગો પ્રેરણાદાયક અને વિચારશીલ છે. શ્રીરામે સીતાજી ગુમાવ્યાં તેનું કારણ ફક્ત રાવણ નથી. રાવણે એકલી પડેલી સીતાનું અપહરણ કર્યું એ તો પછીની વાત છે. શું રામ જાણતા નહોતા કે સુવર્ણમૃગ જેવું કોઈ પ્રાણી હોતું નથી. શું સીતાજીને અયોધ્યામાં સુવર્ણની ખોટ હતી ? રામ અને સીતા તો વનવાસ દરમ્યાન બધી તૃષ્ણા છોડી વલ્કલ ધારણ કરીને સાદાઈથી રહેતા હતા. છતાં સીતાજીએ જીદ કરી એ જીદ પૂરી કરવા ખુદ શ્રીરામ સુવર્ણમૃગ પાછળ દોડયા ! જે છે તે છોડીને જે નથી એવા સુવર્ણમૃગ પાછળ દોડયા ! આજના જમાનામાં સુવર્ણમૃગ એટલે પદ, પ્રતિષ્ઠા, ધન, લોભ કે ઈચ્છાપૂર્તિ કરવાનો તલસાટ.

આપણા કાબૂમાં ના રહેતી દૈહિક લાલસા પ્રતિ જાગૃત થવાની જરૂર છે. બ્રહ્મવેતા ઋષિ યાજ્ઞાવલ્કયજીએ એક શાધક શિષ્યને કહ્યું હતું. જ્યાં સુધી આ શરીર માટે કંઈ પણ પ્રાપ્ત કરવાની જરૂરનો ભાવ હતો ત્યાં સુધી મન ભટકયા કરવાનું મનને શાંત કરવાની જરૂર છે. કારણ કે નિર્વિચાર મન જ આત્માને જાણવા તૈયાર થાય છે. જે આત્માને જાણી લે છે તે શરીરના સુખ દુ:ખ સાક્ષીભાવે જોઈને જીવે છે.

ઈ.સ. ૧૯૦૮માં કાશીનરેશ એપેન્ડિકસ ઓપરેશન વખતે કલોરોફોર્મ લેવાનો ઈન્કાર કર્યો હતો. જરાય હલનચલન કર્યા વગર ઓપરેશન થવા દીધું હતું. બાલગંગાધર તિલક પણ શરીરના એક ઓપરેશન વખતે શરીરને બેશુધ્ધ કરનારી દવા લીધા વગર ગીતા પાઠ કરતા રહ્યા હતા. રમણ મહર્ષિને પીઠનું કેન્સર હતું. જે ઘણું જ કષ્ટદાયક હોય છે. છતાં તે શાંત દેખાતા. દરેકને મળતા નિયમિત જીવન જીવતા. આ બધા સાધકોને શરીરની પીડાનો અનુભવ થતો નથી એવું નથી. થાય છે. પણ આત્મજ્ઞાાની શારીરિક પીડાથી વિચલિત થતા નથી. દરેક જણ એક જ વાત કહે છે, ''હું જાણું છું. આ શરીર મારૂં નથી, તો એની પીડા મારી કેવી રીતે હોઈ શકે?'' ઈ.સ. ૧૯૦૦ની સાલમાં સાનફ્રાંન્સિસકોમાં આપેલા એક પ્રવચનમાં વિવેકાનંદજીએ કહ્યું હતું ''મારા અનુભવો પરથી હું એટલું જાણું છું કે હું એક સાચો જીવાત્મા છું. જેનો કોઈ નાશ કરી શકશે નહિ. અને એક શારીરિક હું છું જે દરેક ક્ષણે બદલાતો રહે છે અને છેવટે નાશ પામવાનો છે.''

આપણે દેહ અને આત્મા વિષે આટલું જાણવાનું છે. જીવનના ત્રણ તળ છે. (૧) શરીર પર તંત્ર છે અને તે સ્વતંત્ર થઈ શકતું નથી. (૨) મન-પરતંત્ર છે પણ તે સ્વતંત્ર થઈ શકે છે. (૩) આત્મા સ્વતંત્ર છે પણ તે પરતંત્ર થવા માટે શક્તિશાળી નથી. હવે આત્મા જે સ્વતંત્ર છે, જેનો જન્મ કે મૃત્યુ થતું નથી તેને એ જ મન જાણી શકે છે. જે તૈયાર હોય, શક્તિશાળી હોય. જ્યારે મન જાગૃત હોય, તૈયાર હોય ત્યારે જ તે આત્મા તરફ દ્રષ્ટિ કરીને તેને સમજી શકે છે.

- સુરેન્દ્ર શાહ