'વિનમ્રતા' .
કુ રુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો સામસામે ગોઠવાઇ ગયા હતા. યુદ્ધ- આરંભ થવાના શંખનાદ પહેલાં યુધિષ્ઠિર રથમાંથી નીચે ઉતરી સામે પક્ષે જવા ચાલવા લાગ્યા. ચારેય પાંડવો અને કૃષ્ણ પણ તેમની પાછળ પાછળ ગયા. સૌ પ્રથમ યુધિષ્ઠિર ભીષ્મ સામે હાથ જોડી ઉભા રહ્યા અને વિનમ્રતાથી બોલ્યા. 'પિતામહ અમે ના છૂટકે તમારી સામે યુધ્ધ કરવા વિવશ થયા છીએ. તેથી આપ અમને યુદ્ધ કરવાની આજ્ઞાા આપો અને વડીલ તરીકે આશીર્વાદ આપો.' ભીષ્મને હાથ જોડી નતમસ્તક ઉભેલા યુધિષ્ઠિરની વિનમ્રતા સ્પર્શી ગઈ. તેમણે અનુમતિ આપી અને આશીર્વાદ પણ આપ્યા. એવી જ રીતે યુધિષ્ઠિરને ગુરૂ દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય અને મામા શલ્યના પણ શુભ આશીર્વાદ પ્રાપ્ત થયા.
જેની સામે યુદ્ધ કરવાનું છે તેની સામે હાથ જોડી ઊભા રહેવા જેટલી વિનમ્રતા રાખવી કેટલી અઘરી છે ? આ વિનમ્રતાને લીધે જ એ ચારેયના હૃદયમાં સહાનુભૂતિ ઉત્પન્ન થઈ અને યુદ્ધ કરવાની તીવ્રતા ઓછી થઈ ગઈ. કોઈ પણ યુદ્ધ માટે કોઈ પણ ઝઘડા માટે કે કોઈપણ સમાધાન માટે વિરોધીને મળવાનું થાય ત્યારે વિનમ્રતા જેવો ગુણ જો વ્યક્તિમાં હોય તો ગમે તેવી ગૂંચ ઉકેલવાનું આસાન થઈ જાય છે. વિનમ્રતા એક એવો ગુણ છે જે સામેની વ્યક્તિના દૂધ જેવા ઉભરાતા ગુસ્સાને ઠારી દે છે. જેમ કેટલાય ચોમાસામાં પલળ્યા પછી વૃક્ષમાં લીલાશ આવે છે તેમ જીવનના કેટલાય ઝંઝાવાતો સહન કર્યા પછી વ્યક્તિમાં વિનમ્રતા આવે છે. વિનમ્રતા રાતોરાત નથી આવતી. તેના માટે ઘરના સંસ્કારો જેવી ફળદ્રુપ જમીન, સારું- મિત્ર- મંડળ, જીવનમાં નક્કી કરેલુ શુભ ધ્યેય જેવું ખાતર અને મનની ભીતર શ્રધ્ધા ભરી કુમાશ જેવો ભીનો છંટકાવ જરૂરી છે.
પરાક્રમી નેપોલિયન એકવાર સાંકડી કેડીમાંથી પસાર થતો હતો. સામેથી એક વૃધ્ધા માથે સામાન લઈને આવી રહી હતી. તેની સાથેનો સૈનિક વૃધ્ધાને બાજુમાં હટવાનું કહે તે પહેલાં સેનાપતિ નેપોલિયન બાજુમાં ખસી ગયો અને વૃધ્ધાને રસ્તો કરી આપ્યો. વૃધ્ધ વ્યક્તિ અને માથે ભાર લઈ જતા માણસનો આદર કરવો એ પણ વિનમ્રતા છે. આવી વિનમ્રતા જ નેપોલિયન જેવા માણસને મહાન બનાવે છે. વિનમ્ર વ્યક્તિની નિરંતર ઉન્નતિ થાય છે અને તેનો યસ ફેલાતો રહે છે.
ઝયાં વાલ ઝયાં ં૧૯ વર્ષની સજા ભોગવીને જેલમાંથી છૂટે છે ત્યારે સૌ તેને તગેડી મૂકે છે. એક પાદરી પોતાના ઘરમાં તેને રૂપાની થાળીમાં જમાડે છે. પણ ઝયાં વાલ ઝયાં એ જ રૂપાની થાળી ચોરીને ભાગી જાય છે. પોલિસ પકડે છે. પાદરી પાસે લાવે છે. ' ફાધર આ ભાગતો માણસ અમને શકમંદ લાગ્યો છે. અમે તપાસ કરી છે. શું આ રૂપાની થાળી તમારી છે ? પાદરીએ એક સેકન્ડ ઝયાં વાલ સામે જોયું. પછી કહ્યું - ' જી, સાહેબ. થાળી તો મારી જ છે. પણ આ થાળી અને દીવી મેં તેને ભેટ આપી છે. થાળી તો લઈ ગયો પણ ઉતાવળમાં રૂપાની દીવી લેવાનું ભૂલી ગયો લાગે છે ! પાદરીની દિલ વલોળી નાખનારી આ વિનમ્રતાએ ઝયાં વાલ ઝયાંના અંતરને આરપાર વીંધી નાખ્યું. ત્યારબાદ પાદરીના સાન્નિધ્યમાં જ તે જીવનભર રહ્યો અને ભલાઈના કામ કરતો રહ્યો.
લીલાછમ્મ સદ્ગુણોની પીળી પડતી લીલાશને સજીવન કરવા આવા એકાદ વિનમ્ર માણસનો ઘટના-પ્રવેશ બીજાની જિંદગીનું રૂપ બદલી નાખે છે.
વિનમ્રતા એક એવું પેન્ડન્ટ છે જે મોતીની માફક પરોવાયેલાં બીજા સદ્ગુણોની માળાની કિંમત વધારીને વધુ શોભાયમાન બનાવી દે છે.
- સુરેન્દ્ર શાહ