Get The App

''જપ'' કેવી રીતે કરવા? જપનો લાભ ઉઠાઓ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
''જપ'' કેવી રીતે કરવા? જપનો લાભ ઉઠાઓ 1 - image

ચિત્તની રણભૂમિ પર ભલે એક દંગલ થઈ જાય. અને એક બાજુ વિકારો ને વિચારો મેદાનમાં ઊતરી પડે અને બીજી બાજુ 'જપ' મેદાનમાં ઝુકાવે, પછી ભલે એ બંને વચ્ચે જીવસટોસટનું યુદ્ધ જામી જાય. જોઈએ તો ખરા કે કોણ જીતે છે. વિકારો ગમે તેટલા બળવાન હોય તો પણ આખરે એમને જપ આગળ હારવું જ પડવાનું. ધીરજથી જપ કરતા રહો અને યુદ્ધને જોતા રહો.

શરૂઆતમાં પાંચ પચ્ચીસવાર વિકારો જીતતા લાગશે. પણ અંતે તો વિકારના પગ માટીનાં છે. જપનાં વજ્ર સામે માટીપગા વિકારોની કોઈ હેસિયત નથી. અંતે વિકારોને ભાંગીને ભૂક્કો થઈ જ જવું પડશે. તેથી શાંતિથી ને ખૂબ ધીરજથી જપ કરનાર માટે જપ સિવાય બીજુું કોઈ પરિણામ આવવાનું નથી. ત્રુટક ત્રુટક જપ થાય, નિયમોનું પુરું પાલન ન થાય, મનથી એકાગ્રતા ના રહે, વિકારો ઉભરાતા રહે, ભાવને શ્રદ્ધા વારંવાર ઢીલા પડયા રહે... બસ ? આટલું જ ને ? એમાં શું ?...થવા દો એ બધું.. ચાલવા દો એ બધું તમે તમારે મજબૂતીથી જપ પકડી રાખો. થાય ત્યારે, થાય એટલાં, થાય તેવી રીતે, પણ ચાલુ રાખો જપ. તેમાં કેટલી ઊણપો છે તે ના જુઓ, વિક્ષેપો કેટલા મોટા છે એની તરફ નજર પણ ના કરો. બસ એક જ કામ કરો. જપ ચાલુ રાખો. પેલો ફોટો પાડનારો છે તમે હસતું મોઢું રાખો. બીજું બધું હું સંભાળી લઈશ. એમ જયરામ પણ કહે છે, તું મને સતત સાથે રાખી, મારો સંગાથ ન છોડ. બસ બાકીનું હું સંભાળી લઈશ. પણ પેલું કહ્યું છેને કે, શિવો ભૂત્વા શિવં યજેત્.

શિવને ભજવા છે ? તો તું પહેલા તું પોતે શિવ બની જા પછી શિવને ભજ તેનું શું ? મન તો કંઈ જીવતે શિવ થવા દે તેમ નથી અને શિવ બન્યા વગર તો શિવે ભજવાનો અર્થ નહીં તો આનો શો રસ્તો ? આનું સમાધાન આ જ હોઈ શકે. શિવ થવું છે તેથી મનને ધીરે ધીરે શિવની વાતોમાં રસ લગાડી શિવના વિચારોમાં મનને રોકો અને શિવનું તેના ગુણોનું સતત ચિંતન કરતા રહો. ધીમે ધીમે કરતા મન વધુને વધુ શિવના વિચારોમાં રંગાતુ જશે. તેમ તેમ શિવભાવની વધુ નજીક જતા જશો. તરત શિવ ન બની જવાય તો હતાશ ન થવું. સાધના છોડી ન દેવી. અહીં સવાલ છે શક્તિનો. કોની શક્તિ વધુ... જપની કે દંભની ? જપ જેવું ઉત્તમ ને પૌષ્ટિક મિષ્ટાન્ન ખાવા છતાં એ ખાનારને તૃપ્તિ ન થાય અને તેની ઉન્નતિ ન થાય તો નિંદા તો જપની જ થવાની ને ? સૌ કહેશે જપ હાર્યો ને દંભ જીત્યો તો શું દંભ જપ કરતાંય બળવાન છે ? ન જ હોઈ શકે જપ આગળ દંભની હેસિયત શું ? દંભ જો ભૂલેચૂકે ય જપને હાથ લગાડે તો આખરે તો દંભે જ હારવું પડે. કાં તો જપને છોડવો પડે કાં જપની શક્તિ આગળ ઝૂકી જઈને દંભને ખતમ થવું પડે.

બિલકુલ જપ ન કરનાર કરતા દંભ સાથે જપ કરનારને એક આંગળ પણ ઊંચો ગણવો જ રહ્યો. એક આંગળની ઊંચાઈ જ એને ક્યારેય હિમાલયની ટોચે સ્થાપી દેશે. જપ પર વિશ્વાસ રાખો અને દંભ, શ્રદ્ધાનો અભાવ, પદ્ધતિનું અજ્ઞાાન વગેરનો ડર કાઢી નાખો. જપ પોતાનામાં જ એટલી તાકાત ધરાવે છે કે આવી નાની નાની કોઈ વસ્તુ એનો માર્ગ રોકી નહી શકે. જપ દરમિયાન મન અનેક વિચારો કર્યા કરે તેથી સંનિષ્ઠ સાધક ઘણો અકળાય છે. તેને લાગે છે કે મન આ રીતે ભટકતું રહે તો જપ નિરર્થક બની જાય. પણ એને બીજી રીતે જોવાથી એનું સાચું મૂલ્ય સમજાશે. જપ દરમ્યાન વિચારો આવે છે એમ માનવાને બદલે એમ માનો કે આવ્યા કરે છે તે દરમ્યાન જપ જપ તો થાય છે.

એમ જ લોકો એવો ડર રહે છે કે અપવિત્ર સ્થિતમાં તો જપ ન જ કરી શકાય. અને કોઈ કરે તો તેને અવશ્ય દોષ લાગે. સ્નાન કર્યું નથી. શરીરને કપડાં ખૂબ અસ્વચ્છ છે. આસપાસ અપવિત્ર વસ્તુઓ પડેલી છે. સ્ત્રીઓને માસિક અટકાવને કારણે અસ્વચ્છતા છે. આમા તો જપ ન જ કરાય ને ? કરાય અવશ્ય કરાય. સો ટકા કરાય. જપ છે પવિત્ર અગ્નિ અને આ બધી અશુદ્ધિઓનાં ઇંધણને બાળીને ભસ્મ કરી નાખશે. આગે વળી ઇંધનથી શા માટે ગભરાવું જોઈએ. સંસારભરની કોઈ પણ વસ્તુ, ક્રિયા કે વિચાર જપને અપવિત્ર કરવાની શક્તિ ધરાવતા નથી. નામ જપને કોઈ નિયમો નથી એવો અર્થ કોઈ ન લે. એ નિયમોના પાલનથી ઘણો ફાયદો થાય છે. તેમ છતાં જો કોઈ નિયમો પાળી શકે તેમ ન હોય તો માત્ર તેટલા કારણસર જ તેણે નામજપ કરવાનું ન છોડવું જોઈએ. જપને ગળી જાય એવી કોઈ અપાત્રતા, અશુદ્ધિ, અપવિત્રતા આ સંસારમાં હસ્તી ધરાવતી નથી.

- ચેતન. એસ. ત્રિવેદી