Get The App

સફળતા કઈ રીતે મળે ? .

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
સફળતા કઈ રીતે મળે ?                                       . 1 - image

એક ગામમાં સંત રહેતા. તેઓને શૈશવથી નૃત્યનો શોખ હતો. સમય જતા એવું બનવા લાગ્યું કે એ સંત જ્યારે જ્યારે ૫ણ નૃત્ય કરતા, ત્યારે ત્યારે આકાશમાંથી વરસાદ પડતો. ગામમાં જ્યારે વરસાદ ન પડે, અને ગામવાળાને જરૂર પડે, તો તેઓ સંત પાસે પહોંચી જતા. સંત પણ પરોપકાર વૃત્તિવાળા હતા. ગામના ઉપકાર માટે તેઓ નૃત્ય કરતા અને તેના નૃત્ય પછી ચોક્કસ પણે વરસાદ પડતો.

એક દિવસ શહેરમાંથી પાંચ યુવાનો આ ગામમાં આવ્યા. તેમને જ્યારે ખ્યાલ આવ્યોકે સંત પાસે એવી લબ્ધિ છે કે તેઓ નૃત્ય કરે ત્યારે વરસાદ પડે. આ વાત તેમનાં મગજમાં ના બેસી. સહજ વિચાર આવ્યો કે અમે શહેરવાળા કંઈ ના કરી શકીએ, અને આ ગામવાળા સંત નાંચે અને વરસાદ આવે!

બીજા દિવસે તેમણે એ ગામમાં જાહેરમાં પડકાર ફેંક્યો કે આ વિશેષતા માત્ર ગામના સંત પાસે જ નથી, અમારી પાસે પણ છે. આજે આપણે જોઈ લઈએ. અમે નૃત્ય કરીશું તો વરસાદ આવશે, અને સંત નૃત્ય કરશે તો નહીં જ આવે. 'ગામવાળા સંતને બોલાવી લાવ્યા. સંત તો સરળ હતા, તરત આવી ગયા.

જાહેરમાં પાંચેય મિત્રોમાંથી બે મિત્રોએ નૃત્ય કરવાનું શરૂ કર્યું. અડધો કલાક થયો, એક કલાક થયો, પણ હજી આકાશમાં વાદળ પણ બંધાયા ન હતા. બંને યુવાનો થાક્યા એટલે તે બંને પણ થાકી ગયા, તો પણ વાદળા ના બંધાયા. આખરે અંતિમ મિત્રએ નૃત્ય કરવાનું શરૂ કર્યું. તે પણ થાકીને બેસી ગયો, પણ વરસાદ ના પડયો.

હવે સંતનો વારો હતો. તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું. બે કલાક સુધી તેમણે નૃત્ય કર્યું, પણ વરસાદના કોઈ એંધાણ દેખાતા ન હતા, છતાં તેમણે નાંચવાનું ચાલું જ રાખ્યું. ફરી બે કલાક થયા. તોય સરસાદ ના પડયો. તો પણ સંતે પોતાનું નૃત્ય તો ચાલું જ રાખ્યું. સાંજ પછી રાત થવા આવી. સંત થાક્યા વિના નાચતા જ રહ્યા, આખરે છેક રાત્રે વાદળોની ગર્જના સંભળાઈ, અને ખરેખર વરસાદ વરસવા લાગ્યો. વરસાદ વરસતો જોઈ યુવાનો તો સ્તબ્ધ થઈ ગયા. સંતના ચરણોમાં પડી માફી માંગી. સંતે પણ ઉદારતાથી સૌ ઉપર પ્રેમ વરસાવ્યો.

સંત જતા હતા ત્યારે ફરી પાંચેય યુવાનોએ સંતને પૂછયું: 'મહાત્માજી! એક પ્રશ્નનો ઉત્તર આપો કે અમે નૃત્ય કર્યું ત્યારે વરસાદ ના વરસ્યો, અને આપે નૃત્ય કર્યું ત્યારે વરસાદ કેમ વરસ્યો ?'

સંતે કહ્યું : 'હું જ્યારે નૃત્યું કરું છું, ત્યારે ખાસ બે વાત ધ્યાનમાં રાખું છું.(૧) જો હું નૃત્ય કરીશ તો વરસાદ અવશ્ય આવશે જ, અને એનાથી પણ બીજી મહત્વની વાત આ છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે, ત્યાં સુધી હું નૃત્ય કરતો જ રહીશ.'

કોઈ પણ સફળ વ્યક્તિની આ વિશેષતા હોય છે કે તેને સફળ થવામાં પૂર્ણ વિશ્વાસ હોય છે, અને ત્યાં સુધી તે સાતત્ય પુર્ણ કામ કરે છે, જ્યાં સુધી તે સફળ ના થાય !

- રાજ સંઘવી