Get The App

જીંદગીમાં કેટલું કમાણા... રે, જરા સરવાળો માંડજો...

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જીંદગીમાં કેટલું કમાણા... રે, જરા સરવાળો માંડજો... 1 - image

- ભારત કથા મર્મ

- કુંતી! તમારા પુત્રોનું કાસળ કાઢવાના પ્રયાસોને મેં એક જીભે બહાલી આપી અને એજ ક્ષણે બીજી જીભે પુત્રોને મીઠાં શબ્દોમાં શાસ્ત્રીય ભાષામાં આશીર્વાદ પણ આપ્યા... 

મહાભારતમાં એક કુંતી-ધૃતરાષ્ટ્રનો સંવાદ છે 'મહારાજ ! આપણે બધાં આખરે તો માણસ જ છીએ. પરમાત્મા તેમને શાંતિ આપે.'

તરત જ ધૃતરાષ્ટ્ર બોલ્યા... કુંતી! બહારથી સારા શબ્દો બોલીને ભલા થવું ને અંદરથી દુષ્ટતાને પૂરેપૂરી બહાલી આપવી એ જ મેં જીવનભર કર્યું છે. કુંતી! તમારા પુત્રોનું કાસળ કાઢવાના પ્રયાસોને મેં એક જીભે બહાલી આપી અને એજ ક્ષણે બીજી જીભે પુત્રોને મીઠાં શબ્દોમાં શાસ્ત્રીય ભાષામાં આશીર્વાદ પણ આપ્યા... 'બેવડી જીભ, બેવડી આંખ અને બેવડું જીવન' આ ધૃતરાષ્ટ્રનો સાર.

કુંતી વળી બોલ્યા ઃ 'મહારાજ ! એ રીતે તો આપણે સૌ પ્રભુના ગુનેગાર છીએ.' શોધ્યું ય જડે નહિ. અને કોઈ વાર એવો કંઇ ભાસ થયો હોય તો તે મારા સંગથી. માણસ માત્ર થોડે અંશે એવડું - બેવડું જીવન જ જીવે છે. એ હું કબુલ કરૂં છું. પણ બિચારો માનવી ! એને આ બેવડા જીવનનું ભાન પણ નથી. પોતે જે બોલે છે. તેને પોતાના કાર્યો સાથે મેળ છે કે નહિં, પોતે જે કરે છે તેને પોતાનાં હૃદય સાથે મેળ છે કે નહિં, આ બધું જોવાનું સાધારણ માણસના ગજા ઉપરવટનું મને તો લાગે છે. તેથી જ માણસ દુઃખી થાય છે.

પણ કુંતી ! મારી વાત જરા જુદી છે. હું તો હસ્તિનાપુરનો મહારાજા. સાધારણ માણસ ન કરવાનું કરે તો સમાજમાં તેનાં પરિણામો બહુ મોટા ન આવે. પરંતુ હું સમાજની ટોચે બેઠેલો. એટલે મારા કૃત્યોનાં પરિણામે સમાજમાં બહુ મોટા ફેરફારો કરે, અને ઘણાંને એના પરિણામો વેઠવા પડે. ઉપરાંત માણસ પોતાનાં અજ્ઞાાનમાં આવું જીવન ગાળે તે ક્ષંતવ્ય ગણાય. મેં આંધળાએ તો ઉઘાડી આંખે આ ધંધો આદર્યો અને એવા જીવનનું નવું શાસ્ત્ર પણ નિપજાવી કાઢયું.

કુંતી, કુંતી ! અમને રાજ પુરુષો ને આવા બેવડા જીવનની રીતની તાલીમ આપવામાં આવે છે. દુનિયામાં રાજપુરુષ એટલે બેવડુ જીવન. ગરીબોને ચૂસવા અને તેને ચૂસતા ચૂસતા તેમના દેહ ઉપર મીઠા શબ્દોના જળ છાંટવા પારકાં હોય તે બધું લૂટી લેવું અને આવી લૂંટ કરતાં કરતા મનુષ્ય જાતિના કલ્યાણનાં આદર્શો રજુ કરવા. રોજના જીવનમા ભોગવિલાસ ને ઉચ્ચ અને સંસ્કારી જીવનને નામે સ્થાન આપવું. અંતરમાં વાઢી નાખવાનો ઇરાદો હોય તે વખતે પણ મોઢામાં સ્વાગતનાં ભાષણો રાખવા. આ સર્વ રાજ પુરુષની તાલીમ ગણાય છે અને આવી બાબતમાં હોંશિયાર હોય તેનું સિંહાસન રાજસભામાં પહેલું પડે છે. કુંતી! દેવી ગંધારી! હું આવો રાજપુરુષ થયો એટલે જ આજે આ પથારીમાં પડયો પડયો પાંસળા ઘસું છું ! રાજપુરુષ થવું એટલે ધોળા દિવસોનાં લુટારાં થવું. રાજ પુરુષ થવું એટલે પ્રભુને હૃદયમાંથી હાંકી કાઢવો અને ત્યાં એક જબ્બર તાળું મારવું, રખે આ ફરી પાછો પેસી જાય...! કુંતી ! આ ધૃતરાષ્ટે્ર આખી જીંદગી આવા જ ધંધામાં ગાળી છે એ આજે તમારી પાસે ખુલ્લેખુલ્લુ કહી દઉં છું અને હું એમ કહું છું ત્યારે હૃદયનો ભાર થોડો હલકો થતો હોય એમ અનુભવું છું.

કુંતી બોલ્યા... મહારાજ ! આપના હૃદયનો ભાર ઓછો થાય એ જ હું ઇચ્છું છું.

ધૃતરાષ્ટ્ર બોલ્યા... કુંતી ! દ્રૌપદીને લઇને તમે સૌ હસ્તિનાપુરમાં આવ્યા તે દિવસથી મારી અસ્વસ્થતા વધી ગઈ. હા કોઈવાર મારો વિદૂર મારી પાસે અને ધર્મશાસ્ત્રની વાતો કરે ત્યારે ઘડીભર હું બદલાઈ જાઉં અને તમારા સૌના પ્રત્યે મમતા આવી જાય પણ એ તો વિદુર હોય ત્યાં સુધી. વિદુર ન હોય અને દુર્યોધન આવે કે હું બીજો જ ધૃતરાષ્ટ્ર જોઈ લો ગાંધારી ! તમારી આટલી જબ્બર પવિત્રતા મારી પડખે હતી છતા હું ધૃતરાષ્ટ્ર દુર્યોધનને જોઇને જ તેને શરણે થઇ જાઉં. અને બદલાઈ જાઉં.

જુગાર રમ્યા પછી મારો પુત્ર દુર્યોધન જુગારમાં જીત્યો હેં? ના.. ના... હાર્યો... કુંતી! તમારા પુત્રો જુગારમાં હાર્યા? ના.. એ તો જીત્યા. 'જગતમાં કેટલીક જીત હાર કરતાય બુરી હોય છે... અને કેટલીક હાર જીત કરતાય વધારે તેજસ્વી હોય છે. મારા પુત્ર દુર્યોધન યુધિષ્ઠિરની લક્ષ્મી જીત્યો, તેનું રાજ્ય જીત્યો તેના દાસ-દાસીઓને જીત્યો તેના ભાઈઓને  જીત્યો, સતી દ્રૌપદી ને જીત્યો પણ આ બધાં ને મેળવવામાં ખુદ માણસાઈ ને જ હારી બેઠો. મેં મારી દીકરી જેવી દ્રૌપદીની લાજ ભરસભામાં લૂંટાવા દીધી એ આજે સંભારું છું ત્યારે મને જાત ઉપર તિરસ્કાર થાય છે અને એ મહાપાપમાંથી હું કયે ભવે છૂટીશ તેના વિચાર કરતા મગજ થાકી જાય છે.

સંજય ! દુર્યોધને આ જુગાર માંડયો ન હોત તો આજે કૌરવો બધા જીવતા હોત અને હસ્તિનાપુરમાં મહાલતા હોત. જુગાર માંડયો છતાંયે હોડ ન મુકી હોત તો યુધિષ્ઠિરને પડખે એ સૌ ભાઈઓ વધારે દીપી નીકળત. હોડ તો મુકી પણ દ્રૌપદીને ન મુકી હોત તો આજે પાંડવો અને કૌરવો એકઠા મળીને આખા ભારત વર્ષને ધ્રુજાવતા હોત. અરે દ્રૌપદી ને મુકી તો મુકી પણ મારા દુઃશાસને તેના ચીર ન ખેંચ્યા હોત તો ખૂબ જ સારૂં હતું. મેં વળી એવો પણ વિચાર કર્યો કે રખે ને દ્રૌપદી જોગમાયા નો અવતાર છે. મારા પુત્રોને શાપ દેશે ? એટલે બીકમાંને બીકમાં દ્રૌપદીને દોડી જઈ લઇને મારા ખોળામા બેસાડી અને તેને રાજી કરવા માટે તેને અને પાંડવોને દાસત્વમાંથી છૂટા કર્યા.

આવું બધું જોઇને... પાંડવોનો બાર વરસનો વનવાસ જોઇને તેને યાદ કરતા મારી ઉંઘ ગુમાવી છે. અને હું હવે તે ક્યારે પાછી મેળવીશ...? તેં કહી શક્તો નથી. કૃષ્ણ પાંડવોના વનવાસ પછી દુર્યોધન સાથે વિષ્ટિ કરવા આવ્યા... જે નિષ્ફળ ગઈ. કુંતી ! શ્રી કૃષ્ણ આવ્યા અને ગયા એક હાથમાં સંધિ અને બીજા હાથમાં યુદ્ધ હતું. તેમણે સંધીવાળો હાથ મારી સામે ધર્યો, પરંતુ હું આંધળો એ હાથને પકડી ન શક્યો. ખરેખર સત્તા જાતે જ બુરી ચીજ છે. માણસને શક્તિ આવે સાથે તેને પચાવવાની શક્તિ પણ કેળવવી જોઈએ દુર્યોધન સત્તા તેના મદમાં પચાવી ન શક્યો જેના પરિણામે મહાભારતનું યુદ્ધ મંડાણું.

જગતનાં બધાં છાંયા તડકા મેં જોઈ લીધા છે. હવે કશી ભૂખ કે તૃષ્ણા રહી નથી. રહ્યો છે માત્ર જે થઇ ગયં  તેનો અફસોસ. આમ વાત કરે છે ત્યાં તો ગરમ પવન જોરથી ફુંકાવા લાગ્યો. અને દાવાનળના કડાકા ભડાકા સંભળાવા લાગ્યા.

ધૃતરાષ્ટ્રે કહ્યું 'અગ્નિદેવ ! પધારો...પધારો આજે મારા અહો ભાગ્ય છે. મારા જેવા પાપીને બાળવા આવ્યા અને ગાંધારી, કુંતી અને ધૃતરાષ્ટ્રનાં દેહો તે દાવાનળમાં બળીને ખાખ થઇ ગયા. (મહાભારતના પાત્રોમાંથી)

સાર - દુનિયાની પંડિતાઈ, જ્ઞાાન, સમજણ, સંસ્કૃતિ સર્વનો એજ આ સાર છે. 'ધર્મબુધ્ધિ'. એજ સૌથી મોટી વસ્તુ છે અને એવી ધર્મબુધ્ધિ કેળવવી એજ જીવનનું પરમસાર્થક્ય છે. દુનિયાના તમામ શાસ્ત્રોના સાર આ જ છે.

- ડો. ઉમાકાંત જે. જોષી