શ્રી અરવિંદ (પૌંડિચેરી)નું એક વિધાન છે : ''ઘણા લોકો સામર્થ્ય કે ધન માટે મહેનત કરે છે, થોડા જ લોકો ગરીબીને નવોઢા તરીકે સ્વીકારે છે. પરંતુ તમારે માટે અગત્યનું એ છે કે મહેનત કરો અને ફક્ત પ્રભુને વળગી રહો. તેને તમારા માટે રાજાનો મહેલ કે (અથવા) ભિખારીનો કંટોરો પસંદ કરવા દો.''
આ ઉક્તિ પ્રભુની સર્વોપરિતા સૂચવે છે. જો પ્રભુની (ઈચ્છા) નહિ હોય તો તમારી ગમે તેટલી મહેનત કે સામર્થ્ય ત્યાં જ ધર્યા રહી જાય છે અને કોઈ અજાણ્યો જણ આખાયે સામ્રાજ્યનો માલિક બની બેસે છે. આ માટે જરૂરી છે મહેનત સાથે પ્રભુ-સ્મરણ અને પ્રભુ-આશ્રયની બદલો કે ફળ આપનાર એક શ્રી હરિ જ છે. એટલે જ શ્રી અરવિંદ કહે છે, 'તેને તમારે માટે રાજાનો મહેલ અથવા ભિખારીનો કટોરો પસંદ કરવો દો.' તમારો આશ્રય દ્રઢ હશે તો પ્રતિકુળ ભાગ્ય પણ અનુકુળ થઈ જશે. 'થોડા જ લોકો ગરીબીને નવોઢા તરીકે સ્વીકારે છે.' અર્થાત્ નવી આવેલ વહુના હાથમાં કોઈ સત્તા કે તિજોરીનું ધન નથી કે ગયું. તેણે તો મહેનત કરીને પણ ગરીબ જ રહેવાનું છે. એ મજુરી, મહેનતમાં પણ જે નિષ્ઠા અને પ્રભુ-સ્મરણને વળગી રહે છે તેને ક્યારેક તો ઈશ્વરકૃપાનો અનુભવ થવાનો જ છે!
- તુષાર દેસાઈ


