ભગવાન પ્રત્યેના લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ
- હિંડોળા ઉત્સવ તા.૪ જુલાઈ થી ૧ સપ્ટેમ્બર સુધી
હિંડોળા ઉત્સવ એટલે ભગવાનના ભક્તો માટે ભગવવાની સમીપે જઈને પોતાના મનમાં રહેલા સર્વ લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ. હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભગવાનમાં પ્રેમ વધે છે અને તેમની સર્વ પ્રકારની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે. પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો હર્ષોલ્લાસનો આ એક ઉત્સવ છે અને એટલા માટે જ હિંડોળાનું પર્વ એ આપણા હિંદુ ધર્મમાં સર્વ સ્વીકાર્ય બન્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક-દરેકે મંદિરોમાં ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાય છે.
મંદિરો આપણા સૌના જીવનમાં ઉત્કર્ષ માટે છે. મંદિરોના ઉત્સવ, સમૈયા આપણને આનંદ-શક્તિ અને સેવામાં રસતરબોળ કરી દે છે. શ્રીજીમહારાજે શહેરો-શહેર અને ગામો-ગામ મંદિરો એટલા માટે જ બાંધ્યાં છે. સાથે-સાથે ઉત્સવ સમૈયાથી તે સદાને માટે ધમધમતાં રહે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. ચાતુર્માસના અષાઢ-શ્રાવણ માસમાં ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા-પોઢાડવા અને એમને ઝુલાવવા.
અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ-બીજ સુધી હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અધિક શ્રાવણ માસ આવતો હોવાથી ભગવાને બે મહિના સુધી હિંડોળામાં ઝુલાવવામાં આવશે. ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ગાય છે. સંતો ભક્તો મૃદંગ અને મંજીરા વગાડે છે એટલે સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. મંદિરમાં હિંડોળા ઉત્સવમાં જનારના સંકલ્પો શમી જાય છે.
આપણે ઠાકોરજીને અષાઢ-શ્રાવણ માસ દરમ્યાન હિંડોળામાં ઝુલાવીને ઉત્સવ ઉજવીએ છીએ. પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે આજથી બે સદી પહેલા વિચરણ કરતાં હતા ત્યારે પણ ભક્તોએ તેમને પ્રેમના હિંડોળે ઝુલાવ્યા છે. આજે પણ એ દિવ્ય લીલા ગ્રંથોમાં અંકિત થયેલી છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ