- (ભગવાન શ્રીકૃષ્ણ)
- અંતકાળમાં સ્મરણનું તાત્પર્ય એ છે કે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, શક્તિ, ગણેશ, સૂર્ય, સર્વવ્યાપક વિશ્વરૂપ પરમાત્મા વગેરેમાંથી જે સ્વરૂપને ઇષ્ટ ગણ્યું હોય તે સ્વરૂપના નામ, રૂપ, લીલા, ધામ, ગુણ, પ્રભાવની યાદ કરતા શરીરને છોડીને જવાથી તે ભગવાનને જ પ્રાપ્ત થાય છે
હું હિંદુ છું, હું બ્રાહ્મણ છું, હું સાધુ છું ની માન્યતાઓ આપણી એટલી દ્રઢ હોય છે. એ માન્યતાઓને આપણે છોડતા નથી ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકતા નથી. 'હું શરીર છું', 'હું કર્તા છું.' હું ભગવાનનો અંશ છું એવી સત્ય વાસ્તવિકતા જ્યારે દ્રઢ થઈ જાય છે ત્યારે શિવોહમનાં ભાવ ઉત્પન્ન થાય છે
શ્રીમદ્ ભગવત્ ગીતા એ ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલું એક એવું શાસ્ત્ર છે કે આપણને જીવતા તો શીખવાડે છે અને મરતા પણ શીખવાડે છે. શ્રીકૃષ્ણનો આપણા સહુ ઉપર એવો બધો પ્રેમ છે કે આપણે જીવનને ગમે તેમ વેડફી નાખીએ તો પણ એવું આશ્વાસન આપે છે કે જો મૃત્યુ સમયે પણ તેનું સ્મરણ માત્ર કરીએ... અને જીવનભર તેને ભૂલી જઈએ તો પણ તે આપણને અપનાવી લેવા તૈયાર છે. આ સાક્ષાત્ ભગવાનના શ્રીમુખથી નીકળેલી પરમ રહસ્યમય અને આપણને તેના પ્રત્યે શ્રદ્ધા અને અહોભાવ ભરેલી આશ્વાસનયુક્ત દેનારી દિવ્ય વાણી છે. માનવજાતનો ઉદ્ધાર કરનાર ગ્રંથ છે. તેમાં કોઈ મત (સમ્પ્રદાય)નો આગ્રહ નથી. માત્ર જીવના કલ્યાણનો જ આગ્રહ છે. મતભેદ ગીતામાં નથી.
ગીતા કોઈ વાદને લઈને નથી ચાલતી. તેનું પરમ લક્ષ્ય એ છે કે મનુષ્ય કોઈ વાદ, મત કે સિદ્ધાંતોને માનનારો કેમ ન હોય પ્રત્યેક પરિસ્થિતિમાં તેના કલ્યાણનો જ આશય સમાયેલો છે.
જેમ રમતના પદાર્થો કેવળ રમતને માટે જ હોય છે. કોઈના વ્યક્તિગત નથી હોતા પરંતુ એ જીવો રમત રમવાનું ભૂલી ગયા અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને રમતના પદાર્થોને અર્થાત્ શરીર વગેરેને વ્યક્તિગત માનવા લાગી ગયા. આથી એ પદાર્થોમાં ફસાઈ જઈએ છીએ અને તે ભગવાનથી સર્વથા વિમુખ થઈ જઈએ છીએ. હવે જો આપણે શરીર વગેરે-વિનાશશીલ પદાર્થોથી વિમૂખ થઈને ભગવાનની સન્મૂખ થઈ જઈએ તો જન્મ-મરણના મહાન દુ:ખથી સદાયને માટે છૂટી જઈએ. ભગવાનની સાથેના આપણા નિત્યયોગ કે નિત્યસંબંધને આપણે તેની કૃપાથી ઓળખી લઈએ તે માટે જ ભગવત્ ગીતાનો આવિર્ભાવ થયો હોય તેવું પ્રતિત થાય છે.
વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માથી વિયોગ કે આપણી જુદાઈ કદી થઈ જ નથી અને તે સંભવ પણ નથી. પરંતુ કેવળ સંસાર સાથે માનેલા સંયોગને કારણે પરમાત્માથી વિયોગની પ્રતીતિ થાય છે.
હું હિંદુ છું, હું બ્રાહ્મણ છું, હું સાધુ છું વગેરેની માન્યતાઓ આપણી એટલી દ્રઢ હોય છે કે જ્યાં સુધી એ માન્યતાઓને આપણે છોડતા નથી ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકતા નથી. એવી જ રીતે 'હું શરીર છું', 'હું કર્તા છું.' હું ભગવાનનો અંશ છું કેવળ આત્મા છું એવી સત્ય વાસ્તવિકતા જ્યારે દ્રઢ થઈ જાય છે ત્યારે...
शिवोडम् નાં ભાવ ઉત્પન્ન થાય છે.
છતાંય મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે તેવું આપણા માટે ઇશ્વર પણ માને છે. કે મારો જે બનાવેલો મનુષ્ય મને જ ભૂલી ગયાં ? એથી જ ગીતાના આઠમા અધ્યાયમાં તેણે જ સ્વમુખે કહ્યું છે કે,
अन्तकाले च मावेव स्मरन्मुक्त्वा कलेवरण ।
यः प्रयाति सः महयावं याति नारत्यत्र संशयः ।।
(ગીતાજી અ. ૮/૫)
'જે માણસ અંતકાળે મને સ્મરતો-સ્મરતો શરીર છોડીને જાય છે, એ મારા શાક્ષાત્ સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી.'
મને પામીને દુ:ખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને તે નથી પામતો. હે કુન્તી પુત્ર માણસ અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીર છોડે છે તેને તેને તે જ પામે છે. કેમકે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે.
(ગીતાજી)
ભગવાનની ઉપર્યુક્ત છુટનો મનુષ્ય માત્ર એ લાભ લેવો જોઈએ. ક્યાંક કોઈ પણ વ્યાધિગ્રસ્ત મરણ સમિત વ્યક્તિ તો તેના ઇષ્ટ દેવનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવા જોઈએ. જેથી તેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેવી રુચિ હોય. જેનો એ જપ કરતો હોય. એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઈએ. જે સ્વરૂપમાં કે દેવમાં તેની શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તેની તેને યાદ અપાવવી જોઈએ. જો એ બેહોશ કે બેભાન થઈ જાય તો તેની પાસે ભગવાનના નામનું કિર્તન કરવું જોઈએ. ભગવત ગીતાના શ્લોક સંભળાવવા જોઈએ. જેથી મરણોન્મુખ વ્યક્તિની સામે ભગવત્ સંબંધી વાયુમંડળ બનેલું રહે. ભગવત્ સંબંધી વાયુમંડળ રહેવાથી ત્યાં યમરાજાના દૂત નથી આવી શકતા. અજામિલ દ્વારા મૃત્યુ સમયે 'નારાયણ' નામનું ઉચ્ચારણ કર્યા કરવાથી ત્યાં જ ભગવાનના પાર્ષદો આવી ગયા અને યમદૂતો નાસીને યમરાજની પાસે ચાલ્યા ગયા. તો યમરાજે પોતાના દૂતોને કહ્યું કે 'જ્યાં ભગવાનના નામનું જપ કીર્તન, કથા વગેરે થાય છે. ત્યાં તમે લોકો કદી જશો નહીં, કેમકે ત્યાં આપણું રાજ્ય નથી. એવું કહીને યમરાજે ભગવાનનું સ્મરણ કરીને ભગવાનની પાસે ક્ષમા માગી કે 'મારા દૂતો દ્વારા જે અપરાધ થયો છે તેને આપ ક્ષમા કરો.'
(શ્રીમદ્ ભાગ. ૬/૩/૨૬)
અંતકાળમાં સ્મરણનું તાત્પર્ય એ છે કે તેણે ભગવાનનું જે સ્વરૂપ છે તે માની રાખ્યું છે, તેની યાદ આવી જાય અર્થાત્ તેણે પહેલા રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, શક્તિ, ગણેશ, સૂર્ય, સર્વવ્યાપક વિશ્વરૂપ પરમાત્મા વગેરેમાંથી જે સ્વરૂપને ઇષ્ટ ગણ્યું હોય તે સ્વરૂપના નામ, રૂપ, લીલા, ધામ, ગુણ, પ્રભાવ વગેરેની યાદ આવી જાય. તેની યાદ કરતા શરીરને છોડીને જવાથી તે ભગવાનને જ પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાનની યાદ આવવાથી 'હું'શરીર છું અને શરીર 'મારું' છે. તેની યાદ નથી રહેતી. કેવળ ભગવાનને જ યાદ કરતા શરીર છૂટી જાય છે. એટલે માટે તેને માટે ભગવાનને પ્રાપ્ત થયા સિવાય બીજી કોઈ ગતિજ નથી.
* શંકા :- અહીં શંકા એ થાય છે કે જે વ્યક્તિએ જીવનભર ભજન-સ્મરણ ના કર્યું, કોઈ સાધના ના કર્યું અને સર્વથા ભગવાનથી વિમૂખ રહ્યા તેને અંતકાળે ભગવાનનું સ્મરણ કેવી રીતે થશે ? એનું સમાધન એ છે કે અંત સમયે તેના ઉપર ભગવાનની કોઈ વિશેષ કૃપા થઈ જાય. અથવા તેને કોઈ સંત કે સાધુ પુરુષનાં દર્શન થઈ જાય તો તેને ભગવાનનું સ્મરણ થઈને તેનું કલ્યાણ થઈ જાય છે. તેના સ્મરણ માટે કે કલ્યાણ માટે કોઈ સાધક તેને ભગવાનનું નામ, લીલા કે ચરિત્ર સંભળાવે કે પદ ગાય તો ભગવાનનું તેને સ્મરણ થવાથી તેનું કલ્યાણ થઈ જાય છે. જો મરણમુખે પડેલ વ્યક્તિની ગીતામાં રુચિ હોય તો તેને ગીતાનો આઠમો અધ્યાય સંભળાવવો જોઈએ. કેમકે આ આઠમા 'અક્ષરબ્રહ્મયોગ' નામના અધ્યાયમાં જીવની ગતિ-સદ્ગતિનું વિશેષતાથી વર્ણન આપ્યું છે. તેને સાંભળવાથી એને ભગવાનની સ્મૃતિ થઈ જાય છે. કારણ કે વાસ્તવમાં તે પરમાત્માનો જ અંશ હોવાથી તેનો પરમાત્માની સાથે આપમેળે સંબંધ તો છે જ. જો અયોધ્યા, મથુરા, હરિદ્વાર,કાશી વગેરે કોઈ તીર્થ સ્થળ તેના પ્રાણ છૂટી જાય તો તે તીર્થના પ્રભાવથી તેને ભગવાનની સ્મૃતિ થઈ જશે.
अयोध्या मथुरा माया काशी कांची अवन्तिका ।
पुरी द्वारावती चैव सप्तैता मोक्षं दायिकां ।।
(નારદ પુરાણ, પૂર્વ ૨૭/૩૫)
महापातकयुक्ता... पुण्यात्मा स प्रयाति परांगतिम् ।।
એવી જ રીતે જે જગ્યાએ ભગવાનના નામનાં જપ કીર્તન, કથા, સત્સંગ વગેરે થાય છે તે જગ્યાએ તેનું મૃત્યુ થઈ જાય તો ત્યાં પણ પવિત્ર વાયુમંડળના પ્રભાવથી તેને ભગવાનની સ્મૃતિ થઈ જશે. અંતકાળમાં કોઈ ભયભીતવાળી ભયંકર સ્થિતિ આવવાથી ભયભીત થતા પણ ભગવાનની યાદ આવી શકે છે.
શરીર છૂટતી વેળા એ શરીર, કુટુંબ, રૂપિયા વગેરેની આશા-મમતા છૂટી જાય અને એ ભાવ થઈ જાય કે 'હે નાથ ! કેવળ આપ જ મારા છો. આપના વિના મારું કોઈ નથી.' એવી ભગવાનની સ્મૃતિ થવાથી કલ્યાણ થઈ જાય છે. એવી જ રીતે કોઈ કારણથી અચાનક પોતાના કલ્યાણનો ભાવ થઈ જાય તો પણ કલ્યાણ થઈ શકે છે. (નારદ પુરાણ)
એવી જ રીતે સાધક કોઈ પ્રાણી કે જીવજંતુના મૃત્યુ સમયે 'તેનું કલ્યાણ થઈ જાય' એ ભાવથી તેને ભગવત્ નામ સંભળાવે, તો એ ભગવાનના નામથી તે પ્રાણીનું તેના, પ્રભાવથી પણ કલ્યાણ થઈ જાય છે. શાસ્ત્રોમાંથી સંત પુરુષોના પ્રભાવથી વિચિત્ર વાતો આવે છે કે જો કોઈ સંત મહાપુરુષ કોઈ મરણોન્મુખ વ્યક્તિને જોઈ તે અથવા તેના મૃતદેહને જોઈ લે અથવા તેની ચિતાના ધુમાડાને જોઈ લે અથવા ચિતાની ભસ્મને જોઈ લે તો પણ એ જીવનું કલ્યાણ થઈ જાય છે.
यदि पश्यति पुण्यात्मा
स प्रयाति परा गतिम् ।।
(નારદપુરાણ પૂર્વ ૧/૭/૨૪)
સારાંશ : જે મનુષ્ય શરીર રહે ત્યાં સુધીમાં પોતાનો ઉદ્ધાર ન કરી શક્યો હોય, પરંતુ તે જો અંત સમયે પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા શરીર છોડે તો તે ભગવાનને જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા નથી. ભગવાને મનુષ્યને પોતાનો ઉદ્ધાર કરવાની ખૂબ જ સ્વતંત્રતા એટલા માટે આપી છે કે કોઈ પણ રીતે તેનું કલ્યાણ થઈ જાય. આ ભગવાનની મનુષ્ય ઉપરની અતિ વિશેષ કૃપા છે.
ભગવાન આપણા ખરા પિતા છે તેને વારંવાર આપણા સહુના પ્રણામ છે.
- ડો. ઉમાકાંત જે. જોષી


