Get The App

સ્વપ્રશંસામાં રમે નહિ તે છે સજ્જન... .

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સ્વપ્રશંસામાં રમે નહિ તે છે સજ્જન...                             . 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

અઢાર દિવસ પર્યંત જારી રહેલા મહાભારતના ભીષણ સંગ્રામ દરમિયાન જે વિભિન્ન ઘટનાઓ સર્જાઈ, તેમાં એક વિચિત્ર ઘટના એવી બની કે જેમાં જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરે અર્જુનના અત્યંત પ્રિય ગાંડીવ ધનુષની ટીકા કરી. બીજી તરફ અર્જુનને પ્રતિજ્ઞા હતી કે 'હવે ગાંડીવનો તિરસ્કાર સંયોગવશ તેમના જ આદરણીય વડીલબંધુએ કર્યો હતો. તેથી પિતૃતુલ્ય મોટાભાઈને તો કંઈ રીતે મૃત્યુદંડ અપાય? તેની મૂંઝવણમાં અર્જુનનું મન મુકાયું હતું, તો બીજી તરફ કોઈપણ ભોગે પોતાની પ્રતિજ્ઞાને અખંડ રાખવા માટે પણ તેઓ સંકલ્પબદ્ધ હતા. કૃષ્ણમહારાજાને આ વાતની ખબર પડતાં તેઓ અર્જુનની વહારે આવ્યા અને કહ્યું : ''અર્જુન ! પિતા સમાન મોટાભાઈને મારી ન શકાય. પણ કોઈ વ્યક્તિનો અત્યંત તિરસ્કાર કરવો - નિંદા કરવી એ પણ એક પ્રકારે તેનું મૃત્યુ જ ગણાય. તું આવા અશસ્ત્રવઘનો માર્ગ અપનાવી તારી પ્રતિજ્ઞા અખંડ રાખ.'' શ્રીકૃષ્ણની વાત સ્વીકારી અર્જુને યુધિષ્ઠિર પાસે જઈને તેમને ભરપૂર અપશબ્દો સંભળાવ્યા. પણ આ બનાવથી યુધિષ્ઠિરની સાથે અર્જુનનું હ્ય્દય પણ અત્યંત વ્યથિત થઈ ગયું. ''વડિલબંધુ માટે આવા તિરસ્કારપૂર્ણ અપશબ્દો ઉચ્ચારનાર મારા માટે હવે મૃત્યુ જ યોગ્ય ગણાય.'' આ વિચાર અર્જુનને પળેપળ પજવી રહ્યો. આ સમયે શ્રીકૃષ્ણ ફરીવાર તેની મદદે આવ્યા અને કહ્યું : ''અર્જુન! દરેક પ્રસંગે શસ્ત્ર દ્વારા જ મોતને વહાલું કરવું ઉચિત નથી હોતું. મહાભારતના આ યુદ્ધને જીતવા માટે તારું જીવતા હોવું જરૂરી છે. પરંતુ સ્વયંની ભરપૂર પ્રશંસા કરવી એ એક પ્રકારની આત્મહત્યા જ છે. તું આ માર્ગ અપનાવીને તારા મનની વ્યથા દૂર કર.'' અર્જુને કૃષ્ણની વાતનો નતમસ્તકે સ્વીકાર કર્યો. કૃષ્ણની કુનેહથી મહાભારતના એ સંગ્રામ દરમિયાન બે મહાન યોદ્ધાઓનો વિનાશ થતો અટકી ગયો.

સ્વપ્રશંસા આપણા જીવન માટે કેવી નુકસાનકારક છે તેનો પાઠ પ્રસ્તુત પ્રસંગમાંથી સ્પષ્ટ રીતે શીખવા મળે છે, એટલે જ પ્રાચીન જૈનાચાર્ય સોમપ્રભસૂરીશ્વરજી મહારાજે 'સિંદૂરપ્રકરણ ગ્રંથમાં' સજ્જન વ્યક્તિ તેને કહેવાય કે, જે ક્યારેય પોતાની પ્રશંસા કરવા માટે ઉત્સુક ન હોય. તેનું જીવન ભલે ને ગમે તેટલું ઉત્તમ હોય - સુકૃતો ભલે ને તેના હાથે અઢળક થતા હોય, ભલે ને ચારેકોર તેનાં નામનો ડંકો વાગતો હોય... છતાં ય સ્વપ્રશંસાથી સજ્જન વ્યક્તિ હંમેશા બાર ગાઉ છેટી જ રહે. સ્વપ્રશંસાથી જો આ રીતે વ્યક્તિ વેગળી ન રહે તો તેનાં જીવનમાં ત્રણ નુકસાનો થાય છે : (૧) શરમ છોડયા વિના સ્વયંની પ્રશંસા થઈ શકતી નથી. તેથી પોતાનાં મુખે પોતાના ગુણો ગાનાર વ્યક્તિ નિર્લજ્જ બની જાય છે. (૨) જે વ્યક્તિ પોતાની પ્રશંસામાંથી ઊંચી ન આવે તેને સ્વાભાવિકપણે જ પોતાનામાં કોઈ ઊણપ દેખાય નહિ. તેથી આવી વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે. (૩) સ્વપ્રશંસા કરનારનાં મનમાં સહજતાથી જ એવા વિચારો આવ્યા કરે છે, કે બીજાઓએ પણ મારી પ્રશંસા કરવી જોઈએ. તેથી આવી વ્યક્તિની માનાકાંક્ષા વધી જાય છે. સ્વપ્રશંસાના આવા તો ત્રણ નહિ અનેક નુકસાનો છે.

આવો, સજ્જન બનવા માટે આપણે મનને સમજણસજ્જ બનાવીને સ્વપ્રશંસાથી મુક્ત રહેવાનો સંકલ્પ કરીએ અને છેલ્લે યાદ રાખીએ આ વાત કે, 'સમજણ ન હોય તો સ્વપ્રશંસામાં રમવાનું મન થાય, સમજણ હોય તો સ્વપ્રશંસાથી ભાગવાનું મન થાય...'