सुखाथी संयतो भवेत .
સં યમી મનુષ્ય સુખવૈભવ પામે ! ભારતવર્ષ પરંપરામાં માનવજીવનમાં સંયમ અને સંકુચિત ઈન્દ્રિયો બાબતે ઉલ્લેખ છે. દરેક ધાર્મિક ક્રિયાઓ અને અધ્યાત્મ તપ-જપ-સંધ્યા અને વંદના સાથે સાથે મનુષ્ય માટે સંયમની આવશ્યક્તાની જાણકારી જૂના ગ્રંથોમાં છે. મહાવીર સ્વામીએ પણ અહિંસા અને તપની સાથે સાથે સંયમનો પણ મહિમા વર્ણવ્યો છે. સંયમ માટે મનશુદ્ધિ અને ઈન્દ્રિય અંકુશ આવશ્યક છે.
સામાન્યતઃ મનના હુકમ પ્રમાણે ઈન્દ્રિયો કાર્ય કરે છે. અતૃપ્તિ એ ઈન્દ્રિયોનું આગવું લક્ષણ છે તે સદાકાળ જીવનપર્યન્ત અતૃપ્તિમાં જ મ્હાલે છે ! એક તૃપ્તિ પૂર્ણ થાય ત્યાં જ બીજી તૃપ્તિ તરત જ જન્મ લે છે. ઈન્દ્રિયોમાં સૌથી મોહગ્રસ્તતાનું ઉપરી સ્થાન છે જે દ્વારા મળતા સુખનો ભોગ-લાલસાવૃત્તિ મનુષ્યના ચિત્ર દ્વારા જન્મે છે. તદ્પશ્ચાત આ અસંયમી ઈન્દ્રિયો મનના આદેશે હતાશા, ઉદ્વેગ અને ઉચાટને નોંતરી પતન તરફ મનુષ્યને દોરે છે. માટે જ કહી શકાય કે "જ્યાં જ્યાં વિકાર-મોહ-માયા ફૂલ્યા ફાલ્યા, ત્યાં ત્યાં અશાંતિ ઉદ્ભવે." ઈશ્વરે મનુષ્યને ભેટમાં કર્ણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને નેત્રઈન્દ્રિય આપેલ છે તે પૈકી નેત્રઈન્દ્રિયનું સવિશેષ મહત્વ છે. મનુષ્ય નેત્રો દ્વારા બાહ્ય ભૌતિક જગત નિહાળે છે. જે મનુષ્યની નેત્રઈન્દ્રિય સતર્ક, જાગૃત અને સકારાત્મક છે તે મનુષ્યને પરમાત્મા સ્વરૂપના દર્શન કરાવે છે. અહીં નેત્રો જુએ છે અને હૃદય પરમાત્માનો ભાવ કેળવે છે. મનના શુદ્ધ-સાત્વિકભાવે ઈન્દ્રિયો આજ્ઞાામાં રહેતા સ્વાધ્યાય, સદ્વિચાર, સદાચાર અને આધ્યાત્મ વૈભવની પ્રાપ્તિએ મનુષ્ય સુખ-શાંતિ પામે છે. 'નેત્રેન્દ્રિયો' સન્માર્ગે રહેતાં મિથ્યા ભૌતિક્તા, મોહમાયા લાલસા ન સ્પર્શતા મનુષ્ય ઈશ્વરસ્મરણ કરે છે જે તેની મુક્તિનો માર્ગ બને છે. આમ કહી શકાય કે સંયમી ઈન્દ્રિયો મનુષ્યની જીવનયાત્રામાં સુગંધ ભરી દેતાં મનુષ્યનું જીવન ચંદન સમાન પવિત્ર, સુવાસ સાથે દિવ્ય બને છે.
-કમલેશ હરિપ્રસાદ દવે