શ્રાવણે શિવ સંદેશ .
(૧) એકમ: વિઘ્નનો નાશ કરનાર અને જેની પ્રથમ પૂજા કરવાનું વિધાન છે એવા ગણપતિના પિતા મહાદેવ મૃત્યુ અને પછીનો જન્મ સુધારનાર તો મૃત્યુના દેવ એક માત્ર શિવજી સર્વ દેવોના જન્મ અને મરણ છે જ્યારે જેનો જન્મ અને મરણ નથી એવા અજન્મા, કાળજથી તેમજ સંસારના માનવીને જન્મ-મરણ, ઘડપણ, રોગ, પીડા અને કર્મના બંધનમાંથી મુક્ત અને નિર્ભય કરનાર તો એક માત્ર શંભુ!
(૨) બીજ: અન્ય દેવી-દેવતાઓના દર્શન માત્ર એક સામી દિશાએથી જ થઈ શકે જ્યારે શિવજીના દર્શન બધી દિશાએથી થઈ શકે તે માટે લિંગસ્વરૂપ રહેલા મહાદેવ ''પરમાત્મા સર્વ દિશામાં વિદ્યમાન છે'' એવો સંદેશો આપી રહ્યા છે.
(૩) ત્રીજ: મનુષ્યનાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા ષડ રીપુનો નાશ કરવા શિવજી પોતાના કપાળ પર વિવેકીરૂપી ત્રીજુ નેત્ર ધારણ કરે છે તેમજ પ્રત્યેક માનવ રજોગુણ અને તમોગુણમાંથી મુક્ત બની સત્વગુણી બને એ સંદેશ અર્થે શિવજી હાથમાં ત્રિશૂલ ધારણ કરે છે.
(૪) ચોથ: માનવ આળસુ અને અકર્મણ્ય ન બની જાય અને એનામાં પરોપકાર,સાહસ, સહનશિલતા, સેવા અને સંયમ જેવા ગુણોનો વિકાસ થાય તેમજ અબોલ જીવો પર દયાભાવના જાગે એ આશયથી શિવજી (બોળ ચોથના અનુસંધાને ગાયના પુત્ર) બળદ નંદિ)ને પોતાના વાહન તરીકે પસંદ કરે છે.
(૫) પાંચમ: શાસ્ત્રો કહે છે શિવના શરણે ગયા વગર મનુષ્યનું મરણ અને પછીનો જન્મ સુધરતો નથી. જીવનનું લક્ષ્ય નક્કી કરવાનો સંદેશ આપવા શંભુ (નાગ પંચમીના અનુસંધાને) કાળરૂપી સર્પને પોતાના ગળામાં ધારણ કરે છે.
(૬) છઠ્ઠ: મહાકાલ મહાદેવ એવા દેવ છે કે જેને પ્રસન્ન કરવા વસ્ત્ર, આભૂષણ કે છપ્પન ભોગને બદલે માત્ર એક લોટો જળ અને હૃદયનાં નિર્ભેળ પ્રેમની જરૂર છે. માનવીને 'સાદા જીવન અને ઉચ્ચ વિચાર'થી જીવવાનો આ બોધ છે.
(૭) સાતમ: સર્વ દેવોમાં નારી શક્તિનું સ્થાન પ્રથમ છે જેમકે સીતારામ, રાધાકૃષ્ણ, લક્ષ્મી નારાયણ એ જ રીતે ઉમા મહેશ ઉપરાંત શિવ પાર્વતી તરીકે પૂજાતા મહાદેવ ''નર ઔર નારી એક સમાન'' અને સમગ્ર વિશ્વનું સંચાલન પુરુષ અને પ્રકૃતિથી ચાલી રહ્યું છે એ સંદેશ આપી જાય છે.
પાંડવોના રાજા પરીક્ષિતનું અપમૃત્યુ ટાળવા શિવજીએ શુકદેવ તરીકે ''શ્રીમદ્ ભાગવત''ના આધ્યાત્મિક જ્ઞાાન દ્વારા સાત જ દિવસમાં મુક્તિ અપાવી અને (સાતમના સંદર્ભમાં) સંસારના જીવને મોક્ષમાર્ગનો સંદેશ આપ્યો!
(૮) આઠમ: હર (શિવજી) અને હરિ (વિષ્ણુ, કૃષ્ણ) એક જ છે એ પ્રસ્થાપિત કરવા ભગવાન શ્રીકૃષ્ણ, પવિત્ર શ્રાવણ માસની આઠમના દિવસે જન્મ ધારણ કરે છે. શાસ્ત્રનું કથન છે, ''શ્રીકૃષ્ણ અને ભગવાન શંકરમાં ભેદ રાખનાર નરકગામી બને છે.'' વળી શાસ્ત્ર આગળ જણાવે છે, ''ભગવાન શ્રીકૃષ્ણ પુત્ર પ્રાપ્તિ અર્થે કૈલાશ પર્વત પર દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરવા ગયેલા.'' આ જન્માષ્ટમીનો દેવોના અભિન્નતાનો સંદેશ છે.
(૯) નોમ: ભગવાન રામચંદ્રે રાવણની સામે વિજય હાંસલ કરવા લંકા પ્રસ્થાન કરતા પહેલા સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરેલી. (રામ નવમીના સંદર્ભે) ભગવાન રામ અને શિવજીની અભિન્નતાનો આ બીજો સંદેશ.
(૧૦) દશમ: ગંગા નદીમાં (ગંગા દશેરાના અનુસંધાને) જેટલું જળ છે એટલું સદ્જ્ઞાાન શિવજીના મસ્તકમાં રહેલું છે.
ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે, ''નાહિ જ્ઞાાનેન સદ્દશં પવિત્રમિહ વિદ્યતો'' અશક્તિ, અભાવ અને અજ્ઞાાન એ માનવ જીવનના દુ:ખના કારણો છે. મનુષ્ય અજ્ઞાાનતા-અંધકારના માર્ગેથી મુક્ત થઈ પ્રકાશના માર્ગે સાચું આધ્યાત્મિક સદ્જ્ઞાાન પ્રાપ્ત કરે આ સંદેશ સમગ્ર જ્ઞાાનના આચાર્ય ગંગાધર શિવજી આપે છે.
વિશ્વનું સમગ્ર જ્ઞાાન 'ઓમ'માંથી પ્રગટ થયેલું છે અને આ 'ઓમ' શિવજીના ડમરૂમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી ગંગાધર, ડમરૂ ધારણ કરે છે.
(૧૧) અગિયારસ: પ્રત્યેક માનવ જીવાત્માના મૃત્યુ બાદ એના આત્માની મુક્તિ અર્થે માત્ર શિવમંદિર-શિવાલયે જ દીવો મુકવા જવાનો નિયમ છે. જગતના કલ્યાણઅર્થે શિવજી ગળામાં કાલકૂટ ઝેર (વિષ), ધારણ કરી નિલકંઠ બનેલા શંકર માનવીને દંભ, સ્વાર્થ, ઇર્ષ્યા, અપમાનરૂપી ઝેર સહન કરવાનો સંદેશ આપે છે.
શિવ શબ્દનો અર્થ છે 'કલ્યાણ'. વ્યક્તિનું કલ્યાણ કરનાર કરોડોમાં હોય પણ જગત અને જીવના કલ્યાણ માટે ઝેર પીનાર દેવાધિદેવ એક જ હોય.
ઈન્દ્રીય સંયમ, સમય સંયમ, વિચાર સંયમ અને અર્થ (સાધન) સંયમ. આ ચાર પ્રકારના સંયમનો બોધ કરાવતા શિવજી સંયમના પ્રતીક વ્યાઘ્રચર્મને ધારણ કરે છે અને એ સાથે જ જીવાત્માને સંદેશ આપે છે કે જીવનમાં સંયમ વગર કોઈ પણ પ્રકારની સાધના ઉપાસના અને આરાધના સફળ થતી નથી.
સર્વ દેવોમાં એક માત્ર શિવજીનો સમગ્ર પરિવાર ગણપતિ, કાર્તિકેય, પાર્વતી, પોઠીયો, સર્પ, ઉંદર અને મોર પૂજાય છે. જીવનમાં છ શત્રુઓથી બચવા પોતાની ઈન્દ્રિયોને પાછી વાળી લેવાનો ઉપદેશ શિવજીના પરિવારમાં રહેલો કાચબો આપે છે.
માતા પાર્વતી અને પિતા શિવજીની પ્રદક્ષિણા સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણાના પુન્ય બરાબર છે એવું સિધ્ધકર ગણપતિ જેના પુત્ર છે એ શિવજી સાચી પ્રદક્ષિણાનો મર્મ સમજાવે છે.
(૧૨) બારસ: સ્મશાન સુધી તો દુનિયાના લોકો સાથ આપે છે પરંતુ ત્યાંથી આગળ તો મૃત્યુના દેવ મહાદેવ જ આપણો સાચો સાથી છે. પરમાત્માનો મુકુટ મણિ, પ્રાણિયોનો રાજકુમાર એવા માનવ જીવનને હંમેશા આધ્યાત્મિક જ્ઞાાનની ભૂખ રહે છે. આ ભૂખ સંતોષવા આશુતોષ ભગવાન શિવ કમંડલને ધારણ કરે છે.
(૧૩) તેરસ: તેરસ એ શિવરાત્રી ગણાય છે. શિવનો મહિમા દર્શાવવા મહાત્મા ઉપમન્યુ 'શિવ મહિમ્ન સ્તોત્ર'માં વદે છે, ''સાતેય સમુદ્રની શ્યાહી બનાવી, પૃથ્વીના પટ જેટલો કાગળ લઈ, કલ્પવૃક્ષની ડાલીની કલમ બનાવી માતા સરસ્વતી - શારદા સર્વકાળ લખતી રહે તો પણ શિવજીના ગુણોનો પાર આવે નહિ.''
આગળ કહે છે, ''એક દિવસ વિષ્ણુ શિવજીના લીંગની પૂજા કરતા હતા ત્યારે શિવજીએ વિષ્ણુની પરીક્ષા કરવા એક કમળ અદ્રશ્ય કરી દીધું. એક કમળ ઓછું જણાતા, વિષ્ણુ કમળની જગ્યાએ પોતાની આંખ ચડાવવા તૈયાર થયા ત્યારે પ્રસન્ન અને પ્રગટ થયેલા શિવજીએ વિષ્ણુને ચક્રની ભેટ આપી જગતને સંદેશ આપ્યો - દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધાથી કરેલી શિવજીની પૂજા નિષ્ફળ જતી નથી.''
જન્માષ્ટમી અને રામ નવમી વરસમાં એક એક દિવસ જ આવે જ્યારે શિવજી માટે એકમથી અમાસ આખો શ્રાવણ માસની વ્યવસ્થા શિવજીનું સર્વશ્રેષ્ઠ મહત્વ પ્રતિપાદિત કરે છે.
(૧૪) ચૌદશ: મહાદેવ સ્મશાનમાં નિવાસ કરી જગતના જીવોને એ સંદેશ આપી રહ્યા છે કે - ''માનવ પોતાની અનિવાર્ય મૃત્યુને યાદ રાખી દુષ્કર્મના દુષ્ફળથી બચવાનો પુરુષાર્થ કરે, સાથે સાથે માનવ શરીર એક મૂઠ્ઠી રાખ લઈને ઉડી જાય તે પહેલા જીવાત્માનું શરીર પોતાના રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે, ધર્મ માટે, ગુરુ માટે, જગત માટે ઈવં પોતાના તન, મન, ધનથી કામ આવી જાય એવો બોધ આપવા શિવજી શરીરે ભષ્મ ચોળી કપાલી બને છે.''
(૧૫) પૂનમ: રાખડીની ગાંઠ બાંધવા સાથે મનની ગાંઠો ઉકેલાય તેજ વ્યવહારનું સામર્થ્ય હોઈ શકે. આ સંદેશ માટે આસુતોષ દેવાધિદેવ મહાદેવ માથે જટાનું બંધન રાખે છે.
સંસારનો જીવાત્મા માનવ આધિ, વ્યાધિ અને ઉપાધિના તીવ્ર તાપથી તડપી રહ્યો છે. એને શિતળતા આપવા શિવજી ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે.
(૧૬) અમાસ: પિતૃ અમાસ આપણા મોતની યાદ અપાવે છે. ગાડી આવી ગઈ છે, પ્લેટફોર્મ પર બધા બેઠા છે, બધાને મોતની ગાડીમાં બેસવાનું છે. આ અમાસનો સંદેશ શ્રાવણના શિવજી આપે છે.
- હરસુખલાલ સી. વ્યાસ