ધન્યવાદ .
એક સંશોધન પ્રમાણે કોઈને ધન્યવાદ કહેવાથી સ્વાસ્થ્યલાભ થાય છે. લોકોનો આભાર માનનાર વ્યકિતને સારી ઊંઘ આવે છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
મોટે ભાગે આપણે કોઈ પણ સહયોગ કે સહાય બદલ લોકોને ધન્યવાદ આપીએ છીએ. જો કોઈ આપણને મદદ કરે તો તેનો આભાર માનીએ છીએ. તેની સહાયતા બદલ કૃતજ્ઞાતા વ્યક્ત કરીએ છીએ. આમ આભાર, ધન્યવાદ તથા થેન્ક્યું કહેવું તે શિષ્ટાચારનો એક ભાગ છે. મદદ કરનારનો આભાર વ્યક્ત કરવા માટે આપણે આ બધા શબ્દો બોલીએ છીએ, પરંતુ કદાચ બધાને ખબર નહિ હોય કે આપણે તેનો આભાર માનીને તે વ્યકિતને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એ નાનકડો એક શબ્દ બોલવાથી તેના મનમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. અને તેને બીજાને મદદ કરવાનું તથા કોઈની સેવા કરવાનું પ્રોત્સાહન મળે છે.
જો આપણે કોઈ માણસનો આભાર વ્યકત કરીને તેનામા સકારાત્મક ભાવ જગાડીએ છીએ, તો બીજી બાજુ આપણી અંદર પણ તેની થોડીઘણી અસર થાય છે. વાસ્તવમાં મનુષ્યનું શરીર એક પ્રકારનું દર્પણ છે, તેથી આપણી સામે વાળા માણસના મગજમાં જેવા તરંગો પેદા થાય છે એવા આપણી અંદર પણ પેદા થાય છે.
ધન્યવાદ એ માત્ર શબ્દ નથી, પરંતુ અંતરમાં અનુભવેલા આભારનું બાહ્ય પ્રદર્શન છે. તેથી આપણે હંમેશા બીજાનો આભાર માનવાની ટેવ પાડવી જોઈએ. આજકાલ કોઈને ધન્યવાદ આપવા એ માત્ર ઔપચારિકતા બની ગયું છે. તેથી તેનો જે જાદૂઇ પ્રભાવ દેખાવો જોઈએ તે દેખાતો નથી. જ્યારે સામે વાળી વ્યકિત ખાસ હોય ત્યારે જ લોકો તેનો ખરા દિલથી આભાર માને છે.
આપણામાંથી ઘણાં લોકો એવા છે, જે પોતાને ઘેર કામકરનારને તથા કોઈ વસ્તુ આપવા આવ્યો હોય તેને ધન્યવાદ કહીને વિદા ય કરી દે છે. ચોકીદાર દરવાજો ખોલતી વખતે જ્યારે આપણું અભિવાદન કરે છે ત્યારે લોકોને એમાં કંઈ ધન્યવાદ આપવા જેવું લાગતું નથી. જો સામે વાળો આપણા કરતાં શ્રીમંત હોય કે તેનું પદ ઊંચુ હોય તો લોકો તેનો આભાર માનવા શિષ્ટાચાર કરે છે. પરંતુ જો તે માણસ સામાન્ય વર્ગનો હોય તો લોકો તેનો આભાર માનવાનો વિવેક દર્શાવતા નથી. જો કે આ શબ્દ પશ્ચિમમાથી આવેલો છે. એટલે લોકો મોટે ભાગે તેનો ઔપચારિક રીતે જ પ્રયોગ કરતા હોય છે.
ભારતીય દર્શન તથા પરંપરા અનુસાર માણસ પોતાના જીવનમાં અનેક પ્રકારના ઋણ લઈને જન્મે છે. જન્મથી લઈને મરતાં સુધી આપણી પર અનેક લોકો ઉપકાર કરતા હોય છે. જ્યારે આપણે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ ત્યારે જીવનની અંતિમ યાત્રા વખતે પણ આપણા શબને સ્મશાને પહોંચાડવા માટે લોકોના ખભાની જરૂર પડે છે.
આના પરથી આપણે સમજીલેવું જોઈએ કે દુનિયામાં બીજા લોકોનો સહયોગ તથા સહાયતા કેટલી જરૂરી છે. આપણું જીવન બીજાઓના સહયોગ તથા ઉપકારથી જ ચાલે છે, તો પછી આપણે તેમનો આભાર શા માટે ન માનવો જોઈએ ? જ્યારે આપણે કોઈના પ્રત્યે આભાર વ્યકત કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં તે વ્યકિતનું કેટલું મહત્વ છે તે વ્યકત કરીએ છીએ.
જો કોઈ માણસ આપણું કોઈક કામ કરે કે આપણને મદદ કરે તો આપણે તેને એવું બતાવવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ કે તેણે આપણા માટે જે કર્યું છે. તેની આપણે કદર કરીએ છીએ. આપણે તેનો આભાર માનીને તેની કદર કરીએ છીએ. ધન્યવાદ આપવામાં બે બાબતો રહેલી છે એક તો કૃતજ્ઞાતા અને બીજું આપણા દિલની ભાવનાની અભિવ્યકિત.
આપણે ક્યારેય એવું વિચારીએ છીએ ખરા કે જે માણસ આપણને મદદ કરે છે તે આપણા માટે મહત્વનો હોય છે. જો અડધે રસ્તે આપણી ગાડી બગડી જાય અને આપણને કોઈ મિકેનિક ન મળે, આપણા ઘરનો નળ ખરાબ થઈ જાય અને જો કોઈ પ્લમ્બર ના મળે તો આપણો કેટલો બધો સમય બરબાદ થઈ જાય છે.
તે વખતે આપણે પોતે તો કશુ કરી શક્તા નથી કારણકે આપણને એ બધા કામની જાણકારી નથી. જે એ વિષયનો જાણકાર હોય અને એ કામમાં કુશળ હોય એ જ માણસ તે કામ કરી શકે છે. એવા ખાસ જરૂરિયાતના સમયે મદદ કરનારા લોકોનું કેટલું બધું મહત્વ છે તે આપણને સમજાય છે. પરંતુ જ્યારે તે વ્યકિત આપણું કામ પૂરું કરી આપીને જાય છે ત્યારે આપણે તેને પૈસા આપીને આપણી ફરજ પૂરી થઈ ગયેલી માનીએ છીએ.
આ રીતે દરરોજ કેટલાય લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા માટે કામ કરતા હોય છે, છતાં આપણને તેમનું મહત્વ સમજાતુ નથી. શું કદી આપણે વિચાર્યુ ખરૂ કે આપણો વોચમેન, સફાઈ કર્મચારી, રીક્ષાવાળો વેઈટર, પોલીસ, શિક્ષક, દરજી, ડોક્ટર સુથાર વગેરે પોતાનું કામ ન કરે ત આપણા જીવનમાં કેટલી બધી તકલીફ અનુભવવી પડે ? આ બધા લોકોનો આપણે ખરાહૃદયથી આભાર માનવો જોઈએ. ભલે તે નાનો માણસ હોય કે મોટો, બધા જ આપણા માટે ખૂબ મહત્વના છે.
એક સંશોધન પ્રમાણે કોઈને ધન્યવાદ કહેવાથી સ્વાસ્થ્યલાભ થાય છે. લોકોનો આભાર માનનાર વ્યકિતને સારી ઊંઘ આવે છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જો આપણે દરરોજ આપણને સહયોગ કરનાર લોકોનો આભાર માનવાની ટેવ પાડીએ તો આપણું બ્લડપ્રેશર સામાન્ય રહે છે તથા માનસિક અવસાદ અને ચિંતા માંથી છૂટકારો મળે છે. આપણા વ્યકિતત્વનો વિકાસ થાય છે અને આપણી કુટેવો તથા ખરાબ વ્યવહારમાં ઘટાડો થાય છે. બીજાઓનો આભાર માનવા આપણે ખિસ્સામાંથી કશું ખર્ચવું પડતું નથી.
પરિવાર કે મિત્રો સાથેના તેમના સંબંધો પણ મધુર હોય છે. તેથી જો કોઈ વ્યકિત ધન્યવાદ જેવા શબ્દોનું મહત્વ સારી રીતે સમજવા ઇચ્છતી હોય તો તેણે દરરોજ પાંચદશ મિનિટ ધન્યવાદ શબ્દ લખવાની ટેવ પાડવી જોઈએ.
જો કોઈને વિશેષ ધન્યવાદ આપવા હોય તો પત્ર લખીને તેનો આભાર માનવામાં આવે તો તેનો ખૂબ સારો પ્રભાવ પડે છે. એનાથી ધન્યવાદ આપનાર અને ધન્યવાદ ગ્રહણ કરનાર એ બંને વ્યકિતઓને વધારે આનંદ પ્રાપ્ત થાય છે. કારણકે ધન્યવાદ ગ્રહણ કરનારને એનાથી પોતાનું વિશેષ મહત્વ છે. એવો અનુભવ થાય છે. બીજું એનાથી તેમના પરસ્પરના સંબંધો ગાઢ બને છે અને હૃદયના ભાવોમાં મધુરતા આવે છે.
ધન્યવાદ આપવાથી આપણા વ્યવહારની સાથે સાથે આપણા અચેતન મન પર પણ અસર થાય છે. આભાર વ્યક્ત કરનાર માણસ જરા વધારે આનંદમાં રહે છે. આભાર વ્યક્ત કરનાર મનુષ્યને સમાજમાં પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે.
માર્કેટિંગ કે સેલ્સ વિભાગના લોકોને આ માટે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે. એનું કારણ એ છે કે ધન્યવાદ બોલવાથી લોકોના મનમાં એમના માટે સદ્ભાવ પેદા થાય છે. અને લોકો તેમને સાંભળવા માટે આકર્ષિત થાય છે.
જો કે ભારતીય પરંપરામાં લોકો છાશવારે આભાર વ્યક્ત કરતા નથી. એમ છતાં જ્યારે કોઈ આપણું કામ કરે કે મુશ્કેલીના સમયમાં મદદ કરે ત્યારે લોકો અંતથી આશીર્વાદ આપતાં' ભગવાન તમારું ભલું કરે,' ' ભગવાન તમને સુખી રાખે.' ભગવાન તમને સો વરસ જીવતા રાખે' વગેરે વાક્યોનો પ્રયોગ કરે છે.
આ રીતે તેઓ પોતાના અંતરની શુભેચ્છા તથા પ્રેમ વ્યક્ત કરે છે. આવા વાક્યોથી સાંભળનારને પણ એક દિવ્ય સંતોષનો અનુભવ થાય છે. યાંત્રીક રીતે 'આભાર' કે 'થેન્ક્યુ' બોલવાથી સાંભળનાર વ્યકિતના મનમાં કોઈ દિવ્ય ભાવ પેદા થતો નથી, પરંતુ જ્યારે ભારતીય પરંપરા અનુસાર આભારની સાથે આશીર્વાદ આપવામાં આવે ત્યારે સાંભળનાર વ્યકિત પર તેનો ખૂબ ઊંડો મનોવૈજ્ઞાાનિક પ્રભાવ પડે છે. આ રીતે આભાર માનવાની પાશ્ચાત્ય પધ્ધતિ કરતાં આપણી ઋષિસંસ્કૃતિની જે પરંપરા છે તે અનેક ગણી શ્રેષ્ઠ છે. જ્યારે વ્યકિત ખરા અંત:કરણથી આશીર્વાદ આપે, તો તે આશીર્વાદ ગ્રહણ કરનારનું ભલું પણ થઈ શકે છે.
સંસ્કારી કુટુંબોમાં સંતાનો માતાપિતા, દાદાદાદી કે બીજા વડીલોને જ્યારે ચરણ સ્પર્શ કરે છે ત્યારે કશું બોલ્યા વગર પણ તેમના
અંતરમાંથી આશીર્વાદ નીકળતા હોય છે. એના પરિણામે જે લોકો વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ ગ્રહણ કરે છે. તેઓ સુખી પણ થતા હોય છે. આમ, ભારતીય પરંપરાથી એક આધ્યાત્મિક અને દિવ્યઊર્જા પ્રાપ્ત થાય છે.
જે પરમાત્માએ આપણને શ્રેષ્ઠ માનવ જન્મ આપ્યો છે અને આપણા સુખી જીવન માટે તમામ વ્યવસ્થા પણ એમણે તૈયાર રાખી છે એ બદલ દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે પરમાત્માનો પણ આભાર માનવો જોઈએ.
ધન્યવાદ, થેન્કયુ, આભાર.
- હરસુખલાલ સી.વ્યાસ