- આત્મશ્રદ્ધાનો સંબંધ ઇશ્વર શ્રદ્ધા સાથે સતત સજીવ અને સળંગ હોવો જોઈએ. એકલી આત્મશ્રદ્ધા એક બંધિયાર ખાબોચિયા જેવી બની જાય છે. તેમાં અભિમાનનાં દેડકા ઉછળકૂદ કર્યા કરે છે. આત્મશ્રદ્ધા અને ઇશ્વરશ્રદ્ધાની સરવાણી વહેતી રહેવી જોઈએ
નરસિંહ મહેતાએ એક કાવ્યમાં 'સુખ-દુ:ખ મનમાં ન આણીએ' મન એ જ સુખ, દુ:ખનું મુખ્ય કારણ સંતો, વિદ્વાનો, ઋષિઓ, ધાર્મિક ગ્રંથો ગણાવે છે. પણ આ વાત કરવી સહેલી છે. પણ અનુભવવું એ ખૂબ જ કઠણ છે. મનને મુશ્કેલીઓમાં મજબૂત કરવું એ એક સાધના છે. જે સાધનાથી મન કઠણ બની સુખ-દુ:ખને મનમાં આવવા દેતું નથી એટલે આપણે હનુમાન ચાલિસામાં ગાઈએ છીએ કે 'નિજ મન મુકુરુ સુધાર...' મન સુધરે તો પોતાનું જીવન સુધરી જાય અને મન બગડે તો જીવન બરબાદ થઈ જાય. જીવનમાં વધુને વધુ જરૂર છે 'મનોબળ' અને આત્મબળ તથા આત્મવિશ્વાસની...
ખરેખર માણસના મનોબળ જેવી વસ્તુ છે ખરી ? રોજબરોજના જીવનમાં આપણે જોઈએ છીએ કે એક માણસને તલવારનો ઘા પડે અને છતાં તે ચૂં કે ચાં ન કરે, ત્યારે બીજો માણસ જરાક સોઈ વાગે ત્યાં બૂમબરાડા કરી મૂકે એવું બને છે. સરદાર વલ્લભભાઈ પટેલ ના મનોબળ તેના જીવનનો પ્રસંગ જાણીતો છે. માણસને તમે ડામ દો અને છતાં તેની વેદના ને તે વેઠી લે છે. કેટલાક માણસોમાં આવું મનોબળ હોય છે. આવા મનોબળવાળા માણસો આપત્તિમાં ડરી જતાં નથી. ગભરાઈ જતા નથી. પોતાના અંતરની સ્વાસ્થ્ય અને શાંતિને ગુમાવી બેસતા નથી.
દ્રષ્ટાંતકથા : અમેરિકાના એક નામાંકિત પત્રકાર નોર્મન કઝીન્સને લગભગ ૬૫ વર્ષની ઉંમરે હૃદયરોગનો પ્રચંડ હૂમલો આવ્યો. તેમણે પોતાના આ રોગથી તથા તેમાંથી થયેલા પોતાના ઉગારની કથા 'ધી હીલીંગ હાર્ટ' નામના પોતાના પુસ્તકમાં આપી છે. દ્રઢ મનોબળથી અશક્ય લાગે તેવી વાત સિદ્ધ કરી. દાક્તરોએ કહ્યું કે તમારે 'બાયપાસ' સર્જરી કરાવવી જ પડશે ! તેમણે બાયપાસ કરાવ્યા વિના તેના હૃદયરોગના હુમલાનો મુકાબલો એવા દ્રઢ મનોબળથી કર્યો કે લોહીની નવી નસ ફૂટી અને લોહીને નવું વહેણ મળી ગયું. નોર્મન કઝીન્સે એક ચમત્કાર કરી બતાવ્યો. તે તેમનો પોતાનો ચમત્કાર હોવાનું એ માનતા નથી. તે ખાસ તો માણસને મળેલા શરીરની સમારકામ જાતે કરી લેવાની શક્તિ ઉપર જ ભાર મુકે છે. તેમની બાબતમાં જે 'અશક્ય' વાત બની તે માત્ર ખોટો દાવો નથી પણ હકીકત છે. તેનું પ્રમાણ નિષ્ણાત દાક્તરોએ જ પુરું પાડયું છે. નોર્મન કઝીન્સે નોંધ્યું છે કે, અમેરિકા જેવા દેશમાં દર વર્ષે જેટલા મૃત્યુ થાય છે. તેમાં હૃદયરોગના હુમલાવાળા અડધોઅડધ તો ખરેખર હૃદયરોગનાં કારણે નહીં, પણ હૃદયારોગના હુમલાની ભડકને કારણે થાય છે. આપણે પોતે પણ આ વાત તે ક્યાં નથી જાણતા ? માણસે ખરેખર જોખમો કરતા આવી રહેલા - કે આવી પહોંચેલા જોખમના ભડક કે ડરને લીધે હારી જાય છે. હિમંત, ધૈર્ય અને કુદરત પરનો વિશ્વાસ પણ ગુમાવી દે છે.
એક માણસના હાથ કે પગનું હાડકું તુટે છે - ત્રણ ચાર કટકા થઈ જાય છે. શસ્ત્રક્રિયા કરાવે છે. કોઈ વાર તેમાં લોખંડનો સળિયો પણ નખાવવો પડે છે. આજકાલ આ રીતે હાડકાં તુટવાની કોઈ નવાઈ નથી રહી. માણસો તે અંગે ત્રણ ચાર કે છ મહિનાની સારવાર પછી ફરી હાલતા ચાલતા થઈ જાય છે. લાંબી મુસાફરીઓ પણ કરે છે પણ આવા કિસ્સાઓમાં કેટલાક વહેલા સાજા અને સક્રિય બની જાય છે. કેટલાકની 'બીમારી' બહુ લાંબી ચાલે છે ! આમાં પણ માણસનું મનોબળ બહુ જ નિર્ણાયક ભાગ ભજવે છે. કેટલાક તો એકદમ હિમ્મત હારી જાય છે. તેમને લાગે છે કે આ પીડા અસહ્ય છે અને તે કદી દુર થશે જ નહીં ! આવી વ્યક્તિઓ વારંવાર ચિંતા કરે છે. મારો હાથ ફરી કામ કરશે કે નહીં ? હું ચાલી શકીશ કે નહીં ? તેમને આવી નાસીપાસી મુજબ 'ખરાબ સપના' પણ હેરાન કર્યા કરે છે ! પણ માણસની આવી ભીતિ (ડર) મુજબ કશું ખરાબ બનતું હોતું નથી. અને ખરેખર આવું જ્યારે બને તો પણ તેનાથી ગાંજયા જવાની જરૂર હોતી નથી. આત્મવિશ્વાસ, ઇશ્વર પર વિશ્વાસ ને કેળવવાની જરૂર છે. ઇશ્વર ઘણો માયાળુ છે. તે ઉગારશે જ.
મનની તાકાત : માણસનું મન એ જ એની ખરી તાકાત છે. તે જ ખરી પાતાળ ગંગા છે. હવે વિજ્ઞાન પોતે જ આ સત્ય સુધી આવી પહોંચ્યું છે. આજથી વીસેક વરસ પહેલા એવી શોધ થઈ કે માણસનું મગજ પોતે જ મોર્ફિન જેવું દર્દશામક રસાયણો બનાવી લે છે ! જેથી તો તે માણસ પોતાના મનના જોરે કેટલીક વેદનાઓ નષ્ટ કરી શકે છે. વૈજ્ઞાનિક સંશોધકોએ એવું બતાવ્યું છે કે માણસનું મગજ મોર્ફિન જેવા પીડાશામક દ્રવ્યો જરૂર પડે પેદા કરે છે. 'એન્કેફેલાઈન્સ' અને 'એન્ડોફીન્સ' જેવા રસાયણો માણસનું મગજ બનાવે છે. આ હકીકતની શોધથી આવા ઔષધો દ્વારા મનોચિકિત્સાનું એક નવીન ક્ષેત્ર ખુલ્લું થયું છે.
માણસ કોઈ દ્રવ્યનું સેવન કરે જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, અક્કલકરો, ઘોડાવજ, અશ્વગંધા, શતાવરી વગેરે અને તેની યાદદાસ્ત અસાધારણપણે તીવ્ર બની જાય. તેની સ્ફૂર્તિ યુવાન જેવી અને તેની કાંતિ વધી જાય. જેને આયુર્વેદ મંત્ર રસાયણ ઔષધો કહેલ છે. પ્રાણાયામ અને ધ્યાન પણ આમાં એટલે જ મદદરૂપ બને છે.
માણસનું મન અદ્ભુત છે કે તે વિષે તો હવે બેમત નથી જ. આપણે શરીરને કેળવવાની વાત ઉપર ભાર મૂક્યો છે. બુદ્ધિને કેળવવાની વાત ઉપર ભાર મૂક્યો છે. પણ મન ને કેળવવાની વાત આપણને અગત્યની લાગી નથી. ધર્મગ્રંથોને આધારે સંત-મહંતો આપણને ધાર્મિક સંદર્ભમાં આવા કહે છે. પણ આપણને તેની ગંભીરતા સમજાતી નથી. 'દ્યદ્રહ્રદ્યહ્રઢદ્વઢઝ ઢિંષ્ઝ'... હનુમાન ચાલિસાનો આ પ્રથમ દોહો છે.
આપણા એકલા જ નો દોષ નથી. પશ્ચિમમા યંત્ર વિજ્ઞાન અને સુખ સગવડની નવી સંસ્કૃતિ જેમ આગળ વધ્યા. તેમ આપણે સહુ એમ માનતા થઈ ગયા કે મનને વળી અંકુશમાં રાખવાનું હોય ખરું ? મન તો આપણું લાડકું બાળક - એ જ્યાં દોડે તેની પાછળ આપણે દોડવાનું ! મજા તેમાં જ છે ! મન ને બધું જ સારું સારું જ ગમે છે. સારું સારું જ ભાવે છે માટે તેની પાછળ મન દોડાવે તેમ દોડીએ છીએ અને મન ને છૂટો દોર આપીએ છીએ તેનાથી અપરંપાર વ્યાધિઓ-ઉપાધિઓનો જન્મ થયો છે. મનને નિરંકુશ કરવાથી માનસિક રોગો કેટલા બધા વધ્યા છે તેનો ખ્યાલ કરવા જેવો છે.
એક માણસ ડબલ ગ્રેજ્યુએટ હતો. કવિતા પણ લખતો હતો. તેનું એક કાવ્ય પુસ્તક પણ છપાયું હતું. બીજી બધી રીતે એ સરસ પણ હતો, પરંતુ તેને મનમાં ઘુસી ગયું કે કોઈ તેની કીર્તિને ખતમ કરવા ઇચ્છે છે. તેની સહુ ઇર્ષા કરે છે. તેની વિરૂદ્ધમાં ઘણા કાવતરા કરી રહ્યા છે. તેથી આ મનમાં ભ્રમનાં કારણે તેનામાં ઘણી બધી સર્જન શક્તિ હોવા છતાં તેની માનસિક નિર્બળતાએ તેને સતત ભય અને શંકામાં નાખી તેને માનસિક રોગી બનાવી દીધો.
મહાત્મા ગાંધીના દુર્બળ દેહનું વજન કેટલું હતું ? તેમનું શારીરિક યૌવન કેટલું હતું ? પરંતુ આવો માણસ મુઠ્ઠી હાડકાનો માળો પ્રચંડ મનોબળને કારણે દુનિયાની એક અવ્વલ નંબરની સત્તા સામે લડી શક્યો. આવું મનોબળ કદી બદામ-કાજુ કે ઘી-ગોળ ખાવાથી કંઈ પેદા થઈ જતું નથી.
આવું આત્મબળ-મનોબળ ઇશ્વરમાં-કુદરતમાં અપાર શ્રદ્ધાથી કોઈ ઉચ્ચ ધ્યેય પ્રત્યેની નિષ્ઠામાંથઈ પેદા થાય છે. આવું બળ સાત્વિક હોઈ શકે છે અને રાક્ષસી પણ હોઈ શકે છે. બુદ્ધ-મહાવીર, ઇશુ અને મહંમદ પયગંબર એ બધા સાત્વિક બળનાં પ્રતીકો છે. રાવણથી માંડીને હિટલર સુધીનાં બધા રાક્ષસી મનોબળનાં પ્રતીકો છે.
મનોબળનું માપ : કોઈએ હજુ માપ કાઢયું નથી કે માનવીના મનોબળમાં કેટલા અશ્વોની શક્તિ કે હોર્સ પાવરની શક્તિ છે ? મહાત્માઓ, દ્રષ્ટાઓ, વિજ્ઞાનીઓ, ઇજનેરો, મહાન શિલ્પીઓ, પત્રકારો અને સર્જકોનો વિચાર કરીએ તો માનવીઓના મનમાં હજારો અશ્વોની શક્તિ છે. આયુર્વેદમાં પ્રવર, મધ્યમ અને અવર શક્તિ મનોબળ સાત્વિક, રાજસિ અને તમોગુણવાળી શક્તિ બતાવી છે. અવર મનોશક્તિવાળા નિર્બળમનવાળા હોય છે. મધ્યમ શક્તિવાળા કોઈનાં બળે પોતાની નિર્બળ મનવાળા હોય છે. પોતાની મનોશક્તિ દર્શાવે છે જ્યારે સાત્વિકનાં મનોબળવાળા પોતાની ઉત્તમ મનોબળવાળી શક્તિ ધરાવે છે.
પરંતુ મનને અંકુશમાં લેવું અને તેને બળવાન બનાવવું તેને સાચી દિશામાં દોરવું એ કામ કંઈ સહેલું નથી. પણ તે અશક્ય પણ નથી. અર્જુનનાં નિર્બળ મનને શ્રીકૃષ્ણએ મજબુત બનાવ્યું હતું.
આપણા જેવા સામાન્ય માનવીઓ માટે મનોબળને દ્રઢ-મજબૂત કરવાનો સરળ અને અનુકૂળ માર્ગ છે પરમ શક્તિમાં સહજ શ્રદ્ધા, પરમ પિતા કે માતાનાં સ્વરૂપને કોઈક દૈવી શક્તિ આપણાં સહુનું રક્ષણ કરે છે. મારનાર કરતા તારણહાર ખૂબ જ મોટો છે તેવી ઊંડી શ્રદ્ધાને કેળવવી પડે છે.
શ્રદ્ધા અને વિશ્વાસ આત્મામાં સિંચવી જોઈએ. અને નક્કર આત્મવિશ્વાસરૂપે પ્રગટ થવી જોઈએ. આપણી આત્મશ્રદ્ધાનો સંબંધ ઇશ્વર શ્રદ્ધા સાથે સતત સજીવ અને સળંગ હોવો જોઈએ. એકલી આત્મશ્રદ્ધા ખાબોચિયા જેવી છે. જ્યારે ઇશ્વર પરની શ્રદ્ધાનું તેની સાથેનું જોડાણ ગંગોત્રી જેવું મહાન બને છે. એકલી આત્મશ્રદ્ધા એક બંધિયાર ખાબોચિયા જેવી બની જાય છે. તેમાં આપણા અભિમાનનાં દેડકા ઉછરે છે અને માત્ર ઉછળકૂદ કર્યા કરે છે. આત્મશ્રદ્ધા અને ઇશ્વરશ્રદ્ધાની સરવાણી આથી જ જીવતી રહેવી જ જોઈએ અને વહેતી રહેવી જોઈએ. અને તે માત્ર અભિમાનનું સિંહાસન બની રહેવું ન જોઈએ. (જિંદગી-ઝિંદાદીલીનું નામમાંથી)
આ જ રીતે સુખ દુ:ખ તે મનનાં અભિગમનું પ્રતિક છે. 'મન' એ જ ઇશ્વર છે. પોતાનાં 'મન' થી દુનિયામાં કોઈ મોટું નથી એટલું આપણે કેળવવું જોઈએ. 'હમકો મન કિ શક્તિ દેના દાતા' એ જ પ્રાર્થના સાથે.
મનકો જીતા તો જગ જીતા.
મન સે હારા તો જગ હારા.
- ડો. ઉમાકાંત જે. જોષી


