શિષ્યના સમર્પણનું પર્વ છે ગુરુપૂર્ણિમા
- ધ્યાનમૂલં ગુરોમૂર્તિ : પૂજામૂલ ગુરો : પદમ્ । મંત્રમૂલં ગુરોર્વાક્ય મોક્ષમૂલં ગુરો : કૃપા ।।
અ ષાઢ સુદ પૂનમનું નામ વ્યાસ પૂર્ણિમા પડયું, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આને સૌથી મોટી પૂનમ માનવામાં આવી છે. 'ગુ' એટલે કે અજ્ઞાનરૂપી અંધકાર અને 'રુ' અર્થાત અંધકારનો નાશ કરનાર જ્ઞાનરૂપી પ્રકાશ. આમ ગુરુનો અર્થ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર એવો થાય છે. ભગવાન શિવે ગુરુ વિશે સ્વયં કહ્યું છે.
ધ્યાનમૂલં ગુરોમૂર્તિ : પૂજામૂલ ગુરો : પદમ્ ।
મંત્રમૂલં ગુરોર્વાક્ય મોક્ષમૂલં ગુરો : કૃપા ।।
અર્થાત ગુરુદેવની ભાવમયી મૃર્તિ ધ્યાનનું મૂળ છે. તેમના ચરણકમળ પૂજાનું મૂળ છે. તેમના દ્વારા કહેવાયેલાં વાક્ય મૂળમંત્ર છે. તેમની કૃપા જ મોક્ષનું મૂળ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું પદ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કહ્યાં છે. જીવનમાં શિક્ષણ આપનાર ગુરુ મળવાનું તો સહજ થઈ જાય છે. પરંતુ જીવનવિદ્યા અને અધ્યાત્મવિદ્યા પ્રદાન કરનાર ગુરુનું મળવું મુશ્કેલ હોય છે. ગુરુનો મહિમા અનંત છે. તેમનું થોડુંક પણ સાંનિધ્ય જીવાત્માને સદ્ગતિ પ્રદાન કરે છે. ગુરુ જ એકમાત્ર એવા નાવિક છે જે આ સંસાર સાગરમાંથી જીવાત્માને પાર લગાવી શકે છે. આ કારણે સંત કબીરદાસજી કહે છે -
તીરથ નહાયે એક ફલ, સંત મિલે ફલ ચાર ।
સત્ગુરુ મિલે અનન્ન ફલ, કહત કબીર વિચાર ।।
ગુરુકૃપા મેળવવા માટે ગુરુ પ્રત્યે શ્રધ્ધા હોવી અત્યંત જરૂરી છે તથા તેમણે બતાવેલા માર્ગ પર દૃઢતાપૂર્વક આગળ વધવામાં આવે તો ગુરુની કૃપા નિરંતર મળતી રહે છે. ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ એ બંને જો ભેગાં મળે તો શિષ્યના જીવનનું સંપૂર્ણ રૂપાંતરણ થઈ જાય છે.
શ્રી રામ શર્મા આચાર્ય એ કહ્યું કે- ગુરુ શિષ્યોનો સંબંધએ આત્માનો સંબંધ છે. જે રીતે આપણે દૃષ્ટિ વગર કોઈ વસ્તુને જાણી શકતા નથી એ જ રીતે આપણે ગુરુવગર જીવનને સમજી શકતા નથી તથા ઉન્નતિ કરી શકતા નથી. જ્ઞાાન, ધ્યાન, ચેતના , ચિંતન, સંસ્કાર, વિચાર , દેશ ,વિશ્વ ,વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ વગેરે તમામ બાબતોને જાણવા માટે ગુરુની જરૂર પડે છે.
સંત કબીરદાસજીએ કહ્યું કે-
ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકો લાગો પાય ।
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય ।।
ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે, કોને પ્રથમ પ્રણામ કરું? બલિહારી ગુરુજીની છે, જેમણે ગોવિંદની ઓળખાણ કરાવી છે.
ગુરુ એસેતુ છે જેના પર ચાલીને શિષ્ય પરમાત્મા સુધી પહોંચી જાય છે. સાંસારિક સંબંધ એ છે જે શરીર અને મનના રાગ-દ્વેષ સુધી સીમિત રહે છે. જ્યારે આત્મિક અને આધ્યાત્મિક સંબંધ એ છે જે શરીર અને મનના પરિષ્કારની સાથે જ આત્માની ઉન્નતિ પ્રગતિ અને મુક્તિ સાથે પણ સંબંધિત હોય છે. વેદ વ્યાસજીએ વેદો ઉપરાંત અઢાર પુરાણો, બ્રહ્મસૂત્ર વગેરે આર્ષગ્રંથોનું પણ સર્જન કર્યું છે. તે ગ્રંથો માનવજાતને સાચો માર્ગ બતાવવાનું કાર્ય કરે છે. ભગવાન વેદવ્યાસે લોકોના અંત:કરણને જ્ઞાાનના દિવ્યપ્રકાશથી પ્રકાશિત તથા પ્રજ્વલિત કર્યું એટલે જ ગુરુના રૂપમાં પૂજન કરવામાં આવે છે.
- જયેન્દ્ર ગોકાણી