Get The App

ગુરુ પૂર્ણિમા : તસ્મૈ શ્રીગુરુવે નમ : .

Updated: Jun 28th, 2023

GS TEAM


Google News
Google News
ગુરુ પૂર્ણિમા : તસ્મૈ શ્રીગુરુવે નમ :                             . 1 - image


'ગુ રુપૂર્ણિમા'' નો તહેવાર ગુરુ-શિષ્ય બન્ને માટે અનુશાસનનો સંદેશ લઈને આવે છે. આથી એને ''અનુશાસન પર્વ'' પણ કહેવામાં આવે છે. અનુશાસન વગર રાષ્ટ્રની કે આત્માની પ્રગતિ શક્ય નથી. ગુરુપૂર્ણિમા પર વ્યાસ પૂજનનો પણ મહિમા છે. આ પર્વનો સંદેશ છે કે લેખક અને વક્તા પોતાની કલમ અને વાણીના માધ્યમથી વેદ વ્યાસજીનું અનુકરણ કરવા લાગે તો લોકકલ્યાણનું અડધું કાર્ય પૂર્ણ થઈ જાય.

   ગુરુ વ્યક્તિ નથી વિચાર છે.  ત્રિદેવની શક્તિ ધરાવતી વ્યક્તિને કોની ઉપમા આપી શકાય ? એનાથી વધારે શક્તિ અને સામર્થ્ય કોનામા હોય શકે ? આથી ગુરુ માટે કહેવાયુ ''ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ...''

ગુરુની વ્યાખ્યા છે, ''જે સદ્વિદ્યાનું દાન કરે તે ગુરુ''સમુદ્ર પાસે પોતાનું તો કશું હોતું નથી, તેા અસ્તિત્વનું પાણી પણ પારકુ- નદીઓએ તેને આપેલું હોય છે. સમુદ્ર આ લીધેલું પાણી અનેકગણું કરીને નદીઓને પરત કરે છે. આથી તેની પૂજા 'દરીયાલાલ'ની પૂજા તરીકે પ્રસિધ્ધ પામે છે. ગુરુનું કાર્ય આવું પરોપકારનું હોય છે. ગુરુની પૂજા એ વ્યક્તિ પૂજા નથી વ્યક્તિમાં રહેલી સદ્બુધ્ધિ, સદ્વિદ્યા અને સામર્થ્યની પૂજા છે.

 જેવી રીતે લક્ષ્મીના બે પ્રકાર છે, સૂરી લક્ષ્મી અને આસૂરી લક્ષ્મી, બુધ્ધિના બે પ્રકાર છે. સદ્બુધ્ધિ અને દુર્બુધ્ધિ એજ રીતે વિદ્યા પણ બે પ્રકારની હોય છે. સદ્વિદ્યા અને અસદ્વિદ્યા. માનવીમાં ઓછાવત્તા પ્રમાણમાં આ બન્ને વિદ્યા રહેલી હોય છે. કોઈ વિરલ કલાકાર અણઘડ પથ્થરમાથી બિનજરૂરી ભાગ કાઢી નાખી મૂર્તિનું સર્જન કરે છે આવું જ કાર્ય શિષ્યમાં રહેલી દુર્યોધન અને શકુની જેવી અસદ્વિદ્યાનો નાશ કરી સદ્વિદ્યાની સ્થાપના સદ્ગુરુ કરે છે. આ એક ભગીરથ કાર્ય છે.

 એક જ ગુરુ દ્રોણાચાર્યના બે શિષ્યો દુર્યોધન અને અર્જુન સરખી વિદ્યા પ્રાપ્ત કરી હોવા છતાં દુર્યોધન કુલાંગાર બન્યો અને અર્જુન ભગવાન શ્રીકૃષ્ણનો સખા બને. વિદ્યા પ્રાપ્ત કરનારની પાત્રતા, સદ્બુધ્ધિ, ચિંતન અને સંસ્કારનો આ તફાવત છે.  ગુરુ આપે છે. દાન કરે છે. વિદ્યા નહિ, સદ્વિદ્યાનું દાન કરે છે. કોઈ વ્યક્તિ જ્ઞાન માત્રથી બની શકતી નથી. જ્ઞાન સાથે ''તપ'' પણ અનિવાર્ય હોય છે. જ્ઞાન તો વૈજ્ઞાનિક, ડોક્ટર, વકીલ વગેરે પાસે હોય છે. વૈજ્ઞાનિક ચંદ્ર ઉપર પહોંચવાનું, ડોક્ટર હૃદય બદલવાનું અને વકીલ અદાલતમાં કેસ લડવાનું જ્ઞાન ધરાવે છે. પણ આ જ્ઞાનની પૂજા થતી નથી. અને જે જ્ઞાનની પૂજા ન થાય તે જ્ઞાની, ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે નહિ. એટલે જ કવિ અખાને કહેવું પડે, ''પોથી પઢકર જગ મુઆ, પંડિત ભયેન કોઈ'' હા, એ જ્ઞાનની ઉપયોગીતા જરૂર સ્વીકારી શકાય.

માટી માથી બનેલી કાચી ઈંટ વાવાઝોડા અને અતિવૃષ્ટિનો સામનો કરવા સમર્થ હોતી નથી પણ એજ ઈંટને અગ્નિના ભઠ્ઠામાં પકાવવામાં આવે તો તેની મજબુતાઈ અનેકગણી વધી જાય છે ! અગ્નિમાં પાકા થવાનું કષ્ટ સહન કરવું આ ક્રિયાને જ ''તપ''કહેવામાં આવે છે. જીવનમાં ચાર પ્રકારના સંયમ - ઈન્દ્રીય સંયમ, વિચાર સંયમ, સમય સંયમ અને સાધન કે અર્થસંયમ આ તપ છે.સદ્વિદ્યાનું દાન કરનાર સમર્થ ગુરુ પડદા પાછળ જતા રહી પોતાના શિષ્યને જગતમાં ''મૂડી ઊંચેરો'' બનાવી દે છે. આથી જ સમાજમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામાનંદ, સ્વામી રામદાસ સતી તોરલ, સંત રોહિદાસ, દ્રોણાચાર્ય જેવા સમર્થ સદ્ગુરુ કરતા તેમના શિષ્યો અનુક્રમે સ્વામી વિવેકાનંદ, સંત કબીર, છત્રપતિ શિવાજી જેસલપીર, મીરાંબાઈ અને અર્જુનને, તેઓના ગુરુ કરતા જગત વધારે જાણે છે !

જમીન પર પડતા ફળની શક્તિને ''ગુરુત્વાકર્ષણનું બળ'' એવું નામ સર આઈઝેક ન્યૂટન આપી શકે પણ એ બળને - શક્તિને ઉત્પન્ન કરનાર કોણ ? આવા અનેક ગૂઢ આધ્યાત્મીક સમસ્યાનું સમાધાન તો સમર્થ સદ્ગુરુ જ કરી શકે. એટલે એમ પણ કહી શકાય કે ''તપ'' ની સાથે આધ્યાત્મીક સદ્જ્ઞાન ધરાવતા સદ્ગુરુની મહત્તા વિજ્ઞાન કરતા જરા પણ ઉતરતી નથી ! આના અનુસંધાને અહિ ગુરુ-શિષ્યના સંવાદ રૂપે સંત કબીરના એક ભજનની કડી ખાસ યાદ કરવી ઘટે.

વિજ્ઞાનને અધ્યાત્મનો પ્રશ્ન એ છે કે - વહેતા નદીના પાણીમાં માછલીએ ઈંડુ 

મૂક્યું, પાણીમાં રહેલા એ ઈંડામાં છીદ્ર, વેહ કે કાણુ- વીંધ ન હતું છતા એમા 

જીવ ક્યાથી આવ્યો ? સદ્જ્ઞાની, સમર્થ સદ્ગુરુ સીવાય આવી સમસ્યાઓનું સમાધાન કોની પાસે હોઈ શકે ? આથી જ કબીર કહે

''ગુરુ ગોવિંદ દોનો ખડે

કીસકો લાગુ પાય ?

બલિહારી ગુરુદેવકી

ગોવિંદ દિયો બતાય ''

આવા ગુરુના ચરણમાં

પ્રણામ સાથે 

'તસ્મૈ શ્રીગુરુવે નમ:''

- હરસુખલાલ.સી.વ્યાસ

Tags :