Get The App

અગત્યની આચમની .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
અગત્યની આચમની                                . 1 - image


આપણે ત્યાં પુજામાં કે કેટલીક અન્ય ધાર્મિક વિધિઓમાં પંચપાત્ર વપરાય છે. પંચપાત્રમાં તરભાણું, લોટો (કળશ), પ્યાલો, આરતી તથા આચમની મુખ્ય છે. પુજાનો પ્રારંભ આચમનીથી જ થાય છે. આચમનીનું સ્થાન જરૂરી તથા અગત્યનું મનાયું છે. સંધ્યા કરતી વખતે આચમનીથી જળ પીવાનું હોય છે. આચમનીમાં જળ કે પંચામૃત ભરીને દેવી-દેવતાઓને સ્નાન કરાવાય છે. કેટલીક આચમનીની ટોચ પર નાગદેવતાની ફેણની પ્રતિકૃતિ પણ હોય છે.

આચમની વિવિધ ધાતુઓમાંથી બને છે. જેમકે પિત્તળ, ત્રાંબુ, પંચધાતુ તથા ચાંદી વિ. કળશ કે પ્યાલામાં રહેલું જળ આચમનીથી દેવી દેવતાઓને અર્પણ કરાતું હોય છે. આચમની નાની પણ જરૂરી પાત્ર છે. આચમનીમાં જળ ભરીને તેમાં કંકુ, ચોખા, ફુલ, અબીલ-ગુલાલ ભરીને તે જળ તરભાણામાં રાખેલ દેવી-દેવતાઓને અર્પણ કરવાનું હોય છે. કેટલાક લોકો આચમનીને બદલે પોતાના હાથની હથેળીમાં જળ ભરીને તેનો ઉપયોગ કરતા હોય છે.

આચમનીને પણ અન્ય પાત્રોની જેમ દરરોજ ભસ્મ કે વોશિંગ પાવડરથી સાફ કરવી જરૂરી છે. જે પ્રમાણે વિધિ હોય તે પ્રમાણે આચમનીમાં જળ ભરીને પીવાનું કે ગ્રહણ કરવાનું હોય છે, અથવા તરભાણામાં રેડવાનું હોય છે.

આચમની નાની હોવાથી જળનો બગાડ બહુ થતો નથી. આચમનીમાં જળ ભરીને લોકો સૂર્યને અર્ધ્ય પણ આપતા હોય છે. 'આચમન્યં સમર્પયામિ' તેવા શબ્દો પણ બોલવામાં આવે છે. ઘણી વાર લોકો તીર્થસ્થાનમાં જાય છે ત્યારે પાણીનું આચમન પણ લેતા હોય છે. ભગવાનને જ્યારે ભોગ ધરાય કે થાળ ધરાય છે ત્યારે આચમનીમાં જળ ભરીને થાળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. કર્મકાંડી બ્રાહ્મણોની સાથે કાયમ આચમની રહેતી હોય છે. આમ બ્રાહ્મણોની આજીવિકાનું સાધન પણ આચમની છે. આચમનીને આબ (પાણી) સાથે સંબંધ છે. કેટલાક લોકો આરતી સમયે ઘંટડીને સ્થાને આચમનીનો ઉપયોગ કરતા હોય છે. પ્યાલાની ધાર પર આચમનીથી વગાડવામાં આવે છે. આચમની આત્મિયતાની દ્યોતક છે. આચમની વિના પંચપાત્ર અધુરાં છે.

આમ, પુજાનાં પાત્રોમાં મહત્વનું સ્થાન ધરાવતી આચમની આશીર્વાદ સમાન છે. આચમનીની અનોખી દુનિયાને સલામ.

- ભરત અંજારિયા

Tags :