Get The App

રાધા તું બડભાગીની, કીન્હ તપસ્યા કિન? તીનલોક તરનતારન, વહ તેરે આધિન

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
રાધા તું બડભાગીની, કીન્હ તપસ્યા કિન? તીનલોક તરનતારન, વહ તેરે આધિન 1 - image

રાધા-ક્રિષ્ણ. રાધા-કિષ્ણની ધૂન બોલાવતા ભક્તો કૃષ્ણમય બનીને નાચે છે. આ રાધા શું છે ? માત્ર દૈહિક નારીપાત્ર છે રાધા, કે કોઈક અલૌકિક શક્તિ છે રાધા ?

ભાગવતજીના ગ્રંથમાં રાધા નામનો ઉલ્લેખ નથી. તોપછી આ રાધા-ક્રિષ્ણ, રાધે-શ્યામની ધૂનમાં મસ્ત બનીને ઝૂમતા ભક્તોના રાધા પ્રત્યેના ભાવને સમજીએ. રાધા શ્રીકૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ છે. ભગવાન શક્તિમાન શ્રી કૃષ્ણ રાધા વગર અધૂરા છે તેવાં ભજનો આપણા દિલને ડોલાવે છે. વૃંદાવન તીર્થ ધામમાં જઇએ. ગિરિરાજની પવિત્ર પરિક્રમા કરીએ ત્યારે માત્ર રાધે...રાધે...નું રટણ કરતા ભક્તો ભાવવિભોર થઇને મસ્ત બનેલા જોઇએ છીએ. બોલો ગિરિરાજ ધરણકી જય.

એક મીરાં, ભગવાન શ્રીકૃષ્ણના દર્શનની પ્યાસી ભક્ત છે. તે ભાવવિભોર થઇને કહે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જ્યારે રાધા તો શ્રીકૃષ્ણમય જ છે તેને ભગવાનથી અલગ તારવી શકાતી જ નથી. જ્યારે ભગવાન અને ભક્ત એકબીજામાં લીન બની જાય ત્યારે જે સ્થિતિ સર્જાય છે તે ભગવાનની આહલાદીની શક્તિ રાધારૂપે આપણા હૃદય કમળ ઉપર કબજો જમાવે છે. આવી રાધાને સંબોધીને કેટલાક કવિઓએ ખૂબ જ સારાં ભજનો રચ્યાં છે. પોતાની ભાવ સંવેદનાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને રીઝવવા રાધારૂપ ધારણ કરે છે. રાધાજીને પૂછે છે: 

રાધા તું બડ ભાગીની કીન્હ તપસ્યા કિન ?

તીનલોક તરનતારણ, વહ તેરે આધિન...

ત્રણ લોકના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ તારા આધિન છે તેથી તો ભગવાન શ્રીકૃષ્ણનું નામ જપતાં પહેલાં શ્રી રાધાજીનું નામ લેવાય છે. બહુનામ જન્મના અંતે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તનો લાભ મળે છે. તે લાભ શ્રીરાધાજીને સહજતાથી મળ્યો છે. આવાં શ્રીરાધાજી આપણાં આરાધ્યા છે. વૃંદાવન...ગોવર્ધન પર્વત અને સમગ્ર ભૂમિ શ્રી રાધાજીનું રટણ કરતાં કરતાં ધન્યતા અનુભવે છે. તેવી પવિત્ર ભૂમિમાં જઇએ ત્યારે આપણે પણ શ્રી રાધામય બની જઇએ છીએ.   

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય