- જંગલમાં જઈ ગુફામાં રહેવાથી તપસ્વી નથી થવાતું. સમાજમાં રહીને ચારિત્ર્ય બોટાઈ ના જાય તેની તકેદારી રાખવાથી તપ સિદ્ધ થાય છે. ભીતર પડેલી સારપની અનુભૂતિ જ શીલને જાગૃત કરે છે. સંસ્કાર, વિવેક, સદાચાર કુટુંબમાંથી મળે છે
(ભાગ-૨)
શાસ્ત્ર જાણકાર જ્ઞાની હોય કે વાણીથી ચકિત કરી આંજી નાખનાર પંડિત હોય પણ જો તે ચારિત્ર્યશીલ ના હોય તો તેને જીવન જીવ્યાનો સંતોષ મળતો નથી. ભીતર કંઈક ખૂટતું લાગે છે. ક્યારેક માન મળી ગયાનો ભ્રમ થાય તો પણ અધૂરપ જતી નથી. સંતોષ નીચલી કક્ષા છે. પરિતોષ ઉચ્ચતમ સ્થિતિ છે. સારા નરસાનો ભેદ જાણનાર ગળા સુધી પરિતૃપ્ત હોય છે. તેનામાં લોભ, ભય કે તીવ્ર ઇચ્છાવૃત્તિ રહેતી નથી. સદાચારમાં 'હોર્સ-પાવર' જેટલી તાકાત હોય છે, તેનું એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત મહાભારત છે.
કુરૂક્ષેત્રના મેદાન પર સંશપ્તક સેનાના વીર યોદ્ધાઓ કૌરવો તરફ લડતા હતા. તેમાં એક સુધન્વા પણ હતો. તે વીર હતો. ચારિત્ર્યવત્સલ હતો. યુદ્ધભૂમિ પર સુધન્વાનો સામનો અર્જુન સામે થયો. સ્થિતિ એવી હતી કે તે દિવસે યુદ્ધ તેના અંતિમ ચરણમાં હતું. સુધન્વા પાસે ત્રણ જ બાણ બચ્યાં હતાં. શ્રીકૃષ્ણ અર્જુનના સારથી હતા. દિવસના અંત પહેલાં સુધન્વાનો વધ કરવો જરૂરી હતો. શ્રીકૃષ્ણ જાણતા હતા કે સુધન્વા પાસે સદાચરણનું આશીર્વચનનું બળ હતું. શ્રીકૃષ્ણ એ મનોમન સંકલ્પ કર્યો કે ગોવર્ધનપર્વન ઉઠાવવાનું પુણ્ય હું અર્જુનના બાણને અર્પણ કરું છું. સંકલ્પ થતાં જ અર્જુનનું અગ્નેયાસ્ત્ર વધુ શક્તિશાળી થઈ ગયું. સામે સુધન્વાએ પણ સંકલ્પ કર્યો કે હું જીવનભરના મારા એક પત્નીવ્રતનું પુણ્ય મારા બાણને આપું છું. બન્ને તરફથી બાણ છૂટયાં. સુધન્વાએ અર્જુનના બાણને અધવચ્ચે જ તોડી નાખ્યું. શ્રીકૃષ્ણએ ફરી સંકલ્પ કર્યો. હું ગજેન્દ્રને બચાવવાનું પુણ્ય અર્જુનના બાણને આપું છું. સુધન્વાએ પણ પોતાના પરમાર્થનું પુણ્ય પોતાના બાણને આપ્યું. આ વખતે પણ સુધન્વાએ અર્જુનના બાણને હવામાં જ ભૂકો કરી નાખ્યું. છેવટે કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવવાનું પુણ્ય અર્જુનના બાણને આપ્યું. હવે સુધન્વા પાસે એક જ બાણ હતું. તેણે જીવનભરના સદાચાર વ્રતનું પુણ્ય બાણને અર્પણ કર્યું. સુધન્વાએ આ વખતે પણ અર્જુનનું બાણ તોડી નાખ્યું. શ્રીકૃષ્ણ એ અર્જુનને કહ્યું, 'અર્જુન, સુધન્વા ધર્મિષ્ઠ છે, સદાચારી છે, તેનો વધ કરવો મુશ્કેલ છે. પણ હવે તેની પાસે બાણ ખલાસ થઈ ગયા છે.' અર્જુન મર્મ સમજી ગયો. (સુધન્વનો ધનુચ્છિત્વા... શિરઃ કાયાદપાતયત-દ્રોણપર્વ) પહેલાં અર્જુને સુધન્વાના ઘોડાઓ મારી નાખ્યા. પછી સુધન્વાનું ધનુષ્ય તોડી નાખ્યું. રથ ડગી ગયો તે જોઈ તેણે સુધન્વાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. એક દિવ્ય જ્યોત બુઝાઈ ગઈ. શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા. સુધન્વા પાસે ગયા. તેની દર્શન કરતી ખુલ્લી આંખોની પાંપણો બીડી દીધી. નતમસ્તકે ઊભા રહ્યા. મનોમન શ્રદ્ધાંજલી આપી. સુધન્વાને પરમગતિ પ્રાપ્ત થઈ. જે સદાચારને પોતાનું સર્વસ્વ માને છે તે આચરણ કરવામાં જાત નીચોવી નાખે છે, તેને મોતનો પણ ડર લાગતો નથી. જ્યારે આત્મદર્શી પર સદ્ગુણની મીઠી નજર પડે છે ત્યારે મનના ગભારામાં દિવ્ય જ્યોત પ્રગટ થાય છે. સદાચરણ વ્યવહારૂ લેતીદેતીના ત્રાજવે તોલાતું નથી. ચારિત્ર્ય એવો દાગીનો છે એને ગમે તેવી ઘટના પેટીમાં રાખો, કાટ ચડતો નથી.
એકવાર શિવાજીના સૈનિકો મોગલ સૈન્યને હરાવીને આવ્યા ત્યારે સેનાપતિ સોનદેવ તેમના માટે એક પાલખી લાવ્યો હતો. તેણે દરબારમાં રજૂ કરી. પાલખીમાંથી એક સુંદર મોગલ કન્યા ઊતરી અને સંકોચાઈને નજર ઝુકાવી ઊભી રહી. શિવાજીએ સોનદેવ તરફ આંખ ઊંચી કરી કરડાકી નજરથી જોયું. પછી કન્યાને કહ્યું, 'બહેન, તારે ડરવાની જરૂર નથી. તું ખરેખર સુંદર છે. કાશ ! મારી માતા તારા જેટલી જ સુંદર હોત તો આજે આ શિવા પણ તારા જેવો જ સુંદર લાગત !' શિવાજીએ માનભેર કન્યાને પાછી મોકલાવી. સંસ્કાર અને સદાચાર ભારતીય સંસ્કૃતિનો પાયો છે. જંગલમાં જઈ ગુફામાં રહેવાથી દાની કે તપસ્વી નથી થવાતું. સમાજમાં રહીને ચારિત્ર્ય બોટાઈ ના જાય તેની તકેદારી રાખવાથી તપ સિદ્ધ થાય છે. શુભકર્મના અનુભવનું ઊંડાણ વધે ત્યારે ભીતર પડેલી સારપની અનુભૂતિ થાય છે અને આ અનુભૂતિ જ શીલને જાગૃત કરે છે. સંસ્કાર, વિવેક કે સદાચાર કુટુંબમાંથી મળે છે.
એક પિતા ઓફિસે જતાં પહેલાં ઘોડિયામાં ગેલ કરતા બાળકને પુચકારીને કહે છે, 'બેટા, આજે ઓફિસે મારે થોડું કામ છે. એટલે ઓફિસેથી આવતાં મોડું થશે, હોં...' બાજુમાં ઊભેલી તેની પત્ની હસે છે. 'શું તમે ય ! એને શું ખબર પડવાની છે કે તમારે કામ છે. તમે વહેલા આવો કે મોડા... એને એમાં શું ?' ત્યારે પિતાએ કહ્યું, 'હા, એને ખબર નથી પડવાની. પણ મને તો ખબર પડે છે ને ! તેને ખબર પડે છે એમ સમજીને જ હું તેની સાથે વાતો કરું છું, વર્તન કરું છું. માતા-પિતાએ બાળક બધું સમજે છે એમ માનીને તેમની સામે સંસ્કારી વર્તન કરવું જોઈએ.'
દુરાચારનું પરિણામ શેરડીના સુકાઈ ગયેલા સાંઠા જેવું શુષ્ક અને નીરસ હોય છે. સમાજ જ્યારે દુરાચારી અને ધનકેન્દ્રી થતો હોય ત્યારે કુટુંબને અને ખુદને એની પકડમાંથી બચાવીને જીવવું એ પણ એકજાતનું તપ છે. જ્ઞાનીઓ કે બુદ્ધિશાળીઓની મોટી કરૂણતા એ છે કે તે બધું જાણવા છતાં ભગવત્પરાયણમાં લીન થવાના બદલે સ્વચ્છંદી જીવન જીવે છે. આજે દુરાચાર નહિ દુરાચાર કરતાં પકડાઈ જવાય તો પાપ લાગે એવી સમજણ ફેલાઈ ગઈ છે. સદ્વર્તનની આંગળી પકડીને જીવનની પગદંડી પર પગલાં ભરતા સંસ્કારી માણસને જ પરિતોષનો ઓડકાર આવે છે. ખરેખર તો ચારિત્ર્યના ભોગે જીવનના રસ્તા પર સગવડતાની મખમલી કાર્પેટ બિછાવવાની જરૂર નથી - જરૂર છે કામનાની કાંકરી કે ઇચ્છાના ભોંકાયેલા કાંટાને કાઢવાની!
- સુરેન્દ્ર શાહ


