સદ્જ્ઞાન .
માણસના વ્યક્તિત્વના ત્રણ ભાગ છે - શરીર, મન તથા આત્મા. શરીરને પોષણ આપવા માટે ખોરાક તથા પ્રાણ વાયુની જરૂર પડે છે. અન્ન, પાણી તથા વાયુ ન મળે તો શરીર જીવતું રહી શકતું નથી. મનના પોષણ માટે સદ્વિચારો તથા સદ્ભાવનાઓની જરૂર પડે છે તથા આત્માની જરૂરિયાત સદ્જ્ઞાનથી પૂરી થાય છે. સદજ્ઞાનથી માણસના ગુણ, કર્મ તથા સ્વભાવને પોષણ મળે છે. જો તે ઉત્કૃષ્ટ હોય તો જીવન ઉન્નત બને છે.
માણસને તમામ પ્રકારની સુખસગવડો ભરપૂર પ્રમાણમાં આપવામાં આવે પરંતુ જો તેને સદજ્ઞાન ન મળે તો તેનું જીવન એક ખાલી ઘડા જેવું બની રહે છે. શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું - આ જ કારણે બધાં જ સુખસગવડો હોવા છતાં યુવરાજ સિદ્ધાર્થ સર્વસ્વનો ત્યાગ કરીને સદજ્ઞાન મેળવવા માટે જંગલમાં જતા રહ્યા. મહારાજ ભર્તૃહરિએ વૈરાગ્ય ધારણ કર્યું અને રાજા જનકને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ જીવનની પૂર્ણતાનો અનુભવ થયો હતો. સદજ્ઞાન જ માણસને ઊંચે ઉઠાવે છે તથા આગળ વધારે છે સદજ્ઞાનથી જ માણસને સંતોષ, સન્માન તથા પરમ આનંદનો અનુભવ થાય છે.
સદજ્ઞાન મેળવવાના અનેક માર્ગ છે, પરંતુ સ્વાધ્યાય તથા સત્સંગ કરનાર મનુષ્ય મહાનતાનો અધિકારી બને છે. માણસની મહાનતાનું શ્રેય સદજ્ઞાનને જ આપવું જોઈએ કારણ કે તે જ માણસના જીવનને અનુકરણીય બનાવે છે. સદજ્ઞાન પારસમણિ જેવું છે. જેને સદજ્ઞાન ન મળે તે જન્મજન્માંતરો સુધી પતનની ખાઈમાં પડી રહે છે. સદજ્ઞાન મેળવવું એ જ મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.
- જયેન્દ્ર ગોકાણી