Get The App

જળઝીલણી એકાદશીનું મહત્વ

- આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે

Updated: Aug 27th, 2020

GS TEAM

Google News
Google News
જળઝીલણી એકાદશીનું મહત્વ 1 - image


અ ષાઢ સુદ એકાદશી થી કારતક સુદ એકાદશીને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે.

ભાદરવા સુદ-એકાદશીએ ભગવાન  પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. અને કારતક સુદ એકાદશીએ ભગવાન જાગે છે. તેથી તેને દેવઉઠી એકાદશી કહેવાય છે.

જલઝીલણી એકાદશીના મહાત્મમય અંગે પંચરાત્રની અનંતસંહિતાના દસમાં અધ્યાયમાં તોયોત્સવનું વિધાન લખ્યું છે કે, જલઝીલણી એકાદશીના દિવસે ભગવાનને ૧૦૦૧ કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ.

પંચરાત્રની નારાયણ સંહિતના એકવીસમાં અધ્યાયમાં પ્લવોત્સવમાં કહ્યું છે કે, તળવાને કાંઠે એક મંડપ બાંધવો. વર્ષાઋતુનાં વાદળાં ઘેરાય તે પહેલા આ ઉત્સવ માટે ભગવાનને મંડપમાં પધરાવી પૂજા કરવી. ત્યારબાદ સહસ્રધારાથી તેઓની પૂજા કરવી. સ્નાન કરાવી નવા વસ્ત્રો-અલંકાર ધારણ કરાવી ઠાકોરજીને નાવમાં બેસાડવા, તથા સંતો-વિદ્વાનોને પણ નાવમાં બેસારવા અને સ્તુતિ-કીર્તન-ભજન ગાવવાં.

આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકાવિહાર કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. નૌકાવિહારને દાણ રુપે ભગવાને ગોપીઓ પાસે દહીં માગ્યું હતું. ત્યારથી આ દિવસે દહીંના દાનનો વિશેષ મહિમા છે.

જલઝીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનો જળથી અભિષેક કરવામાં આવે છે. અને પુષ્પનો પણ અભિષેક કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય સ્વરુપે હતા ત્યારે તેમણે પણ ગઢપુર, કારીયાણી, અમદાવાદની સાબરમતી નદીમાં આદિ અનેક સ્થળોએ ઘણી વખત જળ ક્રિડા કરી છે. સંતોએ તે વર્ણનના કીર્તનો પણ રચ્યા છે.

ઘેલાં નદીનાં રે, નિર્મળ નીર વખાણીઃ

સંત હરિજનને રે, સાથે લઈ ઘનશ્યામ.

ન્હાવા પધારે રે, ઘેલે પૂરણ કામઃ

બહુ જળક્રીડા રે, કરતા જળમાં ન્હાય.

આમ, જલઝીલણી એકાદશીનો ઉત્સવ વર્ષોથી ઉજવાતો આવ્યો છે, આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નાવમાં બેસાડી, સંતો-ભક્તો તમને જળમાં ઝીલાવવા લઈ જાય છે.

ભગવાન અને સંત વહાણરુપે આપણી સાથે હોય તો તે નૌકા ખરા અર્થમાં જળઝીલણી બની જાય છે.  માટે ભગવાન અને સંતનને ચરણોને હંમેશા પકડી રાખવા. એવો સંદેશો આપણને આ જળઝીલણીનો ઉત્સવ આપે છે.

જળઝીલણીના દિવસે જે ભક્તો ભગવાનના નૌકાવિહારના દર્શન કરે છે તે જીવનું શ્રેય થાય છે. કારણ કે, જે માણસોએ ભગવાનના દર્શન કર્યા હોય તેને જો આ દર્શન અંતકાળે એટલે કે, મૃત્યુ સમયે સાંભરી આવે તો તે જીવનનું આત્યંતિક કલ્યાણ થાય છે. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં કહ્યું છેકે, અમે જે જે ઉત્સવ સમૈયા કર્યા હોય તેને સંભારી રાખવા, અંતકાળે તે સાંભરી આવે તો જીવનનું બહું જ રુડું થાય છે.

અંતકાળે જેને અમારા દર્શન યાદ આવી જાય તેને અમો તેડવા માટે પધારીએ છીએ. અને તેને અમારું અક્ષરધામનું સુખ તેને પમાડીએ છીએ. આમ, જળઝીલણી એકાદશીએ ભગવાનને નૌકાવિહાર કરાવવામાં આવે છે. 

જળઝીલણી એકાદશી ઉપવાસ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તેવું આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક 

મહાપાપોથી પણ મુક્તિ મળે છે. એકાદશી કરવાથી બહુ જ ફળ મળે છે એમ કહેવાય છે કે ૧ લાખ તપસ્વીને રોજ નવી નવી રસોઈ કરીને તમે ૬૦ હજાર વર્ષ સુધી જમાડો અને જે ફળ મળે તેટલું ફળ એક એકાદશી કરવાથી મળે છે. 

આ જળઝીલણી એકાદશીએ ઉપવાસ અવશ્ય કરવો જ જોઈએ. પરંતુ કદાચ કોઈથી ઉપવાસ ના થઈ શકે તો ફલાહાર કરવું જોઈએ. દુધ અને ફ્રુટ ઉપર રહેવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ન જ ખાવું જોઈએ.

એકાદશીના દિવસે રાત્રે ભગવાનનું સ્મરણ કરતાં જાગરણ કરવાની પણ પ્રણાલિકા છે. એકાદશીના દિવસે મંદિરોમાં જઈને ધ્યાન, ધૂન ભજન કીર્તન ઔચ્છવ કરીને ભગવાનની સ્મૃતિએ સહિત એકાદશી કરવી જોઈએ.

તેથી આપણે જળઝીલણીની એકાદશી અવશ્ય કરવી જ જોઈએ અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમ કુમ

Tags :